સલોની ગાલાઆંટીને વન્સ મોરના રૂમમાં મૂકીને સના,સોમૂ અને નાયર અંકલની વિદાય લઈ ઍક્ટિવિટી સેન્ટર માટેની અનૌપચારિક મીટિંગ માટે ત્યાંની ઑફિસ તરફ રવાના થઈ. સમીર ઑફિસના કામે બહારગામ હતો. અનન્યા પણ આ મીટિંગ માટે હાજર રહેવાની હતી, તે અને આકાશ સલોનીને મોડું થશે તો ઘરે મૂકી જશે અને અનન્યાને સલોનીને ત્યાં રાત્રે રોકાઈ જવાનું અનુકૂળ હશે તો રોકાઈ જશે. બંને બહેનપણીઓને ખૂબ બધી વાતો કરવી હતી. આ બધા પ્લાન જાણીને આકાશને નવાઈ ન લાગી કેમકે જ્યારથી અનન્યા સલોનીને ત્યાંથી આવી હતી ત્યારથી બંને લગભગ રોજ ફોન પર લાંબી લાંબી વાતો કર્યા કરતા હતા. આકાશનો આ મીટિંગ બોલાવવા પાછળનો હેતુ એ હતો કે વન્સ મોરના બીજા અધિકારીઓની સાથે સલોનીની ઓળખાણ થાય, તેની ઍક્ટિવિટી સેન્ટરની યોજના અંગે બધાંને માહિતગાર કરી શકાય અને કોઈ તરફથી કાંઈ નવા સૂચનો હોય કે વિરોધ પણ હોય તો એ બધી ચર્ચા ફોર્મલ પ્રેઝન્ટેશન પહેલાં આમ અનૌપચારિક રીતે થાય અને બધા સાથે મળીને આખી યોજનાને નક્કર સ્વરૂપ આપી શકે.
સલોની જ્યારે મીટિંગ માટે પહોંચી ત્યારે મોટાભાગના લોકો આવી ગયા હતા. આકાશે એને આત્મીયતાથી આવકાર આપ્યો અને દરેક જણ સાથે પરિચય કરાવ્યો. થોડા લોકોને સલોનીનો પરિચય વન્સ મોરના ઉદ્ઘાટન સમારોહમાં આપેલી સ્પીચથી મળી ચૂક્યો હતો પણ ઘણા લોકો નવા હતા અને એમના માટે ઍક્ટિવિટી સેન્ટરનો કન્સેપ્ટ જ નવો હતો.
આકાશે સલોનીની કોલોનીમાં શરૂ થયેલા ગ્રુપનો ટૂંકાણમાં પરિચય આપ્યો એનાથી એ ગ્રુપના સભ્યોના જીવનમાં આવેલા હકારાત્મક પરિણામોની વાત કરી, આટલી ભૂમિકા બાંધ્યા પછી સલોની વન્સ મોરમાં કેમ જોડાવા ઈચ્છે છે અને ગ્રુપના મૉડેલને ઍક્ટિવિટી સેન્ટરમાં કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય એ વિશે સલોનીને બોલવા જણાવ્યું. સલોનીએ બધાંની સામે એક નજર ફેરવીને કહ્યું, ગ્રુપ શરૂ કરવાનો આખો વિચાર એક-બે જણને સહાયરૂપ થવાની સહ્રદયી ભાવનામાંથી જન્મ્યો હતો. જેમ જેમ સફળતા મળતી ગઈ લોકો જોડાતા ગયા અને પછી તો એમના જ સૂઝાવ, એમના જ પ્રયત્નોથી ગ્રુપની વિશ્વસનિયતા વધતી ગઈ, આ કદાચ એટલા માટે શક્ય બન્યું કારણકે બધાં એકબીજાંને થોડા વર્ષોથી ઓળખતાં હતાં અને એથી ગાઢપણે એકબીજા સાથે સંકળાઈ શક્યાં, એકબીજાને સાથ-સહકાર આપવાના પ્રયાસોમાં ક્યારે પોતાને મજબૂત કરતાં ગયાં એની સભાનતા જતી રહી અને આખું ગ્રુપ એક પરિવાર બની ગયું. જ્યાં આજે કોઈ આગેવાની લેનારની જરૂર નથી, રોજ ગ્રુપના કોઈ ને કોઈ સભ્યો તો મળે જ છે અને નાની નાની સમસ્યાઓનું એકબીજાની મદદથી નિરાકરણ લાવે છે.કોઈ મોટો પ્રશ્ન ઊભો થાય તો બધાં એકબીજાંની પડખે ઊભાં રહેવા તૈયાર છે. હવે ઍક્ટિવિટી સેન્ટરની વાત પર આવું તો અહીં ધાર્યું પરિણામ આટલું જલ્દી મળશે એવી શક્યતા ઓછી છે. મારું સજેશન છે કે અહીં વન્સ મોરમાં રહેવા આવેલા વૃધ્ધોથી જ શરૂઆત કરીએ. એ બધાં અહીં સવાર-સાંજ સાથે રહેવાના છે, એમને એમની ઉંમર, રસ-રુચિ અને શારિરીક ક્ષમતા મુજબ અહીં જુદી જુદી પ્રવૃત્તિઓમાં સક્રિય કરી શકાય. જો આપણે દરેકને ઉંમર પ્રમાણે ફરજિયાત જૂથોમાં વહેંચી દઈશું તો એ સફળ નહીં થાય એના કરતાં કોને શું કરવું ગમશે એવા જૂથોમાં વહેંચવું વધારે સફળ થશે.એ લોકો કોઈક રીતે ઉપયોગી જીવન જીવી રહ્યાં છે એ નો અહેસાસ કરાવવો બહુ જ મહત્ત્વનો છે. મારી ડૉ અનન્યા સાથે વાત થયા મુજબ આપણે અહીં ક્લીનીકલ સાયકોલોજીસ્ટ અને બિહેવિયરલ થેરાપિસ્ટની મદદ લઈને તેઓને હતાશામાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરી શકીએ.
