ઝળહળ ઝબાક ઝળહળ અજવાશ જેવું શું છે
આ બંધ દ્વાર પાછળ અહસાસ જેવું શું છે

હોઠે ધરું જો આસવ પીવા ન થાય ઈચ્છા
તો કાં ગળું સુકાતું આ પ્યાસ જેવું શું છે

એક નામ લેતાં સાથે ભરચક ત્વચાથી પ્રસરે
અત્તરની આછી આછી આ વાસ જેવું શું છે

ક્ષણમાં રચાઉં; ક્ષણમાં વિખેરાઈ જઉં હવામાં
હોવું નથી જ તો આ આભાસ જેવું શું છે

તાજપ-લીલાશ-સળવળ-કુમળાશ ભીની એમાં
આંખોને અડકી જાતું આ ઘાસ જેવું શું છે

ખુલ્લી છે સીમ- માથે આકાશ ઝૂક્યું- વચ્ચે-
ઊભો છું એકલો પણ સંકડાશ જેવું શું છે

આ હાથ સળગી ઊઠ્યો અ-ક્ષરની લીલા જોતાં
કાગળની વચ્ચે જામ્યું આ રાસ જેવું શું છે

ટ્હેલ્યા અમે તો એમ જ કૈં મુક્ત મનથી, એમાં-
કંડારી કેડી શું ને ઈતિહાસ જેવું શું છે
મનોજ ખંડેરિયા
(‘કોઈ કહેતું નથી’ મનોજ ખંડેરિયાની પ્રતિનિધિ ગઝલો સંપાદક: નીતિન વડગામા)