રડીને મનનો ભાર હલકો થયા પછી ગાલાઆંટી ઊભા થયાં, જોયું તો એમના સામાનની બે જૂની બેગની બાજુમાં જ એક નવી બેગ અને એક બોક્સ પડેલું હતું. “આ કોણ લઈ લાવ્યું હશે, મારું ધ્યાન પહેલાં કેમ ન ગયું, મારા દુઃખમાં હું એટલી ડૂબી ગઈ કે લાવનારનો આભાર પણ માનવાનો રહી ગયો. નક્કી આ સલોની અને સોમૂનું જ કામ હશે”, એમણે વિચાર્યું. પોતાની બેગ ખાલી કરીને કબાટમાં કપડાં મૂક્યાં, બે-ચાર ધાર્મિક પુસ્તકો મૂક્યાં. પોતાની દવાઓ, બામની શીશી, જપવાની માળા, ભગવાનની બે નાની છબી ટેબલ પર મૂક્યા, આંખે ઝાંખપ વળતી હતી કે વારે વારે ઝળઝળિયાં આવતાં હતાં સમજાતું ન હતું.
નવી બેગ ખોલીને જોયું તો એમાં નવા બે-ત્રણ સાડલા, નવી બે ચાદર, ટૉવેલ, એક શાલ વગેરે હતું. આંટીને પોતાની દિકરી યાદ આવી એને સાસરે વળાવી ત્યારે આવી જ નવી બેગમાં બધું ભરીને આપ્યું હતું, સલોની સગી દિકરીની જેમ બધું લાવીને મૂકી ગઈ હતી. પોતાની દિકરીને પત્ર લખીને બધું જણાવવાનું મન થયું, હવે કોઈ ગ્રુપનું મળવા આવશે તો પોતે એની પાસે વિસ્તારથી પત્ર લખાવશે. દિકરી દર વર્ષે જેમાં ભાઈને રાખડી મોકલતી હતી એનું કવર આંટીના ભગવાનની ચોપડીમાં મૂકેલું હતું, એ એમને યાદ આવ્યું જેની પર દિકરીનું પરદેશનું સરનામું પણ હતું. દિકરીનો ફોન બહુ આવતો નહીં અને આંટીને જાતે ફોન જોડવાનું ફાવતું નહીં, ઉપરાંત દિકરો પરદેશ ફોન કરવાનો બહુ ખર્ચ આવે એમ કહી વાત ટાળી દેતો. અહીં ‘વન્સ મૉર’માં કોમન હૉલમાં ફોનની સગવડ છે તો હવે કોઈ પાસે શીખી લઈશ, એવું મનમાં વિચારી આંટીને થોડું સારું લાગ્યું. પછી જે બોક્સ હતું તે ખોલ્યું. એક નાનકડું લાકડાનું મંદિર, થોડા રોજ વપરાશનાં ચા-નાસ્તાનાં વાસણ, બે ડબ્બા ભરીને ઘરનો નાસ્તો, સાબુ, તેલ, પાવડર વગેરે. પાછળથી આંટીને ખબર પડી કે આ બધું સોમૂ અને સલોનીએ મહેતાઆંટી પાસે તૈયાર કરાવ્યું હતું. એમનું મન કૃતજ્ઞતા ભરાઈ ગયું. ક્યાં એક તરફ પોતાનો સગો દિકરો, જેણે મા કેવી રીતે એકલી જીવશે એ વાતની એક વાર પણ ચિંતા કરી નથી અને આ લોકો જેમના તરફથી કોઈ અપેક્ષા નથી છતાં કેટલી લાગણીથી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખે છે.
