Senior Citizen@home.in …-(13)

મોડે સુધી ગાલાઆંટી માટે કેવી રીતે સગવડ કરવી એની નાયર અંકલ અને સોમૂ સાથે ચર્ચા કર્યા પછી સલોની જ્યારે ઘરે પહોંચી ત્યારે બહુ જ થાકી ગઈ હતી. થોડીવારમાં જ સમીર પોતાની ચાવીથી દરવાજો ખોલીને અંદર આવ્યો. તરત જ પોતાના બન્ને કાન પકડીને , પોતે બહુ જ મોડો થયો છે અે ગંભીર ગુનાની સલોની પાસે માફી માંગવા લાગ્યો, સલોની જે આપે સજા એ પોતાને મંજૂર છે એવું નાટકીય ઢબે કહેવા જ જતો હતો. પણ સલોનીને સોફામાં થાકથી માથું ઢાળીને બેઠેલી જોઈ એ અટકી ગયો. હળવેકથી એની બાજુમાં આવીને બેસી ગયો, એનો ચહેરો કુમાશથી પોતાના તરફ ફેરવીને કાંઈક કહેવા જતો હતો પણ સલોનીના ચહેરા પર લીંપાયેલી ઉદાસી જોઈ અટકી ગયો.સલોનીને પોતાની તરફ પ્રેમથી ખેંચી લીધી, એના ફરતે હાથ વીંટાળીને થોડીવાર બન્ને મૂંગા મૂંગા બેસી રહ્યા. સલોનીની આંખમાંથી બે આંસુ સમીરના હાથ પર ટપકયાં. ચોંકીને સમીર બોલી ઊઠ્યો, “આઈ ઍમ રિયલી સૉરી! અહીં આવ્યા ત્યારથી હું ઑફિસના કામમાં વ્યસ્ત થઈ ગયો છું. તને તારી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહેતી જોઈને હું એમ માનતો હતો કે તને એકલું નહીં લાગતું હોય પણ એ મારી ભૂલ છે, હું તારા પ્રત્યે બેદરકાર થઈ ગયો છું”.સલોની એ એના મોં પર હાથ મૂકી એને બોલતો અટકાવ્યો અને સાંજની મિટીંગ, ગાલાઆંટીની વાત ટૂંકાણમાં કહ્યા. પછી કહે, “હું તો આ ગ્રુપની પ્રવૃત્તિથી ખુશ થઈને એમ જ માનતી હતી કે બધી સમસ્યાના ઉકેલ મળી જ શકે પણ છેક આવું તો કલ્પ્યું જ ન હતું કે અમારે જ ભેગાં થઈને કોઈને ઘરડાંઘરમાં મૂકવા જવાનો પ્રસંગ આવશે”. સમીરે સલોનીની ઉદાસીનું ખરું કારણ જાણી રાહતનો શ્વાસ લીધો. સલોનીનું આ આખા પ્રસંગમાં આમ ઈમોશનલી ઈન્વોલ્વ થઈ જવું ચિંતાજનક લાગ્યું. એણે વાત બદલવા કહ્યું; “મને સખત ભૂખ લાગી છે, તારી જે ખાવાની ઈચ્છા હોય જલ્દીથી મંગાવી લે”. સલોની હવે આછું હસીને ઊભી થતાં બોલી; “મેં પનીર મખની બનાવ્યું છે અને પમ્મી આંટીએ રાજમા ચાવલ મોકલ્યા છે, તું ફ્રેશ થઈને આવ હું પરોઠા ગરમ કરી લઉં એટલે જમવા બેસી જઈએ, મને પણ ભૂખ લાગી છે”.
ખાતી વખતે સમીરે સલોનીને યાદ કરાવ્યું કે બીજે દિવસે રવિવારે આકાશ અને એની ફિયાન્સી લંચ પર આવવાના છે, સલોનીને મૂડ ના હોય તો ક્યાંક બહાર રેસ્ટોરન્ટમાં જઈ શકાય. સલોની એના પ્રેમાળ જીવનસાથી સામે વ્હાલથી જોઈ રહી. એને આવેલાં આંસુથી સમીર વિચલીત થઈ ગયો હતો, એને ખુદને નવાઈ લાગતી હતી કે આ બધાં અજાણ્યા વૃધ્ધો એના આટલા નિકટના સ્વજન શી રીતે બની ગયા. એણે સમીરને એમ કરવાની ના કહી. એણે કહ્યું કે એને યાદ છે અને દેશમુખઆંટી એને મદદ કરવા આવવાના છે, એણે તો દેશમુખઅંકલ અને આંટીને પણ જમવાનું નિમંત્રણ આપ્યું હતું પણ એ માંડ માંડ ટિફીન લઈ જવા તૈયાર થયા હતા.સમીર એને સ્વસ્થ થયેલી જોઈ ખુશ થયો. આનંદથી એનાં પનીર મખનીનાં વખાણ કરતાં ખાધું. સલોનીએ કહ્યું એ આજે જ પમ્મી આંટી પાસે બનાવતાં શીખી.
