વામન અવતાર

એણે એની એક આંખ બંધ કરી, હવામાં હાથના અંગૂઠાને સામે સર્પાકારે ફેલાયેલા હાઈ-વે ને ઢાંકી દેવો હોય એમ ઊંચો કર્યો. એક ક્ષણ એને એવું લાગ્યું કે સતત વહે જતો નાની-મોટી કાર નો કાફલો એના એક અંગૂઠાની તાકાતથી રોકી શકે, ઢાંકી દઈ શકે છે. એના મનમાં એક અજબ જેવી ખુશી, સંતોષ અને ગર્વની લાગણી છલકાઈ ગઈ. અરે ચલના, ઐસે કિતની દેર ઈધર બૈઠના હૈ તેરેકુ , રાજુએ વિચારોમાં ડૂબેલા પ્રશાંતને થોડા ચીડભર્યા અવાજે કહ્યું. પ્રશાંત લગભગ દસેક મીટર ઊંચા હોર્ડીંગને ચિતરવાનું કામ પૂરું થયા પછી હજી એના પરથી લટકાવેલા સાંકડા ઝૂલા પર લટકતો બેઠો હતો. રાજૂને હંમેશાની જેમ કામ પતાવીને ઘરે ભાગવાની ઉતાવળ હતી અને પ્રશાંતને હંમેશની જેમ બિલકુલ ઉતાવળ ન હતી. એ ઘણીવાર એનું કામ અંધારા ઉતરવા માંડે ત્યાં સુધીમાં પૂરું કરતો અને પછી દિવાબત્તીના ટાણાની, એક એક કરીને ઊંચા મકાનોમાં ઝળહળતા અને વહી જતા ટ્રાફીકની લાલ-પીળી લાઈટનાં ચમકતા ટપકાંઓની જાદૂઈ દુનિયામાં ખોવાઈ જતો.આના જેવા અનેક કામના દિવસોએ પ્રશાંત આવી ભયજનક ઊંચાઈ પર બેઠો હોવા છતાં એક અનોખા આનંદનો અનુભવ કરતો. આંખો સામે ફેલાયેલો દિલધડક નજારો, સૂસવાટા સાથે વહેતી હવા એને જાણે પોતે દુનિયાની ટોચ પર હોય એવો અનુભવ થતો. આજે એના મનમાં સ્મરણોની ભરતી ચઢી હતી.
પ્રશાંતનું બાળપણ એક નાનકડા ગામડામાં વિત્યું હતું. એને ના-મોટા ઝાડ પર ચડવાનું બહુ ગમતું, ધીરે ધીરે એ એની મનગમતી પ્રવૃત્તિ, એક જાતનું વળગણ બની ગઈ. જ્યારે પણ એ નવરો પડે કે ઊંચામાં ઊંચા ઝાડને શોધીને સડસડાટ ચઢી જતો. ઝાડની ટોચ પરથી એને ગામનાં રમકડાંના હોય એવા ઘરો, લીલા રંગની વિવિધ રંગપૂરણીવાળા ખેતરો અને જંતુ જેવા લાગતા પ્રાણીઓને જોવાની ખૂબ મઝા પડતી.ધીરે ધીરે આ મનગમતી પ્રવૃત્તિ તેના માટે એક અનોખા આનંદ અને સંતોષનો સ્રોત બની ગઈ. વૃક્ષો પર કલાકો બેસી રહીને એની સમક્ષ રંગબેરંગી જીવ-જંતુઓ, વિવિધ પંખીઓ, તેમના ભાત-ભાતના માળા, ઈંડા, નવજાત બચ્ચાં,પાંદડાં અને ફૂલોનું એક અદ્ભુત વિશ્વ ખૂલી ગયું. તેના ગામના બીજા બાળકો માટે પણ ઝાડ પર ચઢવાની, રમવાની નવાઈ ન હતી, પણ પ્રશાંત એકલો જ જાણતો હતો કે ઊંચાઈઓ પર ચઢીને બેસવાનો રોમાંચ કેવો હોય. ઘણીવાર એ ઈલેક્ટ્રિક ટાવર પર પણ ચઢી જતો હતો પણ એકવાર એ માટે પોતાના પિતાના હાથનો માર ખાધા પછી એ સાહસ ફરી કરવાનું માંડી વાળ્યું હતું. આ ઝાડની ટોચ પરની દુનિયાએ એને ચિત્રકળા તરફ વાળ્યો. ભણવાનું એને ક્યારેય ફાવ્યું નહીં પણ ચિત્રકામમાં પૂરા માર્કસ લઈ આવતો. ચિત્રશિક્ષક એના દોસ્ત બની ગયા અને દાદી પછીની સૌથી પ્રિય વ્યક્તિ બની ગયા. એ એની ઝાડ પરની સાહસીક સફર દરમ્યાન જોયેલી જીવસૃષ્ટિનું એના ચિત્રશિક્ષક સામે વિસ્તાર થી વર્ણન કરતો અને એ એને બધું કેવી રીતે કાગળ પર રંગોથી કેવી રીતે ઉતારવું તે શિખવતા.
