જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

*

ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.

*

હસવું સદાય હસવું, દુઃખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.

*

આવી ગયાં છે આંસુ, લૂછો નહીં ભલા થઈ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.

*

‘કૈંક ખૂટે છે’ – નો ખટકો છું સ્વયં,
હું મને ખટકું નહીં તો શું કરું ?

*

હું હજી પૂર્ણ ક્યાં કળાયો છું?
અડધોપડધો જ ઓળખાયો છું.

*

વિસ્તર્યા વિણ બધેય છાયો છું!
હું અજબ રીતથી ઘવાયો છું!

*

આમ તો એક બિન્દુ છું કિન્તુ,
સપ્તસિન્ધુથી સંકળાયો છું!

*

મુજને ડુબાવનારા મારા જ છે વિચારો,
ક્યાં દૂર છે નહીં તો ચોપાસ છે કિનારો.

*

જો દર્દ છે તો દિલ છે, દિલ છે તો જિંદગી છે,
ચાહું તો કેમ ચાહું ગમથી હું છૂટકારો?

*

દુઃખ શોધ કોઈ કાયમ છોડી ક્ષણિક સુખોને,
કંઈ મૂર્ખ મિત્રો કરતાં એક ડાહ્યો શત્રુ સારો.

*

એવુ મરણ કરો કે ઝંખે જીવન તમોને
ડૂબો તો એમ ડૂબો શોધે સ્વયં કિનારો.

*

લાગે છે થાક એવો કે ક્યારેક વાટમાં,
સમજી હવાને ભીંત અઢેલી જવાય છે.

*

જીવન જેવું જીવું છું, એવું કાગળ પર ઉતારું છું;
ઉતારું છું, પછી થોડું ઘણું એને મઠારું છું.
તફાવત એ જ છે, તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું.

*

ના હિન્દુ નીકળ્યા, ન મુસલમાન નીકળ્યા;
કબરો ઉઘાડી જોયું તો ઇન્સાન નીકળ્યા.

*

તારો ખુદા કે નીવડયાં બિન્દુય મોતીઓ,
મારાં કરમ કે અશ્રુઓ તોફાન નીકળ્યાં !

*

કસુંબલ આંખડીના આ કસબની વાત શી કરવી ?
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.

*

તમે છેડી તો જુઓ સહેજ મુજ ખંડિત હ્રદય-વીણા,
તૂટેલા તાર માંહે પણ કંઈ ઝણકાર બાકી છે.

*

ગમે ત્યારે જીવનમાં નવજીવન લાવી શકું છું હું,
હજુ તો લોહીમાં મારા જીવન-ધબકાર બાકી છે.

*

કહે છે કોણ કે ક્યારેય ના છલકાય છે દરિયો ?
લથડિયાં ચાંદનીમાં રાત આખી ખાય છે દરિયો.

*

ખબર સુદ્ધાં નથી એને, ભીતર શી આગ સળગે છે !
નીતરતી ચાંદનીમાં બેફિકર થઈ, ન્હાય છે દરિયો.

*

જીવન સાચું પૂછો તો એમનું કીકીના જેવું છે,
કદી ફેલાય છે ક્યારેક સંકોચાય છે દરિયો !

*

ઠરીને ઠામ થાવા એ જ છે જાણે કે ઠેકાણું,
કે જેની તેની આંખોમાં જઈ, ડોકાય છે દરિયો.

*

હોય જે સિદ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે !

*

પ્રત્યેક ગતિ પ્રત્યેક સ્થિતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર,
એના જ ઈશારે ચાલ્યો’તો એના જ ઈશારે ઊભો છું.

*

આ દરિયાદિલી દરિયાની હવા આકંઠ પીવા કેરી ય મજા,
ચાલ્યા જ કરું છું તેમ છતાં લાગે છે કિનારે ઊભો છું.

*

જેની જગતમાં ઉપમા કશે પણ મળે નહીં,
જીવન ગતિને એવી અનુપમ બનાવીએ.

*

એ રામભક્ત હો કે હો બંદો રહીમનો,
હમદર્દ હોય એમને હમદમ બનાવીએ.

*

શ્વાસ છે તો છે સિતમ,
પીઠ છે તો સોળ છે.

*

માંહ્યલાનું કર જતન,
ખોળિયું તો ખોળ છે.

*

વેચાઈ જવા કરતાંય વધુ વહેંચાઇ જવામાં લિજ્જત છે;
હર ફૂલ મહીં ખુશબો પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે.

*

એક જ ઈશ્વર
એ પણ અટકળ!

*

જીવનનાં જળ
ખૂબ અનર્ગળ

*

કૂંપળ કૂંપળ
કણસે ઝાકળ

*

તક આવી નિમજ્જનની પછીથી તો ક્યાં મળે
લે આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે !

*

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,
સંદેહ તને હોય તો આ પડખું ફર્યો, લે !

~ અમૃત ‘ઘાયલ’ (1916-2002)