આ આખો ગઝલ સંગ્રહ અદભુત છે. નીચે બોલ્ડમાં લખેલા શેર મારા અત્યંત પ્રિય છે.





ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે
પુણ્યસ્મરણ:મનોજ ખંડેરિયા
અગનની આંગળી અડકે તો પારસપરસ લાગે
કનક ઉપર કોઈ છરકો કરે તો એ ય કસ લાગે

પરોઢે પુષ્પને ઝાકળ સળગતો સોમરસ લાગે
દુઆ કરજો મને પણ તેજની આવી તરસ લાગે

મથું છું હું ય સરવે કાન સૂણવા સ્વર અને ઈશ્વર
મને પંખી સદા આકાશ સાથે સંતલસ લાગે

નવા અર્થો ઊંચાઈના ઊઘડશે ઉડ્ડયન સાથે
ફરિશ્તાને ગગન તારકથી લીંપેલી ફરસ લાગે

પમરવું ને સમરવું : છે અમારે કામ ક્યાં બીજું?
લહરવું, કોઈના નામે મૃદુ મરવું સરસ લાગે

ફકીરોની તલબ જ્યારે ગહન થૈ જાય, ગંજેરી
અમસ્થી રેવડી પણ એ ક્ષણે ગાંજોચરસ લાગે

નથી એ શબ્દ : જ્યોતિર્પિંડ છે માણસની પીડાના
તું સમજે કાફિયા, કાફર, કવિને એ કણસ લાગે

મુહૂર્તો છે અદીઠાં આગમનનાં, બસ પ્રતિક્ષા છે
યુગો કાયમ ઉતાવળમાં ને ચોઘડિયાં અલસ લાગે

જનમજન્માંતરો છે બંધ જે પ્રાચીન મંજૂષમાં
ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે

 ~હરીશ મીનાશ્રુ ('શબદમાં જિનકું ખાસ ખબરાં પડી')

Image source : poetryindia.com