દાદીમાંની હુંફ અને વાર્તાઓની સુંદર, સરળ દુનિયાનો અચાનક દુઃખદ અંત આવી ગયો જ્યારે એનું ગામ ભૂકંપમાં લગભગ નાશ પામ્યું. એણે એનાં મા-બાપ અને વ્હાલાં દાદીમા ગુમાવ્યા, એથી વધુ એની બાળપણની સુંદર દુનિયા નાશ પામી.એના મામા, જે મુંબઈના એક ફિલ્મ સ્ટુડિઓમાં કામ કરતા હતા, આવીને પ્રશાંતને પોતાની સાથે મુંબઈ લઈ આવ્યા. પ્રશાંત દિવસો સુધી આઘાત અને શોકમાં મૂંગો રહ્યો. મામા સાથે સ્ટુડિઓમાં રોજ જતો અને કોઈ જાતના રસ વિના મૂંગા મૂંગા બધું જોયા કરતો.એના મામા બહુ દયાળુ અને સમજદાર માણસ હતા, એક નાનકડા ગામથી દુઃખદ સંજોગોમાં મુંબઈ જેવા મોટા શહેરમાં અચાનક આવી ગયેલા પ્રશાંતનું દુઃખ, એકલવાયાપણાની લાગણી સમજતા હતા. એ ક્યારેય પ્રશાંતને કાંઈ પણ કરવાનો દુરાગ્રહ રાખતા નહીં. હા, એ જ્યાં પણ કામે જતા ત્યાં પ્રશાંતને સાથે લઈ જતા. તેમને થતું કે પ્રશાંત નવું નવું જુએ અને એનું મન નવી વાતોમાં લાગે તો જૂની વાતોનું દુઃખ ભૂલતો જશે. એમણે પ્રશાંતને નજીકની મ્યુિનસીપલ સ્કૂલમાં દાખલ કર્યો. પણ એનું મન ભણવામાં ખાસ ચોંટ્યું નહીં, હા પહેલાંની જેમ ચિત્રકામના વિષયમાં પૂરા માર્કસ લઈ આવતો. જેમતેમ દસમું ધોરણ પાસ થયો અને મામાની ઓળખાણથી ફિલ્મના પોસ્ટર, સેટ વગેરે ચિતરવાનું કામ મળવા માંડ્યું.એને એના મામા સાથે રહેવાનું, બધે ફરવાનું ધીરે ધીરે ગમવા માંડ્યું. મામા જે પણ સ્ટુડિઓમાં જતા બધાની સાથે પ્રશાંતની ઓળખાણ કરાવતા અને એની કુશળ ચિત્રકારીના બધા સામે ખૂબ વખાણ કરતા.