આંટીને આર્થિક સંકડાશની નવાઈ ન હતી, ન તે સગવડોના અભાવથી ડરતાં હતાં, ન તેમને મહેનત કરવાની નવાઈ હતી. તેમનાં બાળકો નાનાં હતાં અને અંકલ નવા નવા ગામમાંથી શહેરમાં આવીને ધંધો જમાવવાની કોશિષ કરી રહ્યા હતા ત્યારે આંટીએ જ ટિફીન બનાવવાના કામથી કપરા દિવસોમાં કુટુંબને આર્થિક ટેકો કર્યો હતો, બંને બાળકોને બી કોમ સુધી ભણાવ્યા, બંનેના લગ્ન પાર પાડ્યાં અને દિકરા માટે પાકી નવી દુકાન કરાવી, અંકલનો બિઝનેસ તો ધીરે ધીરે વધ્યો પણ આંટીની કરકસરથી જીવવાની રીતે અને કામઢા સ્વભાવે હસતા મોંએ બધા વ્યવહાર નિભાવ્યા હતા. તકલીફો અને તંગીના દિવસો કાઢી ચૂકેલા આંટીએ મનને જાતે જ મક્કમ કર્યું અને આવી તકલીફ ના સમયમાં અજાણ્યાના રુપમાં ભગવાન પોતાને સહાય કરી રહ્યો છે એમ માનીને આવનારા દિવસો પોતે પોતાના દુઃખને વિચારી રડવાને બદલે પોતાના જેવાં બીજાં ઘરડાંઓને બનશે તેટલાં સહાયરૂપ થશે.પોતે કરેલા સંકલ્પથી એમના ઘરડા, દુર્બળ શરીરમાં શક્તિનો સંચાર થયો હોય એવું લાગ્યું.રુમમાં આવેલા બાથરૂમમાં હાથ-મોં ધોઈ જમવા માટે બાજુના મકાનમાં આવેલા ભોજનાલયમાં જવા નીકળ્યા. હજુ અંધારું થવાની શરુઆત જ હતી પણ જવાનો રસ્તો પુષ્કળ પ્રકાશિત હતો. ‘વન્સ મૉર’ શરુ થયાને થોડા જ મહીના થયા હોવા છતાં જનરલ વિભાગ લગભગ ભરાઈ ગયો હતો. ચાર માળના મકાનમાં બંને તરફ એક એક વીંગમાં વીસ રૂમ હતા. એક તરફ પુરુષો માટે બીજી તરફ મહીલાઓ માટે. સલોનીએ ગાલાઆંટી માટે ગ્રાઉન્ડ ફલોર પર રૂમ લીધો હતો જેની બારી બગીચા તરફ ખૂલતી હતી. બારીની નીચે જ જમીન પર ધારે ધારે તુલસીના રોપ હારબંધ વાવ્યા હતા. પૂજાનાં ફૂલ માટે જાસૂદ, મોગરો, ગલગોટા અને ટગરનાં એક પછી એક રોપ હતા. થોડા દિવસોમાં જ ગાલાઆંટીએ પોતાનો નિત્યક્રમ ગોઠવી દીધો. વહેલાં ઉઠવાની તો પહેલેથી જ આદત હતી, પોતાના ખાખરાનો ડબ્બો લઈ સવારમાં ચા પીવા જતાં, આસપાસ બેઠેલાંને પ્રેમથી વહેંચતા, બધાં આવા સ્વાદિષ્ટ અને પાતળા ખાખરાની પ્રશંસા કરતાં અને બીજીવાર સામેથી માંગતા. પછી બગીચાનું એક ચક્કર લગાવીને એક નાની કાપડની થેલીમાં પૂજાનાં ફૂલો લઈ આવતાં. એ રૂમ પર પાછાં આવે ત્યાં સુધીમાં સાફસફાઈ કરનાર બહેન આવી જતાં, એ જાય એટલે આંટી નાહીને પોતાના નાનકડા મંદિરના ભગવાનની પૂજા કરતાં. માળા જપતાં અને ગીતાજીનો બારમો અને પંદરમો અધ્યાય, જે એમને કંઠસ્થ હતા તે બોલી જતાં. સલોની ત્યાં સુધીમાં આવી જતી એની સાથે ઍક્ટીવિટી સેન્ટરના નવા મકાનમાં જતાં. એમનાં ખાખરા તો ‘વન્સ મૉર’ના સ્ટાફને પણ ભાવી ગયા હતા એટલે રસોડાનાં બહેનોની મદદથી ખાખરા બનાવવાની ઍક્ટીવીટી સૌથી પહેલી શરૂ થઈ ગઈ અને જેમ ડિમાન્ડ વધતી ગઈ તો રસોડામાં એક અલગ ખાખરા વિભાગ બનાવવામાં આવે અને ત્યાંથી જ બધાં ખરીદીને પેકેટ લઈ જઈ શકે એવું સૂચન કરવામાં આવ્યું. આંટી મળતાવડા સ્વભાવને લીધે થોડા દિવસમાં બધે જાણીતા થઈ ગયાં. એ જ્યાં