મહાકવિ કાલિદાસકૃત મેઘદૂત
પૂર્વમેઘ
કોઈ યક્ષે ફરજચૂકથી, વર્ષના સ્વામીશાપે,
પામી તેજોહીન સ્થિતિ અને પ્રેમિકાનો વિયોગ,
સીતાસ્નાને પુનિત નીરને તીર રામાદ્રિ મધ્યે,
છાયા દેતાં તરુવરવીંટ્યા આશ્રમે વાસ કીધો.1
એ રામાદ્રિ શિખર પર તે કામીએ કૈંક માસ
ગાળ્યા સોનાવલય વિખૂટા ક્ષીણ ને રિક્ત હાથે;
ત્યાં આષાઢે પ્રથમ દિવસે શૃંગછાયો સુરમ્ય,
માથું ખોસી ગિરિ શું રમતા હાથી શો મેઘ દીઠો.2
કૌતુકોના જનક પ્રતિ એ દાસ યક્ષેશ કેરો,
કોરી ખાતા ઉરદહનના ચિંતને લીન ઊભો,
મેઘાલોકે સુખી પણ બને ચિત્તથી જ્યાં અજંપ
ત્યાં આશ્લેષે અધીર વિરહીની વ્યથા પૂછવી શી?3
સામે જોઈ ઘન નભમહીં, સ્વપ્રિયા જીવિતાર્થે,
તેની સાથે નિજકુશળનાં વેણ પ્હોંચાડવાને,
યક્ષે ખીલ્યાં ગિરિકુસુમનો અર્ધ્ય તેને સમર્પી,
હોંશે પ્રીતિસભર વચને અર્પિયો આવકાર.4
ધૂમ, જ્યોતિ, જળ, પવનનો યોગ એ મેઘ ક્યાં? ને
ક્યાં સંદેશા કરણક્ષમ સૌ પ્રાણીથી લૈ જવાતા?
ઉત્કંઠામાં વીસરી સઘળું યાચતો યક્ષ એને!
કામીઓને જીવઅજીવના ભેદ લેશે ન સૂઝે.5
જન્મ્યો વંશે જગવિદિત તું પુષ્કરાવર્તકોના,
જાણું તારાં રૂપની રમણા ઈન્દ્રના કારભારી!
તેથી યાચું વિધિવશ તને હું પ્રિયાનો વિયોગી,
હીણે વાંછ્યાં સુફળથી ભલું નિષ્ફલા શ્રેષ્ઠયાચ્યું.6
સંતપ્તોનું શરણ તું જ છે ઓ પયોદ! પ્રિયાને,
સંદેશો આ ધનપતિતણા ક્રોધના ભોગીનો તું
લૈ જાજે, ત્યાં નગરી અલકા યક્ષરાજોની, જેના
મ્હેલો ધોયા ગિરિશિખરના શંભુની ચંદ્રિકાથી. 7
તું બેઠેલો પવન વહને, પંથી કેરી પ્રિયાઓ
જોશે આશાસભર નયનથી, કેશ છુટ્ટા સમારી;
પામી તુંને વિરહવિધુરા પ્રેમિકાને ભૂલે શે?
ના કોઈને મુજ સમ હશે આવી લાચાર વૃત્તિ. 8
ધીમા ધીમા અનુકૂળ યથા વાયુ વાશે તને ત્યાં,
ડાબી પાંખે મધુર કૂજનો પ્રેરશે ચાતકોનાં,
ગર્ભાધાન ક્ષણની સ્મૃિતથી, નેત્રરૂડા તને ઓ!
હારેહારો ગગનપથમાં સેવી રે’શે બલાકા. 9
ત્યાં તું જોશે દિવસ ગણતી તત્પરા એક નારી,
નિશ્ચે પામી સરલ ગતિને; તારી એ બંધુપત્ની.
આશાબંધો ફૂલ સમ કંઈ કેટલી નારીઓનાં
સંભાળી લે, પ્રણયી હ્રદયો, તૂટી જાતાં વિયોગે. 10
– અનુવાદક જયન્ત પંડ્યા
Image – Meghdoot : A painting by Shri Ramgopal Vijayvargiya