એકવાર એક ફિલ્મ સ્ટુડિઓમાં ફિલ્મના શૂટિંગ દરમ્યાન એક લાઈટમેન આવ્યો ન હતો, કોઈકે પ્રશાંતના કાકાને પૂછી જોયું કે એની જગ્યા પર પ્રશાંત થોડા કલાક કામ કરી શકે, એમાં એક ઊંચા લોખંડની પાઈપથી બનેલા માંચડા પર ચઢીને ઊભા રહેવાનું હતું અને જ્યારે જેમ કહેવામાં આવે તેમ લાઈટને ઘૂમાવવાની હતી. જ્યારે પ્રશાંતને એના મામાએ પૂછ્યું ત્યારે પહેલી જ વાર એની આંખોમાં ખુશીનો ઝળહળાટ દેખાયો.એ જરાય ગભરાયા વગર માંચડા પર ઝડપભેર ચઢી ગયો. એની ઝડપ અને નિર્ભયતાથી ત્યાં હાજર રહેલા બધા ચક્તિ થઈ ગયા. પ્રશાંતના મામાને તેની સલામતીની ચિંતા થઈ પણ જ્યારે પ્રશાંતની ચપળતા જોઈ અને એને ખુશ જોયો એઓની ચિંતા દૂર થઈ ગઈ. આ ઘટના પછી તો પ્રશાંતને એવા ઘણા કામની ઑફર મળવા માંડી જેમાં ઊંચાઈ પર ચઢીને કાંઈ પેઈન્ટીંગ કરવાનું હોય. એટલે એ વખતે જ્યારે મોટા મોટા હોર્ડીંગ્સ પેઈન્ટ થતા હતા, ત્યારે બધા પ્રશાંતને સૌથી પહેલા યાદ કરતા. અને આમ કરતા કરતા એ આ સાવ અજાણ્યા શહેરને ક્યારે ચાહવા માંડ્યો અને ઊંચાઈઓથી દેખાતા શહેરની પોતાની સ્પ્નસૃષ્ટિમાં વસવા માંડ્યો, એને ખબર જ ન પડી.
આજે આ ઊંચાઈ પર બેસીને, સામે દેખાતી અદભુત દુનિયા જોઈને એને એની દાદી અને એની વાર્તાઓ બહુ યાદ આવી, ખાસ કરીને એને સૌથી વધારે ગમતી વામનઅવતાર. વામન એ ભગવાન વિષ્ણુનો પાંચમો અવતાર, જ્યારે બલિ રાજાની પરાક્રમી સેનાની વિજયકૂચથી ઈન્દ્રનું સિંહાસન જોખમમાં આવી ગયું ત્યારે ઈન્દ્ર અને બીજા દેવો ભગવાન વિષ્ણુની મદદ માંગવા ગયા. વામન બ્રામ્હણના વેશમાં બલિ રાજાનો જ્યાં યજ્ઞ ચાલતો હતો ત્યાં ગયા. જ્યારે એમને જે જોઈએ તે દાન આપવાનું બલિ રાજાએ વચન આપ્યું ત્યારે વામને પોતાના ત્રણ પગલાં જેટલી ભૂમિ માંગી. બલિ રાજાએ ખુશીથી આપવાની હા પાડી. એટલે વામન અવતારમાં રહેલા ભગવાન વિષ્ણુએ પોતાનું કદ અનેક ગણું વધારી દીધું, પહેલા અને બીજા પગલામાં પૃથ્વી અને સ્વર્ગ સમાવી લીધા, ત્રીજા પગલા માટે જગ્યા ન રહેતા બલિ રાજાએ પોતાનું મસ્તક ધરીને પાતાળમાં જવાનું સ્વીકારી લીધું. દાદી બલિ રાજાની વચનબધ્ધતા અને દાનવીરતાની વાત કરતી પણ પ્રશાંતને તો વામનનું અચાનક વિરાટ થઈ પોતાના પગલાંઓમાં સ્વર્ગ અને પૃથ્વી સમાવી લેવું અત્યંત રોમાંચકારી લાગતું. એને પોતાને પણ વામનની જેમ પોતાના પગલાંમાં ધરતી સમાવી લેવાનું મન થતું.