જાય ત્યાં બધાને સામેથી બોલાવતાં, આશ્વાસન આપતાં અને હિંમત બંધાવતા. એમને પોતાના રૂમમાં એકલું બેસી રહેવું ગમતું નહીં. રસોડાની બહેનો સાથે બેસતાં, ઘડપણમાં કેવું જમવાનું ભાવે એવી વાતો રમૂજી રીતે કહીને હસાવતાં, તેમના કામમાં મદદ કરતાં, મસાલા કેવા અને કેટલા પ્રમાણમાં નાંખવા તે શીખવતાં. બધાંને એમની આવડત માટે માન થતું અને કામગરાં સ્વભાવથી થોડા જ સમયમાં બધાંને પ્રિય થઈ પડ્યાં
એક દિવસ મહેતાઆંટી અને નાયરઆંટી એમને મળવા આવ્યાં, ત્રણે જણ બગીચામાં હિંચકે બેઠાં, એક બીજાના સુખ-દુઃખની વાતો કરી. હવે સલોની ગ્રુપની ઑફિસમાં શનિ-રવીમાં જ જતી, બાકીના દિવસ બધાંએ વારાફરતી વહેંચી લીધા હતા, બેનર્જી આંટી પણ અઠવાડિયે એક દિવસ અચૂક આવતાં અને બધાં સાથે હળતાં મળતાં, કોઈને એમનાં સ્વભાવની આવી મૃદુતાની જાણ જ ન હતી. એમણે ગાલાઆંટી માટે કલકત્તાના રસગુલ્લાં મોકલ્યા હતા અને કહેવડાવ્યું હતું કે પોતે જરૂરથી એમને મળવા આવશે.ગાલાઆંટીને તો એ વાત જ સપનાં જેવી લાગી કે આટલું ભણેલી, અંગ્રેજી બોલતી સ્ત્રી પોતાના જેવી સાવ ઓછું ભણેલીને મળવા અહીં આવશે.
મહેતા અંકલ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા અને એમના એસોસિયેશનની મિટીંગ્સમાં હજુ પણ નિયમિત જતા. ત્યાંથી જ એમના એક મિત્ર દ્વારા ખબર પડી કે એમના પાડોશી ગાલાઆંટીના સુપુત્રએ નવો ફલેટ એ મિત્રના બિલ્ડીંગમાં જ લીધો છે. મહેતા આંટીની વાત સાંભળી ગાલા આંટીના મોં પર ક્ષણવાર પીડાની રેખાઓ ઉપસી આવી પણ તરત કહેવા માંડ્યાં કે મારે એના વિશે કાંઈ જાણવું નથી, તમે મારી દિકરીને કાગળ લખી આપો, એને મળવાનું બહુ મન થયું છે, તમારા ભાઈ ગુજરી ગયા ત્યારે એ બે અઠવાડિયા માટે આવી હતી અને બધું લૌકિક પૂરું થતાં પાછી જતી રહી. જમાઈના ત્યાં એકના ત્રણ સ્ટોર થયા છે અને એક સ્ટોરનું કામ મારી દીકરી સંભાળે છે, એને તો આવું કાંઈ થયું છે એની જાણ જ નહીં હોય. હું જણાવું નહીં તો એને દુઃખ થશે. મહેતાઆંટીએ ત્યાંની ઑફિસમાંથી કાગળ-પેન લીધા અને ગાલાઆંટીની દિકરીને એમના કહેવા મુજબ કાગળ લખી આપ્યો અને છૂટાં પડતાં પહેલાં આંટી પાસેથી દિકરીનું સરનામું લઈ લીધું અને વચન આપ્યું કે બીજે જ દિવસે મહેતા અંકલ પોસ્ટ કરી આવશે. ગાલાઆંટીને કાંઈ જોઈતું હોય તો સંકોચ વિના સલોની સાથે કહેવડાવવાનું કહ્યું પોતે લઈને મોકલી આપશે.ગાલાઆંટીએ એમણે અત્યાર સુધી ખરીદીને બધું બેગમાં મૂકીને આપ્યું હતું એનો આભાર માનતા કહ્યું આટલું બધું કરવાનું ના હોય, આ જન્મે તમારા બધાંના ઉપકારનો બદલો નહીં ચૂકવી શકે. મહેતાઆંટી કહે તમારું દુઃખ તો ઓછું કરી શકીએ એમ નથી પણ અમારાથી બનતું કરીએ જેથી તમારી થોડી તકલીફ તો ઓછી થાય.એ બંનેના ગયા ગાલાઆંટીને થયું લોહીનાં જ સગપણને કેમ સાચાં સગપણ કહેવાય! આ મહેતાબહેન શું સગીબેનથી કોઈ રીતે ઓછાં છે. મનોમન પોતાના ભગવાનનો આભાર માન્યો.