અનુભૂતી
પાંદડી તે પી પીને કેટલું રે પીશે
કે મૂળિયાંને પડવાનો શોષ?
આભ જેવા આભને હૈયામાં હોય કદી
જળના વરસ્યાનો અફસોસ?
એક પછી એક મોજાં આવે ને જાય
એને કાંઠે બેસીને કોણ ગણતું?
વાદળના કાફલાનું ગીત અહીં લ્હેરખીમાં
રેશમનો સૂર રહે વણતું;
ઉઘાડી આંખે આ જાગતા ઉજાગરાને
આઘાં પરોઢ આઠ કોશ!
નીંદરતી આંખમહીં ઊમટીને ઊભરાતું
જાગે છે સપનાંનું ટોળું,
કિરણોની એક એક કાંકરીઓ નાખીને
જંપ્યું તળાવ નહિ ડ્હોળું
આખા આકાશને ઓઢીને ઠરવાનો
જળને છે ઝીણો સંતોષ!
~ જગદીશ જોષી ('ધારો કે એક સાંજ આપણે મળ્યા... સમગ્ર કવિતા' માંથી)
Published by
Nehal
I usually write in my mother tongue Gujarati and sometimes in Hindi and English.
Nehal’s world is at the crossroads of my inner and outer worlds, hope you like the journey…
View all posts by Nehal