ગઝલ – કવિ કલાપી

કવિ કલાપીની આ ગઝલ એમના વ્યક્તિત્ત્વનું એક અલગ જ પાસું પ્રગટ કરે છે. છલોછલ ખુમારી, મસ્ત ફકીરીથી ભરી આ ગઝલ આપ સૌને પણ ગમશે.
.. .. .. .. ..

હમે જોગી બધા વરવા સ્મશાનો ઢૂંઢનારાઓ!
તહીંનાં ભૂતને ગાઈ જગાવી ખેલનારાઓ!

જહાં જેને મરી મુર્દુ કબરમાં મોકલી દેતી,
હમે એ કાનમાં જાદૂ હમારું ફૂંકનારાઓ!

જહાંથી જે થયું બાતલ, અહીં તે છે થયું શામિલ!
હમે તો ખાખની મૂઠી ભરી રાજી થનારાઓ!

જહીં જખમો તહીં બોસા તણો મરહમ હમે દેતા,
બધાંનાં ઈશ્કનાં દર્દો બધાં એ વ્હોરનારાઓ!

હમે જાહેરખબરો સૌ જિગરની છે લખી નાંખી,
ન વાંચે કોઈ યા વાંચે : ન પરવા રાખનારાઓ!

ગરજ જો ઈશ્કબાજીની, હમોને પૂછતા આવો,
બધાં ખાલી ફિતૂરથી તો સદા એ નાસનારાઓ!

જહીં સ્પર્ધા તણી જગની દખલ ના પ્હોંચતી ત્યાં ત્યાં,
જમીં ને આસમાનોના દડા ઉડાવનારાઓ!

ગમે તે બેહયાઈને દઈ માથું ધરી ખોળે,
હમે આરામમાં ક્યાંયે સુખેથી ઊંઘનારાઓ!

સનમની બેવફાઈથી નથી સુખ કાંઈ એ ડરતાં,
હમે જાણ્યું, હમે માણ્યું, ફિકરને ફેંકનારાઓ!

જખમથી જે ડરી રહેતાં, વગર જખમે જખમ સ્હેતાં;
હમે તો ખાઈને જખમો, ખૂબી ત્યાં માનનારાઓ!

બની ઉસ્તાદ આવો તો થશો આંહીં તમે ચેલા,
મગર મુરશિદ કરો તો તો હમે ચેલા થનારાઓ!

હમારાં આંસુથી આંસુ મિલાવો; આપશું ચાવી;
પછી ખંજર ભલે દેતાં; નહીં ગણકારનારાઓ!
– કવિ કલાપી

sursinhji_gohil_kalapi