જમીને બેઉ બાલ્કનીમાં બેઠા, સમીરને સલોની કહે પપ્પાનો ઈમેલ હતો, એમનો અને મમ્મીનો અહીં આવવાનો કાર્યક્રમ નક્કી થઈ ગયો છે.સમીર તરત બોલ્યો; “અરે હા આજે જ મારે વાત થઈ. આવતા અઠવાડિએ જ આવે છે. એમની ટીકિટસ કન્ફર્મ થઈ કે તરત એમણે કોલ કર્યો અને ફ્લાઈટ ની વિગતો મને ઈમેલ કરી. આપણે એમને આવતા શનીવારે એરપોર્ટ લેવા જવાનું છે”. સલોની કહે “મને ફોન કેમ નહીં કર્યો, એમને તો તું જ વધારે લાડકો છે”. સમીર હસતાં હસતાં કહે “મમ્મી તને કાલે ફોન કરવાના જ છે તારા માટે ઘણી બધી ઘરની રોજ વપરાશની ચીજ લાવવા માંગે છે એટલે તને પૂછીને જ લિસ્ટ બનાવશે. અને મારી ઈર્ષ્યા કેમ કરે છે મારા પપ્પાની તો તું જ વધારે લાડકી છે મેં ક્યારેય એ વિશે ફરીયાદ કરી છે”.
વાતાવરણ હળવું થયેલું જોઈ બેઉને સારું લાગ્યું. બન્ને જણ સલોનીનાં મમ્મી-પપ્પા સાથે ક્યારે અને ક્યાં ફરવા જવા માટે જોડાવું તેનો પ્લાન કરવા માંડ્યા. સમીરે એના મોબાઈલ પ્લાનરમાંની ડેટ્સ શોધવા માંડી અને નક્કી કર્યું કે એમની સાથે પોંડિચેરીના અઠવાડિયાના પ્રવાસ માટે પંદર દિવસ પછી જોડાશે, બાકીનું સાઉથ ઈન્ડિઆ મમ્મી-પપ્પા એમની રીતે ફરશે. સલોની તરત બોલી; “મને કેરાલા જવાનું બહુ જ મન છે જો ત્રણ-ચાર દિવસ એમની સાથે બોટમાં રહેવાય તો બહુ જ મઝા આવે, મારાં ભાઈ-ભાભી પણ એક વીક ખાસ કેરાલા ફરવા માટે જોડાવાના છે જો આપણે જોડાઈ શકીએ તો બહુ વખતે બધાં ભેગા થવાનો આનંદ લઈ શકીએ”. સમીર સલોનીને ઉત્સાહથી વાત કરતી જોઈ ઈન્કાર ન કરી શક્યો, ઉપરાંત સલોનીનો ભાઈ સૌમિલ એનો બાળપણનો મિત્ર હતો. બંને જણ સતત એકબીજા ના સંપર્કમાં હતા એટલે એને પણ સૌમિલે આગ્રહ કરીને કેરાલા પ્રવાસ માટે જોડાવાનું કહ્યું જ હતું. સલોની મમ્મી-પપ્પા, સૌમિલ-શ્રિયાને મળવાના વિચારથી રોમાંચિત થઈ પ્રસન્ન ચિત્તે સૂવા ગઈ,” હું પણ થોડીવારમાં સૂવા માટે આવું જ છું” કહી સમીર એનું લેપટૉપ લઈને ઑફિસની ઈમેલના જવાબ લખવામાં વ્યસ્ત થઈ ગયો.
