હિન્દુ મુસ્લિમ બંને સલામત,
માણસ વારંવાર મરે છે.
…
જાતમાં ભૂસ્કો મારવા માટે,
ધોધ થાવું પડે છે પાણીને.
…
માત્ર માણસ જ વસેલા હોય જ્યાં,
એ ગલી આ શહેરમાં જડતી નથી.
…
તેં મને ઓઢી લીધો લોહીલુહાણ,
તારું કોરું વસ્ત્ર પાનેતર થયું.
…
ગઝલ
રગરગ નેે રોમરોમથી તૂટી જવાય છે,
તોપણ મઝાની વાત કે જીવી જવાય છે!
વરસાદ શું કરી શકે, છત્રીય શું કરે?
બીજાને કોરો રાખવા પલળી જવાય છે!
આંખોના ઇલાકામાં રહો એકબે દિવસ,
ત્યાંથી તો પછી દિલ સુધી પહોંચી જવાય છે!
સામે જ થોડે દૂર કશે એ ઊભાં હશે,
હું ચાલવા મથું છું, ને દોડી જવાય છે!
રાતો છે જાગરણની, દિવસ દોડધામનો,
બેસું તો મોત, ચાલું તો થાકી જવાય છે.
દરિયો તરી જવાનું વિચારું છું રોજ હું,
દરરોજ એ વિચારમાં ડૂબી જવાય છે!
પડકાર સામે હો તો અડીખમ ઊભો રહું,
લિસ્સી સુંવાળી વાતોમાં લપસી જવાય છે.
ખાલી ગઝલ જો હોય તો ફટકારી મારીએ,
આ તો હ્રદયની વાત છે, હાંફી જવાય છે!
– ખલીલ ધનતેજવી ‘સારાંશ’ માંથી
મારી મનગમતી 👍👍
LikeLiked by 1 person