આજે પેપરમાં એક-બે ન્યૂઝ વાંચ્યા જેનાથી બહુ જ ડિસ્ટર્બડ છું, એ તમારા બધા સાથે શેર કરવા માંગું છું. પહેલા ન્યૂઝમાં એક સાવ એકલાં રહેતાં વૃધ્ધાએ પરદેશ રહેતા દિકરાને તેના જન્મદિવસ નિમિત્તે ફોન પર આશિર્વાદ આપ્યા અને જણાવ્યું કે એમણે વૃધ્ધાશ્રમ માં જવાનું નક્કી કરી લીધું છે જેથી દિકરાને એમની ચિંતા કરવાની જરૂર નથી. દિકરો નચિંત થઈ પોતાની વ્યસ્તતાઓમાં ડૂબી ગયો. એક વર્ષ થતાં ફરી જન્મદિવસ આવ્યો પણ માનો ફોન ન આવ્યો. હવે દિકરાને ખરેખર ચિંતા થઈ, ચાર-પાંચ દિવસ સતત ફોન કર્યા પણ કોઈ ઉપાડતું ન હતું પાડોશીઓને પણ કાંઈ ખબર ન હતી. હા, બહુ વખતથી તેમને કોઈએ આવતાં-જતાં જોયાં ન હતાં. દિકરો આખરે તરત ફ્લાઈટ પકડી ઘરે આવ્યો, દરવાજો ઘણા બેલ માર્યા પછી પણ ન ખૂલતાં ડુપ્લીકેટ ચાવીથી ઘર ખોલીને અંદર ગયો. એક તીવ્ર, અજબ જેવી વાસ એને ઘેરી વળી, કાંઈક અમંગળ બન્યાની આશંકા સાથે બેડરૂમ તરફ દોડ્યો. એનું હ્રદય એક ધબકારો ચૂકી ગયું, પથારીમાં ઓઢીને ચિરનિદ્રામાં પોઢી ગયેલી મા હાડપિંજરમાં પલટાઈ ચૂકી હતી. દિકરો ભાંગી પડ્યો. પોલીસ આવી, જણાવ્યું મૃત્યુ ત્રણ-ચાર મહિના પહેલાં જ થઈ ગયું હતું. પાડોશીઓને પૂછ-તાછ કરતાં જવાબ મળ્યો કે પાસે જ ખાડીના પાણીની રોજ વાસ આવે છે એટલે આટલા મહિના થયા તો પણ કોઈને મૃતદેહની વાસ ના આવી.* આ આઘાતજનક સમાચાર વિસ્તારથી કહેવાનો હેતુ એટલો જ છે કે નિરાશ થયેલાં, એકલવાયા વૃધ્ધો જો પોતાની તકલીફ પોતાના સંતાનો ને જણાવતાં ન હોય તો પાડોશી કે ઘરડાંઘરના સ્ટાફને કાંઈ જણાવે એ શક્યતા બહુ જ ઓછી છે. એ સમયે આપણી કેરગીવરની જવાબદારી બેવડી થઈ જાય છે. એક મેિડકલ ટ્રીટમેન્ટથી હતાશા નો ઈલાજ કરવો પણ સાથે સાથે જીવવાનું બળ આપે, હેતુ આપે એવી પ્રવૃત્તિઓમાં તેમને વ્યસ્ત કરવા, તેમની જરૂર સમાજને છે એનો સબળ અહેસાસ કરાવવો.
સલોનીની વાતથી મિટીંગ રૂમમાં સોપો પડી ગયો.
સલોનીએ વાત આગળ વધારતાં કહ્યું કે મારું સ્વપ્ન તો એવું છે કે આખો દિવસ સરખે-સરખાં મિત્રો સાથે પ્રવૃત્તિમય દિવસ પસાર કરી સાંજ પડ્યે બધાં પોતાના પરિવારમાં પાછા ફરે. પણ જે સંખ્યામાં વન્સ મોરમાં લોકો રહેવા આવી રહ્યા છે એ જોતાં મારું સપનું દૂરની વાત લાગી રહ્યું છે. તેથી હાલના તબક્કે વન્સ મોર રહેવા-ખાવાની વ્યવસ્થા માત્ર ન રહેતાં જીવનને જીવવા જેવું બનાવનારી સંસ્થા બને એવો પ્રયત્ન કરવો છે અને મને આશા છે કે આપ સૌ ટૂંકા ગાળાના નફા-નુકશાનથી આગળ વધી કોઈ નાનો પણ મહત્ત્વનો બદલાવ લાવવાની દિશામાં મને સહકાર આપશો.
– નેહલ
(*સત્યઘટના)