પરોઢે પહેલા કલરવમાં 
મને ચુપચાપ મરવા દો
ઉષાના મંગલોત્સવમાં 
મને ચુપચાપ મરવા દો

શિયાળામાં પડ્યા રહી 
ઓસભીની લાલ માટી પર
અહીં તરણાના નીરવમાં 
મને ચુપચાપ મરવા દો

જુઓ ત્યાં પગલીઓ મૂકી 
પવન પર ચકલીઓ ચાલી
હવાથી ખરતા પગરવમાં 
મને ચુપચાપ મરવા દો

પવનની પ્યાલી અડક્યાથી 
તૃણોના ઓષ્ઠ પલળ્યા છે
આ ઝાકળભીના આસવમાં 
મને ચુપચાપ મરવા દો

આ રાની ઘાસની વચ્ચે, 
આ રાની ઘાસની માફક
અસલ વગડાઉ વૈભવમાં 
મને ચુપચાપ મરવા દો

-ઉદયન ઠક્કર
(વિન્ડો સીટ, ગુજરાત સમાચાર)