હું શુકદેવજીનો પોપટ
એમણે નહીં કહેલી
કથા માંડું છું
 સૂર્યવંશી અને ચંદ્રવંશીઓની નહીં
હું કહું છું
અગ્નિવંશીઓની કથા
એક અગ્નિથી જન્મીને
બીજા અગ્નિ ને શરણ થતા
શાપિત આત્માઓની કથા.
જેમના કોઈ જીવનકાર્ય પૂર્ણ થતા નથી
અંતે સ્વર્ગારોહણ કરતા નથી
ફરી ફરીને અગ્નિમાં  પ્રવેશે છે
પુનરપિ જનનમ પુનરપિ મરણમ


એમનો ઈશ્વર
વિશાળ,  વિકરાળ વિશ્વરુપથી
એમને જોઈ રહે છે
વિનાશના મુખમાં ઉતાવળે પ્રવેશતા
ચારે તરફ થતા રણભેરીઓ,દુંદુભીઓ, શંખધ્વનીના અવાજોમાં
એમના ફફડતા હોઠોથી અસ્ફૂટ સ્વરે થતી પ્રાર્થનાઓ
ઈશ્વર સાંભળી શકતો નથી
સાંભળે છે ફક્ત એમના આર્તનાદો
જેમાં છે એમની અધૂરી રહી ગયેલી
ઈચ્છાઓની અનંત શૃંખલા
અને એથી એમને ફરી ફરી નાંખે છે
આ પુનરપિના આવર્તનોમાં.


એમનો ઈશ્વર
નથી રચી શકતો એમના માટે
એક અલગ સ્વર્ગ
હા, સ્વર્ગની મનોરમ્ય વિભાવનાઓ
આ પુનરપિના ખેલમાં બહુ કામ લાગે છે.
અને આજે નહીં તો કાલે, આ જન્મમાં નહીં તો આવતા જન્મે
પરિપૂર્ણતાની મોહિની દોડાવે રાખે છે
એવું જ છે મુક્તિનું, નિર્વાણનું,
જન્મ-મરણના ફેરામાંથી છૂટવાનું.
પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે*
છતાં કોઈ સાંભળતું નથી
સાંભળે છે તો સમજતું નથી
સમજે છે તો સ્વીકારી શકતું નથી. 
અને મારી કથા કદી પૂરી થતી નથી
યુગોથી માંડી છે હજુ યુગો સુધી ચાલતી રહેશે
કોણ જાણે કેટલા?!
~નેહલ

My Poems © COPYRIGHT NEHAL 2020

* from Sanskrit Shloka

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शान्तिः शान्तिः शान्तिः ॥
Om Puurnnam-Adah Puurnnam-Idam Puurnnaat-Puurnnam-Udacyate |
Puurnnasya Puurnnam-Aadaaya Puurnnam-Eva-Avashissyate ||
Om Shaantih Shaantih Shaantih ||

Meaning:
1: Om, That (Outer World) is Purna (Full with Divine Consciousness); This (Inner World) is also Purna (Full with Divine Consciousness); From Purna is manifested Purna (From the Fullness of Divine Consciousness the World is manifested),
2: Taking Purna from Purna, Purna indeed remains (Because Divine Consciousness is Non-Dual and Infinite),
3: Om, Peace, Peace, Peace.

3 thoughts on “શુકદેવજીના પોપટે કહેલી કથા…

  1. વાહ. પૌરાણીક કથામાંથી ફૂટી નીકળેલો આર્તનાદ.

    પડી ગઈ સાંજ; હું સૂરજ નથી એ સત્ય છે કડવું,
    ફરી ઊગવાના રંગો લઈને ઢળવું ખૂબ અઘરું છે.

    નથી ટહુકો કે એ તૂટે; નથી પડઘો કે એ ડૂબે,
    ગળે અટકેલ ડૂમાનું પીગળવું ખૂબ અઘરું છે.

    નગર છે એવું કે માથે સતત લટકી રહી કરવત
    નજર ચૂકાવીને ભાગી નીકળવું ખૂબ અઘરું છે.

    અમે રચતાં ગયાં ને ધ્યાન- બારાં રહી ગયા અંદર
    હવે લાક્ષા-ગૃહેથી પાછું વળવું ખૂબ અઘરું છે.

    ….. મનોજ ખંડેરિયા

    Liked by 1 person

  2. એક તરહ અનુવાદ અને બીજી તરફ મૌલીક રચનાઓ. આવી હથોટી બધાને ક્યાં સાંપડે છે ?

    પણ અલગ અલગ ભાવ વિશ્વમાં વિહાર કરવાની મજા કરવો છો તેનો આનંદ તો છે જ.

    અભિનંદન.

    काँटों में घिरे फूल को चूम आयेगी तितली,
    तितली के परों को कभी छिलते नहीं देखा

    …… परवीन शाकिर

    Liked by 1 person

    1. ખૂબ ખૂબ આભાર આપના પ્રતિભાવ માટે પણ હું હજુ શિખાઉ વિદ્યાર્થી જ છું.

      Like

Comments are closed.