વિશ્વ માતૃભાષા દિવસની શુભકામનાઓ!
વડ કને તડકાનો ડંગોરો, જુઓ.
જે હજી જન્મ્યું ગયા વરસાદમાં
ઘાસનો ઝાકળનો કંદોરો જુઓ.
અમૃત 'ઘાયલ' સાહેબે જેમની 'ત્રિપદી'ને ગુજરાતી ગઝલ ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કહીને નવાજી અને એના મિજાજને રૂબાઈ જેવો પ્રભાવક ગણાવ્યો, એ ત્રિપદી ની ફરી કોઈ વાર વાતો કરીશું. મને એમની ત્રિપદી વાંચતા વાંચતા બાશોનું સ્મરણ થયા કરતું હતું. આજે તો આ 'પોતાના અવાજમાં બોલતા' શાયરના કેટલાક ચૂંટેલા શેર સાથે માતૃભાષા દિવસ ઉજવીએ. 'પ્રવાહોમાં ઘસડાઈ જવાને બદલે ઉપરવટ જનાર' આ કવિની ગઝલ 'ઓસના કંદોરા' જેવી ઋજુ માવજતથી દીપી ઊઠે છે.
એ સજાગ છે,
શાયરનું જીવન શું છે?
તંગ કાફિયા, ટૂંકી બહેર.
પણ એ ટૂંકી બહેર, ક્યારેય એમની મર્યાદા બની નથી, ઉદાહરણ તરીકે,
જૂનાં સ્મરણો પાછાં આવ્યાં,
મન વચ્ચોવચ બેઠક થઈ ગઈ.
*
આંસુ તરીકે ટપક્યું ' તું,
અંતે પૂર્ણવિરામ થયું.
* * * * * * *
સરવરપાળે આવી પહોંચ્યું મોત, મને તેડી જાવાને,
કંકર નાખી સર્જેલો આકાર બધો ભીનો સંકેલો.
*
એક સૂર્યોદય થતો જોશું ઉભય સાન્નિધ્યમાં,
ગોપવેલા આભને ફૂટશે ટશર, આવ્યા પછી.
*
જે ઝાકળથી સીંચાઈ છે,
હું એ ફસલની રાહ જોઉં છું.
*
મૃત્યુ એટલે સમગ્ર જાતને વહેંચવી,
વૃક્ષમાં, પહાડમાં, વિહંગમાં જરાતરા.
*
-- તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,
લે મૂક, હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.
*
એ જ તો આશ્ચર્ય, એણે ગુલછડી માની લીધી,
એક નાની કલ્પના મેં લયમાં વીંટાળી હતી.
*
એ બીડાંનાં પાનનો વર્ષોથી બંધાણી છું હું,
જ્યાં કિમામી ઓસ ને તડકાની વરિયાળી હતી.
*
પ્રકૃતિને હસ્તગત ખીલવા ને ખરવાની કળા,
એવી માનવમાં હજી કુનેહ છે, પણ ખાસ નહિ.
*
અફસોસ છે મને તો અકબંધ રહી જવાનો,
અણગમતી રાણીનો હું ગજરો દરેક યુગમાં.
*
સામે સડેલ ઈંડાં કે તાળીઓ પડે,
કઠપૂતળીને શું સજા કે શું ઈનામ છે?
*
સાહિત્ય તો પૂજાય છે, વંચાય ક્યાં અહીં?
ભગવદ્ગીતાનું સોગન માટે જ કામ છે.
*
હું ખરું ત્યાં ખૂબ અરસા બાદ ઊગે વૃક્ષ ને,
સૌથી સુંદર ડાળમાંથી એક શરણાઈ બને.
*
ફાળ ભરતી સરહદો આવી રહી મારી નિકટ,
ફક્ત બાકી એક રસ્તો, ઉડ્ડયન : તાજા કલમ.
*
સદાકાળ કોને સુખી અહીં થવું છે?
ઋતુઓને હું ડાળની જેમ માણું.
*
મોકો ચૂક્યાનો રાખવો અફસોસ શું હવે?
વેઈટીંગ રૂમ જેવી છે દુનિયા સમસ્ત અહીં.
*
સ્વાધીનતાથી આળસ ખાતા છોડને બદલે,
'બૂકે' માં ફૂલોની શિક્ષિત કુર્નિશ જ્યાંત્યાં.
*
છે તંગદિલ દરેક આયનો શહેરમાં,
આકાશની ઉદાર મોકળાશ વ્યક્ત કર.
*
એ અગોચર તત્ત્વ સાથે ક્યાં કશું સંધાય છે?
એકવચન પ્હેલો પુરુષ ત્યાં વચ્ચે આવી જાય છે.
*
એ પુન: સર્જાય છે, ને પુન: ભૂંસાય છે
આ સનાતન અર્થહીનતા તમને કંઈ સમજાય છે?
*
હજારો દીપમાલા જે રીતે મંદિરમાં પ્રગટે છે,
તમે સ્મિતને મુખરવા દો, જવા દો કંઈ નથી કહેવું.
*
સઘળી સ્મૃતિ શાને ભભૂકી ઊઠતી?
જે કંઈ વીત્યું વર્ષો હતાં કે મીણ? cut
*
સાદા પ્રયત્નથી ન એ પાછું મળી શકે,
જ્યાં હાસ્યને મૂક્યું, એ ઊંચી છાજલી હતી.
~ હેમેન શાહ ( તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ... માંથી)
Like this:
Like Loading...
Related
Published by
Nehal
I usually write in my mother tongue Gujarati and sometimes in Hindi and English.
Nehal’s world is at the crossroads of my inner and outer worlds, hope you like the journey…
View all posts by Nehal