અછાંદસ
સિગ્નલ પર ઊભો ઊભો
એ મથે છે ગાંઠ મારેલા માસ્કને
નાનકડા કાન પર ટકાવવા,
જે ગઈકાલે જ કાગળ
વીણતા વીણતા
હાથ લાગી ગયું હતું,
સાવ નવા જેવું જ!
એવી જ વિણેલી, મ્યુનિસીપાલ્ટીના નળ પર
ધોઈને ભરેલી બોટલમાંથી ઘૂંટડો ભરી
પાસેની એકમાત્ર લારીમાંથી ખરીદેલું
પાંચ રુપિયાનું ઠંડું પાઁવ-વડું પેટમાં ધકેલે છે.
એ વેચી રહ્યો છે કોટનના માસ્ક,
જે પાસેની ફૂટપાથ પર બેઠી બેઠી
એની મા સવારથી સીવી રહી છે.
તમને કોરોનાના કોપથી બચાવવા
એ વેચી રહ્યો છે, સેનીટાઈઝરની
નાનકડી બાટલીઓ.
એના આરોગ્ય અને કોવીન ઍપ વચ્ચે
હજુ કોઈ સેતુ બન્યો નથી.
વૅક્સિનની ધમધમતી બજારે હજુ સુધી
એના રક્ષણ માટે કાંઈ તસ્દી લીધી નથી.
સિગ્નલ લીલું થતાં જ
ઝડપભેર દોડી જતાં વાહનોથી
ખુદને બચાવતો,
દોડીને પહોંચે છે ફૂટપાથની ધાર પાસે
પોતાના નાના ભાઈને ભીખ માંગીને ભેગા કરેલા
સિક્કા ગણતો
થાકેલી નજરે જોયા કરે છે,
એ નાનકડો છોકરો,
મારા દેશનું ભવિષ્ય !!
~ નેહલ
દુઃખની વાત છે જેની પાસે છે એની પાસે ઘણો જ છે અને જેની પાસે નથી એની પાસે કાંઈ નથી
LikeLiked by 2 people