Senior Citizen@home.in …(10)

સમીર સલોનીના વક્તવ્ય અને એની પ્રશંસાથી બહુ જ ખુશી અનુભવી રહ્યો હતો. જે પ્રવૃત્તિને એ માત્ર ટાઈમપાસ સમજતો હતો એનું આટલું અદ્ભુત પરિણામ આવશે, આટલા બધા લોકોની જીંદગીમાં સુખદ વળાંક લાવશે , એની એને કલ્પના પણ ન હતી. ઉપરાંત એ પ્રવૃત્તિની આટલી નોંધ લેવાશે, ખાસ તો એની કંપનીના જે ઍક્ઝિક્યુિટવને આનું મૅનેજમેન્ટ અને એક્સપાન્શન, વિસ્તરણ સોંપવામાં આવ્યું આવ્યું હતું, એણે સલોનીને ખાસ મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી એ વાતની એને નવાઈ લાગી હતી.

સલોની થોડો સંકોચ અનુભવી રહી હતી, એને મનમાં થતું હતું કે પોતે વધારે પડતું બોલી ગઈ હતી.સમીરના ઑફિસના મિત્રો શું વિચારશે! પણ જ્યારે સમીર સાથે આકાશની ઑફિસમાં પ્રવેશી ત્યારે એણે સામેથી ઊભા થઈને આવકાર આપ્યો, તેની સાથે મૈત્રીપૂર્ણ હેન્ડશેક કરીને, એની સામે પ્રશંસા ભરેલી નજરે સ્મિત કર્યું…સલોનીનો બધો સંકોચ દૂર થઈ ગયો !આકાશે કહ્યું મેં જ્યારે સમીરની વાતોમાં તમારી પ્રવૃત્તિઓનો આછો-પાતળો ઉલ્લેખ સાંભળ્યો હતો ત્યારથી તમને મળવાની ઈચ્છા હતી, મારા જેવું કોઈક વિચારનાર છે એનો આનંદ તો છે જ પણ તમારી પાસે નવા નવા અનેક સૂચન છે જે મને આ, માફ કરજો, પણ બિઝનેસ વધારવામાં મદદરૂપ થશે. મારી ઑફિસમાં જ્યારે આ પદ સંભાળ્યું ત્યારે બધા મારી સામે દયાની નજરે જોતાં હતાં જાણે મારું સ્થાન નીચું ગયું હોય, ઘણાએ તો કહ્યું પણ ખરું કે આવા કામોમાં લાઈફ બગાડવા કરતાં નવી નોકરી શોધી લે, તને તો મળતાં વાર નહીં લાગે. પણ આ મારું ગમતું કામ છે, અને તમને આમાં રસ અને ઉત્સાહથી કામ કરતાં જોઈ મને મારો નિર્ણય સાચો લાગે છે.હું ભારતના દરેક મોટાં શહેરોથી શરૂ કરી, નાનાં-મિડીયમ સાઈઝના શહેરોમાં ” Once More ” ની શાખાઓ શરૂ કરવા માંગું છું.હું એવું માનું છું કે આપણા જેવા યુવાનો જ્યારે તાજગીભર્યા અભિગમ સાથે આ રીતની સામાજિક જવાબદારીનાં કામોમાં જોડાશે ત્યારે જ એના સમયને અનુરુપ ઉકેલ મળશે.ઉપરાંત એ પણ દ્રઢતાથી માનું છું કે સૉશિયલ વર્કના નામે ચાલતી પ્રવૃત્તિઓ એને ચલાવનારની નાની-મોટી નિર્બળતાઓ, મર્યાદાઓની શિકાર બની ક્યાં તો બાળમરણ પામે છે અથવા તો કોઈ વેસ્ટેડ ઈન્ટ્રેસ્ટનો હાથો બની જાય છે. અત્યારની સમયની જરૂરિયાત છે આ કામોને પ્રોફેશનલ રીતે સમજીને કરવામાં આવે, કોર્પોરેટ ભાગીદારીમાં કરવામાં આવે અને સાથે સમાજની ભાગીદારી પણ સ્વીકારવામાં આવે.આ એક-બે માણસની સમજ કે જવાબદારીનો પ્રશ્ન નથી, આખા સમાજનું એમાં ઈન્વોલ્વમેન્ટ, પૈસાથી, સમયથી , પ્રયાસથી જરૂરી બની જાય છે. એટલે જ હું એને મોટા પાયે શરૂ કરવા માંગું છું, એનો પ્રચાર અને પ્રસાર કરવા માંગું છું. લોકો આ સમસ્યા છે એ સ્વીકારે, એના તર્કપૂર્ણ ઉકેલ શોધવા મજબૂર થાય અને પોતાનું ઈન્વોલ્વમેન્ટ મહત્વનું છે એ સમજતા થાય તો જ પરિસ્થિતીમાં બદલાવ આવી શકે.દાનની રકમ પર થતાં કામો ને અનેક અવરોધ આવે છે. એટલે જ મને તમારા ગ્રુપની સ્વાવલંબનની વિચાર-પધ્ધતિ ગમી, જે કોઈ, જે કોઈ પણ રીતે પોતાનો ફાળો આપી શકે આપવા દો એનાથી આ ગ્રુપ મારું છે, મારા કામનું આ ગ્રુપના ટકવામાં અને આગળ વધારવામાં મહત્ત્વ છે એવી ભાવના સર્જાઈ છે અને એટલે જ કદાચ વધુને વધુ લોકો આમાં સ્વેચ્છાએ જોડાઈ રહ્યા છે, બીજાને પણ જોડી રહ્યા છે.જો તમને વાંધોના હોય તો હું તમને મારા સહાયક, સલાહકારનું પદ આપવા માંગું છું જે મને ” Once More” ને હજુ બહેતર બનાવવામાં, લોકોની નજરે વિશ્વાસપાત્ર બનાવવામાં મદદરુપ થાય. તમે તમારા  Senior Citizen@home.in  ગ્રુપની પ્રવૃત્તિ ચાલુ રાખી શકશો.સલોની વિચારમાં પડી ગઈ, એને વિચારમગ્ન જોઈ આકાશે તરત કહ્યું, “હું તમારો જૉબ પ્રોફાઈલ જાણું છું , take your time, think about it. મને ઉતાવળ નથી ,તમારી રીતે વિચારીને જવાબ આપજો.ત્યાર પછી બીજાં જ વિષયો પર વાતો થતી રહી.આકાશની વાતો પરથી અને ” Once More ” માં એના આપેલા સૂચન વિશે જાણીને સલોનીને એના આ ક્ષેત્રમાં કામ કરવાના પ્રમાણિક ઈરાદાઓ વિશેની શંકા તો નહીં રહી, પણ પોતે એની સાથે જોડાય કે નહીં, જોડાય તો શા માટે અને ના જોડાય તો પણ કયા કારણે એ અંગે કાંઈ નિર્ણયાત્મક રીતે કહી શકી નહીં. છૂટાં પડતી વખતે સમીરે આકાશને વીક-ઍન્ડમાં પોતાના ઘરે ડિનર પર આવવાનું આગ્રહભર્યું આમંત્રણ આપ્યું અને ઉમેર્યું કે સલોનીને જે ઈચ્છા હોય એ નિર્ણય લે પણ મિત્રતાભાવે આકાશ સાથે જ્યારે જરુર પડે ત્યારે સલાહ-સૂચનની આપ-લે કરશે.

–નેહલ

2 thoughts on “Senior Citizen@home.in …(10)

Comments are closed.