તળનું મલક હશે કેવું હેં માલમા, સળવળતી માછલીની જેવું?
તળનું મલક હશે કેવું?
અડીએ અડીએ તો ક્યાંય આઘું ઠેલાય
આમ પડછાયા જેટલું જ ઓરું
માછલીની જેમ હું ય તરતું મેલું
ને બ્હાર આવું તો પંડ્ય સાવ કોરું
વાયરો વણેલી ઝીણી જાળમાં ઝલાય નહીં- ખોબો ભરીને કેમ લેવું?
તળનું મલક હશે કેવું?
સૂરજના સામટા શિરોટા ડૂબે રે તો ય
ઊઘડે નહીં વાસ્યાં કમાડ
માટીની આંગળીથી કેમ રે ખસેડું હું
અંધારાં પાણી-ના પ્હાડ
કાંઠે ઊભીને કેમ ખાલીખમ ખળખળતા રેતીના વહેળામાં વહેવું?
તળનું મલક હશે કેવું?
~રમેશ પારેખ ( ‘ક્યાં’ 1968 )