કેટલાંક અવતરણ પુસ્તકમાંથી

"ધુમ્મસને પારો બનાવીને હથેળી ઉપર ટકાવવું એટલે ગઝલ લખવી."
*
"ગઝલ લોકાર્પણ પામી છે, ત્યારે મુખવટા પર સ્મિત ફેલાયું છે અને ગઝલ સિદ્ધ થઈ છે ત્યારે ધ્યાનસ્થ હું શૂન્યાવકાશ અનુભવીને વધુ ખાલી થયો છું."
*
"ટેકરીઓ ઉપર ધોધમાર વરસાદ પડતો હોય અને ધોવાણની દરકાર રાખ્યા વગર પથરાળ ઘાસ જે નચિંત નગણ્યતા શ્વસતું હોય છે, એવા આવેગથી ગઝલે મને સંવેદ્યો છે--ગઝલ મારા ઉપર એવું વરસી છે."
~શોભિત દેસાઈ


હતી એક જ શરત આખી સફરની, સાહજીક બનવું,
સમજ જે આ લઈ આવ્યા ભરમ ઓગાળવા આવ્યા.
*
આભથી હું શ્વાસ થઈ ત્હારો, નીતરતો જાઉં છું,
સાત રંગોથી સજાવી લે, ધરી લે તું મને!
*
કહે છે વાદળોને જળ તૃષાતુર રણ નિહાળીને,
'વરસવાનું મુનાસિબ હોય નહીં તો ઝરમરી લઈએ!'
*
આયના-માત્ર આયના છે બધે
રૂપ પણ કેવું છે પ્રવાહી, જો!
*
લૂંટ ઉન્માદને નર્યો ભઈલા!
અન્યનાં કાવ્યને તું ચાહી જો!
*
સૂરજ જેવા સૂરજને પી જવાની પ્યાસ છે સાગર,
રમે છે મન મૂકીને; ચાંદનીનો રાસ છે સાગર.
*
કદાચ એથી ગઝલ ધારદાર આવે છે,
જીવે છે ભીતરે અણિયાળો કાફલો હમણાં.
*
તમારામાં સંદેશા વહેતા મૂકું છું,
પવન! એમના ઘર તરફ થઈને વાજો.
*
છે તું તો ગોધૂલિ ટાણાનું માળામાંનું મબલક મૌન,
પ્રભાતે તું જ કલરવના કિનારે યાદ આવે છે.
*
આ અસ્તિત્વ છે મુફલિસીનો પથારો;
પધારો, ને જીવવાનો વૈભવ વધારો.
*
'એ' ચાલે તો લાગે ગતિ જન્મી હમણાં,
'એ' બેસે તો અટકે સમય એકધારો!
*
છાનુંછપનું કોઈ વસતું હોય ત્યાં,
મન સુગંધોથી છલોછલ નીકળે.
*
આ ગઝલ આખી મુસલસલ નીકળે,
એ સજી શબ્દોનું મખમલ, નીકળે.
*
પરિસ્થિતિને જીરવવાનો મ્હાવરોય અજબ
અજબ શહેર અને એના માણસોય અજબ
નથી જવાબ- શું છે? કેમ? ક્યાં? અને ક્યારે?
નિરાંતે ચાલી રહેલો આ કાફલોય અજબ!
*
ડાઘ ભાષા પર પ્રસરતા જાય છે,
મૌનનું આ વસ્ત્ર ધોવું જોઈએ.
*
ના બને ઘોંઘાટ, ઝાંઝર કીડીનાં,
દોસ્ત દુઃખ એ રીતે રોવું જોઈએ.
*
સરવૈયું માંડી બેઠા ત્યારે આ તથ્ય જાણ્યું,
એ જિંદગી જ ન્હોતી તો પણ જીવાઈ ગઈ છે.
*
ઢળતી ઉમ્મરમાં સ્લેટ હાથ આવી,
મેં ફરી એમાં બાળપણ દોર્યું!
~ શોભિત દેસાઈ ('અહમ્ ઓગાળવા આવ્યા' માંથી)