જિંદગીની સૌ સમસ્યા હોય છે શ્રધ્ધા સમી,
જો નહીં સમજાય તો કુદરત ખુદાની લાગશે.
***
તેં ધડ્યા છે એકસરખા, એ જ તારી ભૂલ છે,
હો ન જેમાં માણસાઈ એ ય માણસ લાગશે.
***
ભૂલથી પણ કોઈ ના કરશો ખુદાની કલ્પના
માનવીની દ્રષ્ટિએ તો એય માનવ લાગશે.
***
થઈ જશે પોતે દિલાસા જિંદગીના દુઃખ બધાં,
આ જગત જે જે સિતમ કરશે, અનુભવ લાગશે.
***
લોક સૌ માની રહ્યા છે જેને જીવનનો પ્રવાહ
અશ્રુને પ્રસ્વેદનો એ એક સંગમ લાગશે.
***
જિંદગીની એ જ મૂંઝવણ ને વિમાસણ લાગશે,
વેડફાશે સૌ દિવસ, સૌ કિંમતી ક્ષણ લાગશે.
***
પ્રેમનું કારણ તો સમજ્યા કે નથી હોતું કશું,
જાણ નહોતી એનાં સુખ-દુઃખ પણ અકારણ લાગશે.
***
એ તો શું, એની મદદ પણ ક્યાંય દેખાશે નહીં,
એટલું માનો પછી સર્વત્ર ઈશ્વર લાગશે.
***
તું ભલે સાચું જીવે, પણ આ જગતની દ્રષ્ટિએ,
જિંદગી બેફામ નાયક છે, ને નાટક લાગશે.
***
રોજ લંબાયા કરે ને લાજ પણ રાખ્યા કરે,
ભરસભામાં દ્રૌપદીનાં ચીર જેવું છે જીવન.
***
ઘાવ હૈયાના છુપાવું તો છુપાવું કઈ રીતે?
કે હવે તો હસ્તરેખામાં ય ચીરા થઈ ગયા.
***
વાત પોતાની જ કહેતાં હોય છે એને બધાં,
કોઈ સાંભળતું નથી અહિયાં કદી ઈશ્વરની વાત.
***
તમે સૌ માત્ર એને ઝાંઝવાનાં નીર ના સમજો,
કે જેને પી ગયું છે રણ એ એક એવો સમંદર છે.
બરકત વીરાણી ‘બેફામ’
(‘પ્યાસ’માંથી)
Barkatali Gulamhussain Virani ( 1923-1994)
One thought on “ચૂંટેલા અશઆર – બરકત વીરાણી ‘બેફામ’”
Comments are closed.
રડ્યા સહુ કોઈ એ જ કારણ થી મારા મરણ પર,
મારો જ પ્રસંગ હતો અને મારી જ હાજરી નહોતી.
‘બેફામ’
LikeLiked by 1 person