અછાંદસ કવિતા – નેહલ

એ પહેલી વાર જ્યાં 
આંખોમાં આંખ પરોવી હતી ને
અસ્તિત્વમાં પ્રગટ્યા હતા સો સો દિવા,
એ છેલ્લી વાર જ્યારે
મૂંગી આંખે વિદાય આપી
ત્યારની ભેજથી ભારે
થયેલી હવા,
થોડાં નાજુક સ્મરણોનાં
વિખરાયેલાં પારિજાત,
એ કોઈનાં સાંનિધ્યમાં
તેજ થયેલા ધબકારાની તરજ પર
સમગ્ર શરીરમાં નર્તન કરી ઉઠેલો
રક્તપ્રવાહ,
કોઈએ કરેલા અનૂઠા સંબોધન
અને મીઠા રણકારે
બોલેલું નામ,
એ દિવસો અને રાતો ખૂટ્યા પછી પણ
ન ખૂટતી વાતો,
સ્પર્શની બારાખડી
ઉકેલતા રચાયેલું ગીત,...

એ ગલીઓ ભીની, લપસણી છે
ધીમે પગલે પગલે ચાલો ભૂતકાળની ગલીઓમાં
ક્યાંક પગ સરકે અને...
- નેહલ

એક અછાંદસ કવિતા શિબિરમાં આપવામાં આવેલી પંક્તિ પરથી રચાયેલી કવિતા. (પંક્તિ - 'ધીમે પગલે પગલે ચાલો ભૂતકાળની ગલીઓમાં' રઈશ મનીઆર સાહેબ)