From the Books… ( ‘કાળી પરજ’ Book Review)

એક નાનકડા બીજમાં ચેતનાનો એવો વિસ્ફોટ થાય છે કે કઠણ ધરતીનું પડ ભેદી તે બીજ હરિયાળું તૃણાંકુર બની ફૂટી નીકળે છે. તેજ, વાયુ, જલ, આકંઠ પી તે લીલુંછમ વૃક્ષ બની સૂર્યાન્મુખ બની મહોરે છે. એના મૂળમાં છે પેલું બીજ. જનસમાજની કોઈ વાસ્તવિક્તાનું- પછી તે માનવમન , માનવસંબંધ કે માનવવ્યહારની વાત હોય- બીજ સર્જકના ચિત્તમાં રોપાઈ જાય છે. સર્જકનું ચિત્ત યથાશક્તિ તેને કલાસ્વરૂપ આપે છે. પછી રચાય છે કાવ્ય, નવલિકા, નવલકથા કે કોઈ પણ પ્રકારની સાહિત્ય રચના. અહીં સમાવિષ્ટ નવલિકાઓ આવા કોઈ બીજમાંથી લીલાં પાંદડાં જેવી પ્રગટી છે અથવા નક્કર વાસ્તવિક્તાના પથ્થરમાંથી તેનું શિલ્પ ઘડાયું છે.

~ઇલા આરબ મહેતા

(કાળી પરજ’ની પ્રસ્તાવના )

પુસ્તક – કાળી પરજ (2014)

લેખિકા – ઇલા આરબ મહેતા

પ્રકાશક – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય

ઇલાબેનની લેખિનીના પ્રેમમાં તો હું શાળાજીવન દરમ્યાન જ પડેલી, એઓની ‘રાધા’ અને ‘બત્રીસ પૂતળીની વેદના’ વાંચ્યા બાદ.

‘કાળી પરજ’ એ એક નવલિકાસંગ્રહ છે, જેમાં એમની સોળ વાર્તાઓ સંગ્રહિત થઈ છે. પુસ્તકના શિર્ષકમાં જ લખ્યું છે તેમ આ “હક, હૂંફ અને હેતની નવલિકાઓ” છે. પહેલી વાર્તા ‘કાળી પરજ’માં આદિમ જાતિઓના સંશોધન પ્રવાસે જતા કૉલેજના વિદ્યાર્થીઓના આપસમાં થતા સંવાદો દ્વારા ઊંચનીચ, રંગભેદ આપણા સમાજમાં કેવા ઘર કરી ગયા છે તે રસપ્રદ વાર્તાપ્રવાહ સાથે દર્શાવ્યું છે. ‘વસુધૈવ કુટુંબકમ્’ કહેનારી આપણી સંસ્કૃતિ શું વ્યવહારમાં એવું વર્તે છે ખરી? ઇલાબેનની વાર્તાઓમાં દૂષણોનો વિરોધ બહુ મક્કમ, વેધક છતાં subtle શબ્દોમાં હોય છે. એમની ભાષા સરળ, નાટ્યાત્મક્તાથી દૂર રહીને પણ પોતાનું હાર્દ આપણા અંતરમનને સ્પર્શી શકવા સમર્થ છે. “બહારનો પહેરવેશ કે થોડી ભાષા સુધરવાથી માણસનું દિમાગ પોતાનાં વળગણો કે વિચારો છોડતું નથી”.

બીજી વાર્તા ‘સુજાતા’માં કન્યા છાત્રાલયમાં ઉછરેલી ગીતાંજલિ, એક દલિત અનાથ છોકરીના મનોમંથન અને આત્મસન્માન માટે લેવાતા નિર્ણયની વાત છે. એની કાર્યકુશળતાના વખાણ કરી એને સ્વપ્ન પ્રદેશના મહેલો દેખાડી નીચે પટકનાર, ‘પોતાની જાત’ દેખાડનાર જીજી, એના છાત્રાલયની સંચાલિકાનું અસલી સ્વરૂપ જોઈને આઘાત પામતી ગીતાંજલિ માટે તમારું હૈયું કરુણાથી ભરાઈ જશે.

