કાગળને પ્રથમ તિલક – મુકેશ જોષી

કિતાબોય જૂની હું વાંચી શકું ના
કે તારાં જ વાળેલાં પાનાં મળે
મળે કોઈ ચિઠ્ઠી, મળે કોઈ પીંછું
પછીથી પ્રસંગો જે ટોળે વળે
***
મને સાચવી રાખવા તેં દીધેલું
એ અડધુંક ચોમાસું છે મારી પાસે
તને પાછું કરવા હવે મારો સૂરજ
સવારેથી નીકળી જતો રે પ્રવાસે
***
સ્મરણોનો લેપ છતાં દુઃખે છે હાડ
ક્યાંક લાગે છે અંદર તિરાડ
તો પાડ,
મારી ગમગીનીનો હવે એક્સ-રે તું પાડ
***
‘રાત મેં કટકે કટકે કાપી’
ઝીણે અક્ષર પીડાની પુસ્તિકા વાંચી દેવા કો’કે
ઝળઝળિયાંની ઝાંખી દીવી આપી
***
વાવાઝોડાં ને વંટોળો પીને માણસ
અંદર અંદર કણસે
છાતી વચ્ચે ફેલાતું હો ફાટફાટ વેરાન ને
માણસ મહેફિલ માટે તરસે
***
પળપળમાં જીવનનાં વહેણ ફરી જાય
જેમ રસ્તો બદલાય કોઈ અંધનો
અહીં પળપળમાં તૂટતા સંબંધનો
***
અમે કાગળ નથી કે તમે અક્ષર લખો
ને અમે પથ્થર નથી કે ઘડો ઈશ્વર
અમે સરવર નથી કે તમે પાણી ભરો
આ જ માણસ થયાનું છે કળતર
***
મધ્યરાતે તપ કરું, સમણાં તણા હું જપ કરું ને
આંસુની આહુતિઓ આપી ઘણાંયે વ્રત કરું
તે છતાં પામું અગર વરદાનમાં વેરાન તો
છાતી વચાળે હોય જે પોલાણ એ ક્યાંથી ભરું
ચાલ શતરંજી સમય એવી ઘડે, મ્હોરાં બધાં ઘેરી વળે ને
મધ્યમાં હો કેદ એ રાજા છતાં ક્યાંથી જીતે
***
સહુ પોતાના ટાપુ ઉપર સાવ એકલા શ્વાસ વિતાવે નવાઈ છે ને!
દિવસ નામનો છિદ્રોવાળો ફુગ્ગો સહુએ રોજ ફુલાવે નવાઈ છે ને!

– મુકેશ જોષી (‘કાગળને પ્રથમ તિલક’)