આજે હોર્ડિંગ્સની ઊંચી સ્લીંગ ઝૂલા પર બેસીને એને બાળપણનું વામન બનવાનું સપનું બહુ યાદ આવ્યું અને કેવું અજબ રીતે સાકાર થયું એનો આનંદ થયો.
– નેહલ

vamana_avatar-from-flickr-by-sudhamshu-hebbar-ran-ki-vav
वामन जी का शिलाचित्र, पाटण गुजरात। , source – wikipedia.org

સાક્ષીભાવ

 

Unknown

 

સાક્ષીભાવ

આમ તો હું જ્યારથી આ ચોવીસમાં માળે ગોઠવાયો છું ત્યારથી મેં ખાસ કાંઈ કર્યું નથી, અવિરત, અનિમેષ નજરે સામે બનતી ઘટનાઓને જોતાં રહેવાનું, કાંઈ ઉમેર્યા કે બાદ કર્યા વિના બસ જોયા કરવાનું ! તમે સૌએ તો એવું જ કાંઈક કરો છો ,ને? મેં એ પણ જોયું છે! આ મજલા પર સામ-સામા બે ફ્લેટ છે, એક તૈયાર છે પણ બંધ પડેલો છે અને બીજામાં હું આવ્યો ત્યારનું કામ ચાલે છે અને એને લીધે જાત-જાતના માણસોની અવર-જવર સતત ચાલુ હોય છે.
એક દિવસ એક તરવરાટ ભરી યુવતી અને એક સોહામણો યુવક આવ્યાં, બહુ જ આનંદમાં લાગતા હતાં, એક-બીજાના ગળાડૂબ પ્રેમમાં હોય એમ સહજપણે પ્રગટ થતું હતું. ઘર ખોલીને અંદર ગયાં પછી ઘણો વખત સુધી ખડખડાટ હસવાના અવાજો ખાલી ઘરમાં પડઘાતા રહ્યા. પાછાં ફરતી વખતે યુવતી, જેને આપણે તી કહીશું, તી એ યુવક જેને કહીશું, ને ગળે હાથ વીંટાળી, આંખોમાં આંખ પરોવી વ્હાલભરી નજરે થેન્ક યૂ કહીને ભીની પાંપણો લૂછી નાંખી અને આવેલી લિફ્ટમાં દાખલ થઈ ગઈ.
એ પછીના અઠવાડિએ સામાન નાના-મોટા બૉક્સમાં આવતો રહ્યો; સાથે તી પણ, મોટેભાગે એકલી જ આવતી. લાંબો સમય રોકાતી. ઘર વસી રહ્યું હતું, બધું હોંશથી ગોઠવતી હશે.ખૂબ ચપળતાથી બધું અંદર લેવડાવતી. સતત કાંઈ સૂચન કરતી અને થાકેલા પગલે પાછા ફરતી વખતે, દરવાજો લૉક કરી થોડીવાર સામે ઊભી ઊભી નિષ્પલક જોયા કરતી! નવી લગાવેલી નેમપ્લેટને પ્રેમથી હાથ ફેરવતી જાણે ઘરની વિદાય માંગતી હોય!
એકાદ મહીના પછી તી લાલ કિનારની, સોનેરી ગૂંથણીવાળી સફેદ સાડી અને મહેંદી ભરેલા હાથે આવી, પાછળ પાછળ પણ તેના દસ-બાર મિત્રો સાથે આવ્યો.બન્નેના ગળામાં ગુલાબના મોટા હાર હતા, સાથે બે-ત્રણ મોટી બેગ્ઝ અને થોડા ભેટના બૉક્સિસ.તે રાત્રે મોડે સુધી ફલેટનો દરવાજો ખુલ્લો રહ્યો. બીજા પણ ઘણા મહેમાન આવ્યા-ગયા. હા કોઈ વડિલ નજરે પડ્યું નહીં! પાર્ટી વહેલી સવાર સુધી ચાલી અને આમ ધામ-ધૂમથી તી અને નું સહજીવન શરૂ થયું.
