માનનીય શ્રી ઉદયનભાઈના "રાવણહથ્થો" કાવ્યસંગ્રહને મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીનો શ્રેષ્ઠ કાવ્યસંગ્રહનો પ્રથમ પુરસ્કાર જાહેર થયા બદલ કવીશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ સાથે એમની મને અત્યંત પ્રિય એવી ગઝલ એ જ કાવ્યસંગ્રહમાંથી. 

મેં પલાંઠી અચલ પસંદ કરી
શ્વાસોએ દડમજલ પસંદ કરી

કેટલે જાશો લાખા વણજારા,
સાંઢણીઓ વિકલ પસંદ કરી?

ઊભી પળપળ ધરીને વરમાળા
ને અમે પણ સકલ પસંદ કરી

આટલો કોરો સ્પર્શ હોઈ શકે?
પૂછતું જલ, કમલ પસંદ કરી

આપણે ચેલકા હુડિનીના
એટલે'સ્તો ગઝલ પસંદ કરી!

સ્હેજ એવી ને સ્હેજ તેવી તું!
તોય અદલોઅદલ પસંદ કરી
~ ઉદયન ઠક્કર (2017)
"રાવણહથ્થો" માંથી