ત્રીજી વાર્તા ‘એક મૃત્યુ’માં સ્વભાવે શોખીન, થોડી બળવાખોર અને જીવનરસથી છલોછલ ચંદ્રકળાને એની મહાત્વાકાંક્ષાઓની ભૂલની સજારૂપે બે બાળકોનાં પિતા સાથે પરણાવી દેવાય છે એની વાત એના મૃત્યુ પ્રસંગે થતાં સંવાદો દ્વારા આપણી સમક્ષ ખૂલતી જાય છે. ‘જરા મૉર્ડન’, ‘નાના ગામમાં બદનામ જેવા’ શબ્દો ચંદ્રકળા માટે વાપરનાર લોકો એમની સાવકી પુત્રીની પુત્રી જેસિકા ટીવી પ્રોગ્રમમાં ફર્સ્ટ ટેનમાં આવી એની ખુશીમાં મૃત્યુની મર્યાદાએ ભૂલી જાય છે. સમાજના બેવડાં ધોરણો અહીં વેધક રીતે દર્શાવ્યા છે.

‘શ્રાધ્ધ’માં ચીલો ચાતરીને પોતાની આખી જિંદગી શોષિત રહેલી કાકીને ગૌરવપૂર્વકની અનોખી શ્રધ્ધાંજલિ આપતા સૌમ્યની વાત છે તો ‘કુંતી-કર્ણ’માં પોતાની મહાત્ત્વાકાંક્ષા અને ઘરની ફરજો વચ્ચે ખેંચાતી સ્ત્રીની વાત છે. ઘરની જવાબદારીઓ બખૂબી બૅલન્સ કરી શક્તી સ્ત્રી જ્યારે બાળકની લાગણીઓની નાજૂક વાત આવે છે ત્યારે ઘણીવાર પોતાની મહાત્ત્વાકાંક્ષાઓને બ્રેક મારી દે છે, આ વાર્તામાં નાયિકા ચિત્રા શું કરશે, એ જાણવા આ પુસ્તક વાંચવું જ રહ્યું. સ્ત્રી જો બાળકની લાગણીમાં તણાયા વિના ખુદની પ્રગતિનો વિચાર કરે તો તમે એને કઈ રીતે જોશો? એક મનોમંથન આપણા મનમાં જગાડી જાય છે આ વાર્તા.

‘ઑડિટીંગ’માં પ્રકૃતિના સાંનિધ્યમાં ‘લીલાંછમ’માં રહેતા વયોવૃધ્ધ દંપત્તિ અને તેમના સ્પેશ્યલી એબલ્ડ સંતાનની હ્રદયસ્પર્શી વાત છે. માણસનું ઑડિટિંગ શું થઈ શકે? મા-બાપને કોણ વધુ પિડા આપે અબુધ બાબુ કે સફળ પણ શુષ્ક અને કઠોર હાર્દિક?

‘સ્વાર્થી રાક્ષસ’ વાર્તામાં પરીકથાનો રાક્ષસ વધારે ડરામણો છે કે આજના સમયમાં ઊભા થયેલા અસંખ્ય રાક્ષસો જે નાનકડાં ભૂલકાંઓને ભારેખમ અંગ્રેજીમાં કુમળી વયે ઈન્ટરવ્યુ આપવા મજબૂર કરે છે અથવા જે ઉંમરની નિર્દોષતાને કચડી નાંખીને સ્પર્ધાને નામે કે ફૅશનના નામે ગંદા નાચ નચાવે છે? બાળકોને પોતાના વાત્સલ્યથી નવડાવવા ઈચ્છતી વત્સલા અર્ધ જાગૃત અવસ્થામાં બાળકોને શોધે છે. પોતાના ભત્રીજાની પુત્રીની વર્ષગાંઠ બાળસહજ નિર્દોષતાથી ઉજવવા મથતી વત્સલાની ઈચ્છા પૂરી થાય છે ખરી?

