સૂરજમુખી





કેસરી આંખો બીડીને ઊભાં છે સૂરજમુખી,
અંધકારના પવનમાં, નમેલાં.
વાવાઝોડું જ તો વાય છે અંધારાનું.
અંધકારનાં ઘાતક પાણી

સૂરજમુખીનાં મૂળિયાંને પચાસ પોણોસો
આંગળીએથી ઝાલી
ધીમે ધીમે ઉપર સરકે છે એના
થડની ભીતરથી.
પાંદડી સુધી આવતાં આવતાં તો
બની જવું પડે છે
અંધાર-પાણીએ પણ કેસરી.

કેસરી રંગના સૂરજમુખીના મોંને
પચાસ પોણોસો આંગળાંથી સકંજામાં લઈ
અંધાર-કૂચડો ફેરવે છે અંધકાર.
અંધારાના પોપડા નીચે સૂરજમુખીનું મોં
કેસરી.

નમેલાં, અંધકારના પવનમાં, ઊભાં છે
આંખો બીડીને સૂરજમુખી.
સૂરજ જ્યાં હો ત્યાં;
રાત્રિનો મર્મ બનીને ઝળહળે છે
આ સૂરજ મુખી...
~ સિતાંશુ યશશ્ચંદ્ર ( 'જટાયુ' માંથી)