ચકલી

હેલીને સમજાતું નથી કે એની એકવીસમી વર્ષગાંઠ પછી એના મમ્મી-પપ્પાને; જેમને અત્યાર સુધી પોતાના બેસ્ટ ફ્રેંડ સમજતી હતી, શું થઈ ગયું છે? બાજુવાળા આંટી હોય, શ્વેતાકાકી હોય, શર્માઅંકલ હોય કે એની ફેવરીટ, મમ્મીની બહેનપણી અલ્પામાસી હોય, બધા સાથે એક જ વાત કરતા હોય છે કે હવે હેલી માટે યોગ્ય મુરતિયો શોધવા માંડવો જોઈએ. હંમેશા આનંદની હેલી બનીને ઘરમાં ફરી વળતી હેલી, હવે ચૂપ રહેવા માંડી છે, કોઈ સાથે હસી હસીને વાતો કરવાને બદલે પોતાના રૂમમાં ભરાઈ રહેવાનું પસંદ કરે છે. સૌથી વધુ અકળાવનારી વાત હોય તો એના વ્હાલાં દાદી પણ કહે છે કે; “છોકરીઓ તો ઊડણ ચરકલડી.., પાંખો આવે ને ઊડી જાય.” પપ્પાને આમ તો હજુ રિટાયર થવાની વાર છે તો પણ વાતે વાતે કહેવા માંડે છે; “હેલીને એકવાર યોગ્ય વર મળી જાય પછી હું ને એની મમ્મી ચાર ધામ યાત્રા કરવા જતા રહીશું.”( હેલીને પૂછવું છે; “મારી સાથે કેમ નહીં?”) તો ક્યારેક હેલીની મમ્મી, જે વહેલું રિટાયરમેન્ટ લઈને ઘરેથી જ ફ્રીલાન્સ કામ કરે છે, એને કહેશે; “આપણે હવે તબિયતનું ધ્યાન રાખવાનું, કાલે સવારે હેલી પરણીને જતી રહે પછી આપણે જ એકબીજાનું સાચવવું પડશેને.” હેલીને આ સાંભળીને મનમાં એવો તો ગુસ્સો આવે છે, જાણે કે પરણ્યા પછી એ બીજા ગ્રહ પર જતી રહેવાની છે, યા તો પરણીને એ તેઓની દીકરી મટી જવાની છે. એકમાત્ર સંતાન એવી હેલી, નાનપણથી જ ભરપૂર લાડ-પ્યારમાં ઊછરી છે. એને મમ્મી-પપ્પાએ ક્યારેય કાંઈ કરવા માટે રોકી કે ટોકી નથી; ટઈકવાન્ડોના ક્લાસમાં જવાનું હોય કે હાઈકીંગ પર જવાનું હોય, ફોટોગ્રાફી શીખવાની હોય કે બાજુવાળા રોહનની બાઈક શીખવાની હોય. હવે એ જ મમ્મી-પપ્પા ‘એલીઅન’ની જેમ વર્તી રહ્યા છે. હેલી કૉલેજના લાસ્ટ ઈયરમાં છે, ઈન્ટર્નશીપ કરીને ઘણું શીખી છે. હાઈકીંગ ટ્રીપ માટે ઘરથી દૂર પણ રહી છે, મિત્રો સાથે રખડવાની મઝાય માણી છે, પણ નોકરી માટે બીજા શહેરમાં કે બીજા દેશમાં જવા રાજી નથી. મમ્મી-પપ્પાને એકલા છોડીને કશે દૂર જતા રહેવાનો વિચાર જ એને ગમતો નથી. મમ્મીને એણે એકવાર પૂછ્યું પણ હતું; “મોટા બાપુ અને મોટી બા (નાના-નાની)ને દેશમાં એકલા મૂકીને આટલે દૂર મુંબઈ આવવાનો તારો જીવ કેવી રીતે ચાલ્યો?” મમ્મી ત્યારે હસીને બોલી હતી; “અરે, દીકરીના મા-બાપ તો દીકરી જન્મે ત્યારથી જ જાણતા જ હોય કે દીકરી તો પારકી થાપણ કહેવાય એટલે…” એણે વાક્ય અધૂરું છોડી દીધું હતું. હેલીને આ ‘પારકી થાપણ’ જાણે કોઈના ઉધાર લીધેલા પૈસા જેવો શબ્દ લાગતો અને એમાં એની માણસ હોવાની ઘટનાનો તો છેદ જ ઊડી જતો હતો. એને હજુ પૂછવું હતું કે કોણે આ પ્રથા શરુ કરી? શા માટે શરૂ કરી? છોકરીઓને પૂછ્યું હતું? એને નવાઈ એ લાગતી કે એવી તો ઘણી જૂની પ્રથાઓ આપણે છોડી દીધી છે તો પછી આ પ્રથા કેમ કોઈ બંધ નથી કરતું? કન્યા વિદાયના કરૂણ પ્રસંગમાં બધા રડશે, ફિલ્મોમાં તો લાંબા ગીતો બનાવીને પ્રેક્ષકોને રડાવશે, પણ પ્રથાની ક્રૂરતાનો કોઈ વિરોધ નહીં કરે! કોઈને ક્યારેય એવો સવાલ કેમ નથી થતો કે દીકરીએ જ કેમ મા-બાપનું ઘર છોડવાનું? ભણેલો-ગણેલો સારું કમાતો પુરુષ જો પરણીને ઘરજમાઈ બને તો હાંસીપાત્ર બને, એના પૌરુષને જાણે લાંછન લાગે પણ એવી જ ખૂબ સારું ભણેલી અને કમાતી યુવતી કાંઈ વિચાર્યા વગર, નીચે માથે પતિના ઘરે જતી રહે અને પોતાના ઘરને, મા-બાપને હંમેશ માટે પરાયા કરી દે. છોકરો મા-બાપને છોડીને જુદો રહેવા જાય તો એ જ સમાજ ટીકા કરશે જે છોકરીને તો ફરજિયાત મા-બાપને છોડવા માટે મજબૂર કરે છે, આ તે કેવા બેવડાં ધોરણો? જેને જ્યાં રહેવું હોય ત્યાં રહે, એ તો કૌટુંબિક કે પર્સનલ ચૉઈસની બાબત છે, એમાં સમાજને દખલ કરવાનો શું અધિકાર છે? એના મનનાં ઊંડાણમાં ઊઠતા વિચારોના તોફાનો શમાવનારું કોઈ હતું તો નહીં એટલે એ આખો દિવસ ધૂંધવાયેલી રહેતી. મમ્મી એનું કારણ સમજતી અને એને સમજાવતી આપણે તારે માટે મુંબઈનો છોકરો જ શોધીશું એટલે તારે જ્યારે અમને મળવું હોય ત્યારે આવી શકે, તો ક્યારેક અલ્પામાસી સાથે મજાક કરતી કે આપણે હેલી માટે તો ઘરજમાઈ શોધવો પડશે, એને તો આ ઘર છોડીને કશે જવું નથી અને પછી મમ્મી ને માસી જાણે બહુ મોટો જોક હોય એમ ઘણીવાર સુધી હસતાં રહેતાં અને હેલીની અકળામણ ઓર વધી જતી.