‘કવિની ભોમકા’માં ઉમાશંકર જોશીની ‘સાપના ભારા’ના ઉલ્લેખથી શરૂ થતી નાયિકાની સંઘર્ષમય જિંદગી ‘ઉડણ ચરકલડી’ બનવા સુધી કેવી રીતે પહોંચે છે એની વાર્તા છે. એમાં એની નાનીમાનું પાત્ર યાદગાર છે. તો ‘ઊર્ધ્વમૂલ અધઃ શાખા’માં સલામતીના નામે પોતાની માને આસપાસના લોકોનો વિશ્વાસ ન કરવા સમજાવનાર દિકરાઓ અને તેમની વહુઓનો વિશ્વાસ રેણુકાએ કરવો જોઈએ ખરો? નાનપણથી જ દિનદુઃખીયાની સેવા કરનાર રેણુકાનું જીવન વ્યવસાયે ડૉક્ટર એવા પતિ સાથે ગરીબોની સેવામાં જ વિત્યું છે.”આવી ને આવી રહેજે” એવી પ્રેમભરી શુભેચ્છા આપનાર પતિની વિદાય પછી બધાં જ એને બદલાઈ જવા કહે છે. ‘બધા ચોર છે’, ‘જમાનો ખરાબ થઈ ગયો છે’ ‘તમારે હવે ગરીબોની સેવાના ધખારા છોડવા જોઈએ’, બધા આવી જ સલાહ આપે છે. શું રેણુકા પોતાને બદલી શકશે?

‘રક્ષાબંધન’ માં પોતાના પિતાની મિલ્કતમાં ભાગ માંગવા માટે વારેવારે આગ્રહ કરતા સ્વાર્થી, લોભી પતિ મનેશનો સામનો અનુપમા કઈ રીતે કરશે? પોતાના બિમાર રહેતા મધ્યમવર્ગીય ભાઈ પાસે પોતાનો હક માંગશે? કેવી રીતે? હક અને ફરજ સિક્કાની બે બાજુઓ છે એ ખૂબ સરસ રીતે અહીં બતાવ્યું છે.

 ‘મરણ ઉર્ફે જીવન’માં ફિલ્મી દુનિયામાં સફળ થવા ઈચ્છતા યુવાનનો મનોસંઘર્ષ છે. સિધ્ધાંતોની બાંધછોડથી મળતી સફળતાનું જીવન કે પોતાના મા-બાપના ખુમારીભર્યા પણ સાવ સામાન્ય સ્ટન્ટમૅનના મરણ જેવું જીવન, દેવુ નક્કી કરી શકશે?

‘કેવાયસી‘ વાર્તામાં શું તમે ખાતરીથી કહી શકો કે તમે કોઈને સારી રીતે ઓળખો છો ?માત્ર ડોક્યુમેન્ટસ્ ના આધારે જ કોઈનો વિશ્વાસ કરી શકો? જે સાવ નીકટના છે એ વિશ્વાસ તોડે તો!?

‘બે અક્ષર ચાર દિવાલ’માં સાવ અજાણી અપરિચીત કિન્નરી કેવી ચાલાકીથી અનન્યાનો વિશ્વાસ જીતી લઈને તેનું ઘર બરબાદ કરે છે એની આઘાતજનક વાર્તા છે. અનન્યા કોને ઓળખી ન શકી, કિન્નરીને કે પોતાના પતિને?

‘શહેરને નામ’ માં ખોટી પાર્ટીઓ, શૉપિંગમાં પોતાના સ્વત્વ અને સમયને ખોઈ બેસતી પત્નીને પતિ કેવી રીતે ટકોર કરી પાછી વાળે છે તેની વાર્તા છે તો ‘સ્વર્ગ’માં દીકરી દીકરામાં ભેદ કરતી પોતાની મમ્મીનું હ્રદયપરિવર્તન મીરાં કેવી રીતે કરી શકે છે એની નાનકડી સંવેદનશીલ કથા છે. ‘સિન્ડ્રેલાની હૅપીનેસ’માં દીકરીની મદદથી પોતાની માની લીધેલી મર્યાદાઓને અતિક્રમીને પોતાની ખુશીઓ પોતે જ શોધશે એમ સંગીતપ્રેમી વૈદેહી શીખે છે.

જાત જાતના સંવેદનો, ઘટનાઓ, પરિસ્થિતીઓ, પ્રશ્નો અને ઉકેલ તો ક્યારેક નિઃસહાયતાના પ્રસંગોથી ભરેલો આ સંગ્રહ એક સુંદર વાંચન સામગ્રી માત્ર નથી પૂરી પાડતો પણ મનને અનેક નાજૂક સવાલોથી વિચારવા પણ પ્રેરે છે. જેમ મને આનંદ આવ્યો એમ આપ સૌને પણ ખૂબ ગમશે.

~નેહલ