સવારે ઉઠતાં સલોનીને થોડું મોડું થયું. સમીર એને માટે બેડમાં કોફી અને બ્રેકફાસ્ટ લઈને આવ્યો. સલોનીને ખબર હતી એ જ્યારે લાગણીશીલ બની જતી કે ઉદાસ થઈ જતી સમીર એને સ્પેશ્યલ ફિલ કરાવાની એકપણ તક જતી કરતો નહીં, સલોનીને સમીરના વ્યકિતત્વનું આ પાસું પહેલેથી જ બહુ ગમતું. એણે સમીરને એના બ્રેકફાસ્ટ માટે પૂછ્યું. એ વહેલો ઊઠીને જોગિંગ માટે ગયો હતો પાછા આવતા રસ્તામાં નાયરઅંકલ મળી ગયા હતા અને આગ્રહ કરીને પોતાના ઘરે ગરમાગરમ ઈડલી ખાવા લઈ ગયા હતા, સલોની હજુ ઉંઘે છે એ જાણીને આંટી એના માટે નાસ્તો લઈ જવાનું સમીરને કહેતા હતાં. પણ સમીરે ના પાડી અને ઘરે આવીને પોતે સલોની માટે નાસ્તો બનાવ્યો હતો. અમેરિકામાં જ્યારે ભણતો હતો ત્યારથી એ ઘણી વાનગીઓ બનાવતા શીખી ગયો હતો. એના પપ્પા એ નાનો હતો ત્યારથી એને રવિવારે કિચનમાં લઈ જતા અને બાપ-દિકરા ભેગા થઈને બ્રન્ચ (લંચ અને બ્રેકફાસ્ટ) બનાવતા, મમ્મીને પૂરો આરામ આપવાનો શિરસ્તો હતો. આખું અઠવાડીયું કામ કરતી મમ્મી પર વીકએન્ડમાં કામનો બોજ ના આવી પડે એ માટે જો મમ્મી લોન્ડ્રી, વેક્યુમ વગેરેમાં વ્યસ્ત હોય તો બાપ-દિકરો થઈને ગ્રોસરી વગેરે ખરીદી લાવતા, અથવા જો મમ્મી શોપિંગ માટે ગઈ તો લોન્ડ્રી અને વેક્યુમ એ બન્નેની જવાબદારી રહેતી. અને આ બધું એટલું સહજ હતું કે એની કોઈ ખાસ ચર્ચા પણ થતી નહીં. એણે મમ્મી-પપ્પા સરખાં જ વ્યસ્ત અને પોતાના કામને સમર્પિત જોયા હતા એટલે ક્યારેય આ કામ તો મમ્મી જ કરે કે પપ્પાથી ના થાય એવા એના મનમાં ભેદ ઊભા થયા જ ન હતા.
એણે સલોનીને કહ્યું કે દેશમુખઆંટીના અત્યાર સુધીમાં બે વાર ફોન આવી ગયા, બધી સામગ્રી બરાબર આવી ગઈ છે તે પૂછવા અને પોતે અગીયાર વાગ્યા સુધીમાં આવી જશે એમ જણાવવા. “આપણા મહેમાનની એમને વધારે ચિંતા છે. તું નસીબદાર છે અહીં બધા તારું કેટલું ધ્યાન રાખે છે”. સલોની હવે એકદમ ફ્રેશ થઈ ગઈ હતી, સમીરના મોંને ચૂમીને બ્રેકફાસ્ટ માટે થેન્કસ કહીને નાહવા જતી રહી. નિત્યકર્મ પરવારી પહેલો દેશમુખઆંટીને ફોન કર્યો અને એમની બધી સૂચનાઓ ધ્યાનથી સાંભળી લીધી. પછી ઘરને થોડું સરખું કરી લઈ સજાવટ કરી લીધી, એક ક્ષણ મનમાં ઊગ્યું ય ખરું કે બાળક વિનાના ઘરને અસ્તવ્યસ્ત કોણ કરે?!
એની સમક્ષ આકાશ, આકાશ પરાંજપેની છબી અને એની સાથેની મુલાકાત આવી ગઈ, ‘વન્સ મોર’ના સીઈઓને એ કઈ રીતે પોતાની વાત સમજાવશે એના વાક્યો મનમાં ગોઠવવા માંડી.

old-age

2 thoughts on “Senior Citizen@home.in …-(13)

  1. ઉતાવળમાં વાંચતો ગયો અને વાત વત્તા વાર્તા ખુબ ગમી , પણ જોઉં તો ક્રમશ: . . . અરે હું ઉતાવળીયો ! આ તો એક આખી વાર્તા સિરીઝ છે ! હવે રોજ એક હપ્તો વાંચીશ [ અને સાથે નવા ભાગની રાહ પણ ]

    ખુબ જ ઉત્તમ લાગણીભર્યો સ્પર્શ જોવા મળ્યો , એ બદલ ખુબ ખુબ ધન્યવાદ .

    Liked by 1 person

Comments are closed.