આજે સવારથી જ હેલીનો મૂડ ખરાબ છે. શ્વેતાકાકી અને વિજયકાકા, જમવા આવ્યા છે. પપ્પાના નાના ભાઈ હોવાને કારણે એમને પણ હેલીના ભવિષ્યની એટલી જ ચિંતા હોય, સ્વાભાવિક છે. શ્વેતાકાકીના ભાઈ અમેરિકા રહે છે, એમના  મિત્રનો દીકરો મૅરેજ માટે જ ખાસ ઇંડિયા આવી રહ્યો છે. કૉમ્પ્યૂટર ઍન્જિનિયર છે અને ગૂગલમાં નોકરી કરે છે. કુટુંબ ઘણું સમૃધ્ધ અને સુશિક્ષિત છે. શ્વેતાકાકીને તો બે દીકરાઓ જ છે, છતાં તે જમતાં જમતાં બે વાર બોલ્યાં કે મારે દીકરી હોય તો આ છોકરો હાથથી જવા ના દઉં. છોકરાના ફોટા પણ વિજયકાકાને ઈમેઈલથી મળ્યા હતા તે મમ્મી-પપ્પા, દાદી બધાંને કાકાએ પોતાના આઈપૅડમાં બતાવ્યા અને ઘરમાં તો જાણે સગાઈ થઈ જ ગઈ હોય એમ આનંદ-મંગળ છવાઈ ગયો. હેલી, ઝડપથી જમીને ઊભી થઈ ગઈ અને ક્યારે પોતાના રૂમમાં જતી રહી એ તરફ કોઈનું ધ્યાન પણ ન ગયું, બધાં એટલાં તો વાતોમાં અને ભવિષ્યની સુખદ કલ્પનાઓમાં મશગૂલ રહ્યાં.

