ચૂંટેલા અશઆર- બેફામ

befam

કમળની પ્યાસ પણ મારા સમી લાગે છે, ઓ ઝાકળ!
સરોવરમાં રહી મુખ ઊંચું રાખે છે સરોવરથી.

સફર એવી કે કોઈ માર્ગ મંઝિલનો નથી મળતો,
નજર એવી કે ઓળખ સૌ દિશાની લઈને આવ્યો છું.

જીવનભરની તમન્નાઓ નિહાળી એમ લાગે છે,
નહીં વીતી શકે એવી જવાની લઈને આવ્યો છું.

કદી મારાં કદમની છાપ ભૂંસાશે નહીં બેફામ,
જગત-પંથે રુધિરભરપૂર પાની લઈને આવ્યો છું.

કરી દઈએ ઓ સર્જક, ચાલ પાછું શૂન્ય સૃષ્ટિનું;
હું તારી વાસ્તવિકતા લઉં, તું મારી કલ્પના લેજે.

જીવન માફક નથી મારું મરણ પણ સંકુચિત બેફામ,
કે હું આ આખી ધરતીને જ સમજું છું કબર મારી.

દશા તેજસ્વી જીવનની બધી સરખી જ રહેવાની,
હશે એ રંગ સંધ્યામાં, નીકળશે જે ઉષામાંથી.

જગતની કેદમાં પણ જિંદગીનાં ગીત ગાઉં છું,
મધુરા સૂર છેડું છું કદમની શૃંખલામાંથી.

બધા ભટકે છે મારી શોધમાં, મંઝિલ ભૂલી જઈને;
કંઈક એવી રીતે નીકળી ગયો છું કાફલામાંથી.

તું એવો લાપતા કે હું તને હંમેશ શોધું છું,
અને સર્વત્ર એવો કે તું ખોવાઈ નથી શક્તો.

ખુદા, આ ઝાંઝવાંમાં શું ભર્યું છે કે મરે છે સૌ?
નદી પર તો કોઈનો પ્રાણ લલચાઈ નથી શક્તો?

બીજા તો શું મને અંધકારમાં રાખીને છેતરશે?
કે મારી જાત ખુદ મારી ય છાયામાં નથી હોતી.

ગઝલમાં એ જ કારણથી હું મૌલિક હોઉં છું બેફામ,
પીડા મારાં દુઃખોની કોઈ બીજામાં નથી હોતી.

પતનનો ભય રહે એવી જગા પર જાય છે કિસ્મત,
તો લોકો એમ સમજે છે કે એ ચડતો સિતારો છે.

મને છે જીદ કે દુનિયાના પ્રહારોથી નથી મરવું,
તો દુનિયા એમ સમજે છે- મને મુજ પ્રાણ પ્યારો છે.

સુગંધોમાં અમારા કંટકોનો વહેમ ન રાખો,
નહીં તો જાત બાળીને અમે અત્તર બની જાશું.

જગતપંથે જીવનભર એ રીતે રઝળ્યા છીએ બેફામ,
બની શકશે તો માટીમાં મળી જઈ ઘર બની જાશું.

ચડે નહીં હાથ જેને કંઈ બહાનું દુઃખને સહેવાનું,
એ સૌને માત્ર એક દુર્ભાગ્યની રેખા મળી જાયે.

ખુદા, આ મારાં અશ્રુબિંદુઓમાંથી ચમક લઈ લે;
કે મારે વ્યક્ત કરવો છે જીવન-અંધકાર રોવામાં.

હવે પીવું નથી કિન્તુ તરસથી હાથ ધોવા છે,
હવે તો દ્યો કોઈ આ ઝાંઝવામાંથી ઝરણ અમને.

જીવનને સ્વપ્ન માનું છું, મગર ત્યાગી નથી શક્તો;
છું એવી જાગ્રતિમાં કે વધુ જાગી નથી શક્તો.

– બરકત વીરાણી ‘બેફામ’
‘માનસર’ માંથી નવમી આવૃત્તિ 2011

One thought on “ચૂંટેલા અશઆર- બેફામ

Comments are closed.