અછાંદસ કવિતા
આ બંધ દ્વારમાં છે એક
શક્યતાની બારી.
અંદરથી બહાર
અને
બહારથી અંદર,
પ્રવેશે,
વિદાય લે
અગણિત શક્યતાઓ.
નક્કી એ કરવાનું છે,
તમે ક્યાં ઊભા છો?
અંદર કેદ છો?
તો કદાચ એ મુક્તિ ની દિશા બની જાય.
અને જો
હજુ બહાર જ ભટક્યા કરો છો,
તો એ આંતર પ્રવેશનો માર્ગ બની જાય.
જેઓ બારી ખુલ્લી રાખે છે
બારીથી આગળનો રસ્તો
જોઈ શકે છે
અને
સરળતાથી
આવ-જા કરતાં રહે છે
બારીમાંથી.
એઓને માટે
દરવાજો બંધ નથી,
અથવા કદાચ
દરવાજો જ નથી.
-નેહલ
……….
અહીં દરવાજો એક પ્રતીક છે, આપણને અવરોધતી માન્યતાઓ, વિચારો, દ્રષ્ટિની આગળનો પડદો, પડળ, માયાનો પડદો, આપણી મર્યાદાઓ,.. તમને જે નામ આપવું હોય એ આપી શકો. એમાં એક નાની બારી પણ જો ખોલી શકીએ, આપણા બંધિયાર વિશ્વને થોડું વિસ્તારીને એની બહારના સત્યથી અવગત થઈએ તો એ મુક્તિની દિશામાં પહેલું પગલું બની રહે, આ એક દ્રષ્ટિકોણથી જોવાની વાત છે.
બીજી રીતે જોઈએ તો તમે માની લો છો કે બહારની, આપણી આસપાસની દુનિયામાં જે કાંઈ છે તે અને તેટલું જ સત્ય છે તો જરૂર છે તમારે એ બંધ દરવાજામાં એક બારી ખોલી, પળ પળની જાગૃતિ કે સ્વમાં સ્થિર થઈ આંતર દર્શન કરવાની. પોતાનું સત્વ અને સત્ય પામવાની.
શક્યતાની બારીનું હોવું, એના હોવા અંગે જાગૃત થવું એ, જે સ્થિતિમાં છીએ એને બદલવાની શરૂઆતનું પ્રતીક છે.
………
સુશ્રી ધીરુબહેન પટેલ શ્રેષ્ઠ કૃતિ પુરસ્કાર શ્રેણી, મણકો – પ અંતર્ગત આ વખતનો વિષય હતો તસવીર પરથી અછાંદસ કાવ્યરચના.
વિદ્વાન, સાહિત્યમર્મી શ્રી કનુભાઈ સૂચક દ્વારા નોંધપાત્ર કૃતિ તરીકે પસંદગી પામવા બદલ આભાર અને આનંદની લાગણી સાથે મારી કૃતિ અહીં રજૂ કરું છું.
……………………..