હાથની મહેંદી ઉતરે તે પહેલાં તી ની ઘટમાળ શરૂ થઈ ગઈ.હું તી ને દરવાજે છાપાં, દૂધ, શાકભાજી, કુરીયર્સ અને સામાન હોમડીલીવર કરવા આવનાર સાથે વ્યસ્ત થઈ ગયેલી જોતો.પતિ ને વિદાય આપવા હંમેશાં દરવાજે આવીને ઊભી રહેતી. રોજ કાંઈને કાંઈ ભૂલી જતો અને તી દોડતી અંદર જઈને લઈ આવતી.ધીરે ધીરે ને રોજ આવતા મોડું થવા લાગ્યું અને તી સાંજને ટાણેથી જ ટોડલે બળતા દિવાની વાટની જેમ ઊંચી ડોકે રાહ જોવા લાગતી.
એક દિવસ તાનપૂરા અને તબલાં સાથે આધેડ ઉંમરના એક સજ્જન અને એક છોકરડા જેવો લાગતો યુવક આવ્યા. પછી તો એ લોકો લગભગ રોજ આવવા લાગ્યા. દરવાજો ખુલ્લો જ રહેતો. સંગીતના મધુર સ્વર સાથે તી નો તરલ સ્વર વાતાવરણને એક ભીનાશથી ભરી દેતો. તી ની ચાલમાં પાછું નર્તન અને આંખોમાં ઉલ્લાસ ઝળકવા લાગ્યો.
એક દિવસ આગલી રાત્રે ખૂબ મૉડો આવ્યો હોવાથી તી સવારે મૉડી ઊઠી અને દરવાજો ઉઘાડીને હજુ તો દૂધ-છાપાં કાંઈ લે એ પહેલાં જ ફલેશ ઝબકવા લાગ્યા. અડધી ઉંઘ અને થાકથી ભરેલા ચહેરા સાથે તી ઘડીભર મૂઢની જેમ ત્યાં જ સ્થિર થઈ ગઈ. દરવાજા પર કોલાહલ થતો સાંભળી નાઈટડ્રેસમાં જ બહાર ધસી આવ્યો, તી ને ચિત્રવત્ ઊભેલી જોઈ થોડી ખીજ અને થોડી મશ્કરીના સ્વરમાં તેણે તી ને ઘરની અંદર જતા રહેવા કહ્યું અને પોતે બધાની પ્રશંસા, પુષ્પો, ભેટ સ્વીકારતો વિજેતાની અદાથી તસ્વીર ખેંચાવતો રહ્યો.
પછી તો આવું વારંવાર બનવા લાગ્યું. હવે ઘણીવાર ના હોય તો પણ ફૂલો, ભેટ-સોગાદ આવ્યા કરતાં અને એ ફિક્કા સ્મિત સાથે બધું લઈને અંદર જતી. ક્યારેક કોઈ બહુ આગ્રહ કરે તો એકાદ તસ્વીર ખેંચાવતી પણ એની આંખો ને શોધ્યા કરતી અને દર વખતે મળતી નિરાશા તી ના ચહેરાને ઉદાસીમાં રંગી જતી.
હવે તી પહેલાની જેમ દરવાજે બહુ દેખાતી નહીં. એક થોડી આધેડ ઉંમરની બાઈ બપોરે એક વાર આવતી, લગભગ બધું કામ પૂરું કરીને સાંજ સુધીમાં જતી રહેતી. એક દિવસ એક બાસ્કેટમાં ગુલાબી રિબન વીંટાળેલું એક નાનકડું કીટન આવ્યું, તી એ લેવા દરવાજે આવી અને એની ઉપરના કાર્ડ પર લખેલો મેસૅજ વાંચીને આટલા દિવસોમાં પહેલીવાર મેં એના ચહેરા પર સ્મિત ઝળહળી ઉઠેલું જોયું પણ ક્ષણવાર માટે જ, પછી એ પાછી પોતાના એકદંડિયા મહેલમાં પૂરાઈ ગઈ.
