મારી મન:સ્થિતિ … એક શબ્દ ચિત્ર : નેહલ

મારી મન:સ્થિતિ 

હું  અત્યારે  અજાણ્યા  ઘરમાં વસવાટ કરતા મુસાફર જેવું મારા શરીરમાં રહું  છું.

થોડા દિવસથી સહારાના  રણ ની  લૂ દઝાડતી ગરમીમાં  શેકાયેલુઁ   મન  થઇ  ગયું  હતું . એક બેચેન  કરતી ,દઝાડતી , તાવની  ગરમીમાં  શેકાતા  શરીર  જેવું મન .  વિચારોની  છૂટી છવાઈ વાદળી  દેખાય  એટલું  જ . કોઈ  વિચારને  પકડી  ન શકે ,  ન ક્યાંય  અટકી  શકે …… વહેતા  વાયુ  જેવું મન. આ  વિચારે  છે તે હું  જ  કે ? ?  પવન માં  ચોતરફ  ઉડી  ગયેલા  કાગળો ને , વેરવિખેર  કાગળો ને  એક એક કરી  ઉઠાવીએ  અને પછી  એને સમજીને  ક્રમવાર ગોઠવવા પડે એવી મનની દશા છે .કોઈ ઘટનાની અસરો ,એની ઉત્પત્તિ અને એનાથી જન્મેલા વિચાર વમળો બધાં સેળ-ભેળ થઇ ને સંદર્ભ ગુમાવી બેઠા છે .કોઈ ચલચિત્ર જોતાં  જોતાઁ  જો વારેઘડીએ rewind- forward કર્યા કરીએ તો અચાનક વર્તમાન પળ કઈ હતી તે ભુલાઈ જાય તેવી સ્થિતિ છે મારા મનની .

કોઈ અજાણ્યા દેશમાં  Train માં પ્રવાસ કરતી વખતે દરેક મુકામે એક જાતની મૂંઝવણ ,ઉત્કંઠા હોય કે  હવે પછી કયું ગામ કે શહેર છે ?? પણ જાણ્યા પછી ય એનો શો અર્થ !..અને જ્યાં પહોંચવાનું છે એની સાથે આ જાણકારી નો શો સંબંધ !? અથવા ક્યાં પહોંચવાનું છે એ જ ક્યાં ખબર છે ! અથવા ખરેખર કાંઈ પહોંચવા જેવું છે ખરું ?જીંદગી જાણે ઉભડક જીવે બેઠેલા મુસાફર જેવી છે જેને પોતાનું station જતું રહેશે એની ચિંતામાં પ્રવાસનો આનંદ નથી જાણતો પણ કયું station જતું રહેવાનું છે એની પણ જાણ નથી….છે માત્ર અજંપો
નેહલ
…..