“ભલભલા સંપાદકો, તંત્રીઓ અને લેખકોને કાન પકડાવે તેવી ભાષાકીય સૂઝ અને ગુજરાતી ભાષા પરની પકડ વજેસિંહ પાસે છે. તેમનું ભાષાજ્ઞાન આપણને તેમના પ્રત્યે આદર થાય તેટલું ઊંડું છે. તે માત્ર પ્રૂફરીડિંગ નથી કરતાં પણ પ્રૂફરીડિંગ કરતાં કરતાં સાથે સાથે ભાષાશુદ્ધિ અને કોપીએડિટિંગ પણ કરી જાણે છે. પ્રૂફરીડરએ માત્ર પ્રૂફરીડર જ નથી સબ એડિટર પણ છે એ વાતને તેમણે સાર્થક કરી જાણી છે.” ~ સુરેશ દલાલ
એઓશ્રીના FB page ને વાંચીને એમના ભાષા સૂઝ, વિદ્વતા, વાંચન અને કવિતાઓ માટે અહોભાવ, આદરની લાગણી થતી. એમના બાળપણ, જીવન વિશે જાણીને એ આદર, સન્માનની લાગણી બેવડાઈ ગઈ હતી. દલિત આદિવાસી તરીકે જન્મવાની કઠણાઈ ઓછી હોય એમ એક અકસ્માતમાં ગોળી વાગવાથી જીવનના અમૂલ્ય વર્ષો અનેક ઑપરેશન, પીડા, દેવાનાં ભાર તળે વેડફાયા. અનેક સંઘર્ષો છતાં પોતાના કામને ખંતથી, વફાદારીથી, પ્રમાણિકતાથી આજીવન વળગી રહેવું, અને એ પણ જ્યારે એ કામની જોઈએ એવી કદર ના થતી હોય અને યોગ્ય વળતર ના મળતું હોય ત્યારે બહુ અઘરું છે. એમની સામે આ બધું ઓછું હોય એમ કેન્સર સામે લડવાનો પડકાર આવી પડ્યો અને એ વ્યાધિએ જ એમને જન્મથી વળગેલી અનેક ઉપાધિઓથી મુક્ત કરી દીધા.
દુનિયામાં આમેય સાચુકલા માણસો બહુ ઓછા રહી ગયા છે, એવામાં આવા તિર્થ સમાન માણસને મળવાનું રહી ગયું. સદ્ગતને શત શત વંદન. 🙏🏼
દેહ દરગાહ જેવો લાગે છે,
રૂહ પણ જાણે પીર આજે છે.
*
સપનાં કમળનાં દઈને વધુ ના સતાવ રે,
છે આંખ મારી જન્મથી સૂકું તળાવ રે.
*
તરવા બેઠો છું ભવસાગર,
લઈને હું માટીની કાયા.
*
ઊભા થઈએ
તો
છાપરું અડે
લાંબા થઈએ
તો
ભીંતડું
તોય
કાઢી નાંખ્યો જનમારો
સાંકડમાંકડ
દોહ્યલામાં કામ લાગી
માના પેટમાં મળેલી
ટૂંટિયું વાળીને રહેવાની તાલીમ
*
ભલે તોડી ન શકું
આ પાંજરું
પણ ફફડાવતો રહીશ
મારી પાંખો
ખરી ન જાય
એનાં પીંછાં
ત્યાં લગી
બેસી નહીં રહું
પાંખો સંકોરીને.
*
ઉતરડી આપવાં છે
અપમાનથી બચાવી ન શક્તાં
કવચકુંડળ
રાહ જોઉં છું
કોઈક તો આવે બ્રાહ્મણવેશે
મુક્ત થઈ જવું છે મારે
કોઈકે આપેલી ઓળખથી.
*
કોઈક તો
ગળીને બેઠું છે
અમારા ભાગનું અજવાળું
જિંદગી આખી
સળગ્યા છીએ
સૂરજની સાથે
તોયે થયું નહીં
ઉજમાળું
કોઈ દહાડો.
*
બેસી રહ્યો
રાતભર
પકડીને પેન
પણ
ન ચાંદ ઊગ્યો
કે
ન તારા ઊતર્યા
કાગળ પર
જોવું હતું
ચાંદરણું
શબદનું
પણ
જોવું પડ્યું
અંધારું
શાહીનું
– વજેસિંહ પારગી
image source: FB wall of Vajesinh Parti






ૐ શાંતિ શાંતિ 🙏
પ્રભુ એમના આત્માને પરમ શાંતિ અર્પે 🌹
LikeLiked by 1 person
🙏🏼
LikeLiked by 1 person