બપોરની ચા પિવાઈ અને કાકા-કાકી જવા ઊભા થયા ત્યારે છેક બધાનું ધ્યાન ગયું કે હેલી ક્યાં ગઈ? મમ્મીએ હેલીને બૂમ પણ પાડી; “હેલી બેટા, કાકા-કાકી જાય છે, તેમને આવજો કહેવા તો આવ.” પણ રિસાયેલી હેલી બહારના રૂમમાં ન જ આવી. મમ્મી, કાકા-કાકીને વિદાય આપી, હેલીના રૂમના દરવાજે જઈ ઊભી અને હજુ કાંઈ બોલે ત્યાં જ હેલીને એના ભણવાના ડેસ્ક પર મૂકેલી વાડકીમાંથી ચણા ખાતી ચકલી સાથે વાતો કરતા જોઈ, એટલે બોલતાં અટકી ગઈ.

હેલીએ એના ડેસ્ક પાસેની બારીની બોક્સ ગ્રીલમાં નાનકડું, રૂપાળું બર્ડહાઉસ મૂક્યું હતું, પાણી માટે નાનો વાટકો અને દાણા માટે નાની થાળી. પણ ચકલીએ ઘર બનાવવા માટે હેલીના રૂમની દિવાલે ટિંગાતો ફોટો પસંદ કર્યો હતો, જેમાં નાનકડી હેલી, નાના-નાનીની વચ્ચે હિંચકા પર બેઠી હતી. હેલીએ એ ફોટો સેપિયા કલરમાં ડૅવલપ કરાવીને એનલાર્જ કરાવ્યો હતો અને સરસ ફ્રેમમાં મઢાવીને જીદ કરીને પોતાના રૂમમાં મૂકાવ્યો હતો. ચકલીને પણ જાણે હેલીની જેમ એ ફોટાનું ખેંચાણ હોય એમ, તેની પાછળ જ માળો બનાવ્યો હતો. આખો દિવસ તણખલાં લઈ ઊડાઊડ કરતી ચકલી, બારીની બહાર મૂકેલી થાળીમાંથી દાણા ખાવાને બદલે હેલીની ડેસ્ક પર પડેલા કોઈને કોઈ નાસ્તામાંથી ખાતી અને એ હેલીથી ડરતી પણ ન હતી. હેલી એને કહી રહી હતી, ચકી, તને જુએ તો મમ્મીને સમજ પડે કે બધી ચકલીઓ ઊડી જતી નથી, કોઈ કોઈ ઘરમાં પણ સરસ માળો બનાવી રહી શકે છે!  

~નેહલ