ને ઘરે આવતો જોયો નહીં, એ વાતને દિવસો અને હવે તો મહીનાઓ વિતવા આવ્યા.સામેના ફલેટમાં સામાન આવી રહ્યો હતો અને સાથે રહેવા આવનાર માણસો પણ, બધાં તી ના ફલેટ સામે ક્ષણવાર ઊભા રહીને શંકાની નજરે જોવા લાગતાં, નાક-મોં પર રૂમાલ દાબીને ત્યાંથી ખસી જતાં.બે-ત્રણ િદવસથી તી ના ઘરનો દરવાજો ખૂલ્યો ન હતો, બાઈ પણ બે દિવસ બેલ વગાડી વગાડીને પાછી ગઈ હતી. એક જણથી ન રહેવાયું, નીચેથી સિક્યુરીટિ ગાર્ડને બોલાવી લાવ્યો. એણે પણ આવતાની સાથે જ ધડાધડ બેલ વગાડવા માંડી જાણે કોઈને ઉંઘમાંથી જગાડતો હોય! અંદરથી કોઈ જ હિલચાલ ન જણાતા એણે બીજા ગાર્ડઝ, સેક્રેટરી અને પોલીસને બોલાવ્યા, જોતજોતામાં ટોળું જમા થઈ ગયું, બધાના ચહેરા પર કાંઈ અમંગળ બન્યાના ભાવો સ્પષ્ટ વંચાઈ રહ્યા હતા.
થોડી જ વારમાં બે પોલીસમેન આવી ગયા, તાળું બળપૂર્વક તોડીને દરવાજો ખોલવામાં આવ્યો અને અણગમતી વાસનું પૂર એકસામટું ધસી આવ્યું હોય એમ બધાં બે ડગલાં પાછા હટી ગયા. બે હવાલદાર આવીને દરવાજે ગોઠવાઈ ગયા કોઈને અંદર જવાની પરિમશન ન હતી.ટોળું ધીમા અવાજે ગણગણાટ કરતું વિખેરાવા માંડ્યું એટલામાં લિફ્ટમાંથી ઊતર્યો, કિંમતી કપડાં, સોના-હીરા જડિત મોટી કાંડા ઘડિયાળ અને તીવ્ર પરફ્યુમની વાસથી જે થોડા કૂતુહલપ્રિય લોકો ત્યાં હજી ઊભા હતા તે એની સામે આશ્ચર્ય અને આઘાતથી જોઈ રહ્યાં, એ આ આખી ઘટનામાં સાવ અતડો જણાઈ રહ્યો હતો, આઉટ ઑફ પ્લેસ! પોલીસે એની ઉલટતપાસ લેવા માંડી અને મોં પર બેદરકારીભર્યા ગુમાન સાથે ઊભો રહ્યો એની સાથે બે બૉડીગાર્ડ અને એક સૂટધારી વ્યક્તિ, કદાચ વકીલ હશે પોલીસના સવાલોના અત્યંત વિનયપૂર્વક જવાબ આપી રહ્યા હતા. વકીલની વાત સાંભળી બે પોલીસના માણસોએ દરવાજા પાસેથી ખસી જઈ ને અંદર જવાનો રસ્તો કરી આપ્યો.પણ જેવો એ અંદર ગયો કે મોં પર રૂમાલ દાબી ક્ષણવારમાં બહાર ધસી આવ્યો, એનું મોં અસહ્ય વાસથી કે અણગમા થી વિકૃત થઈ ગયું. એના હાથમાં પોલીસે એક પત્ર લાવીને આપ્યો, ની સાથે સાથે હું પણ ઉત્કંઠા થી એ પત્ર વાંચવા માંડ્યો.
પત્રની શરૂઆતમાં કોઈ સંબોધન ન હતું,………. ” આપણા સંબંધમાંથી હવે સંબોધન ખરી ગયાં છે તેથી લખવાનું ટાળું છું. જ્યારે આ ઘરમાં આપણે સહજીવનની શરૂઆત કરી ત્યારે જન્મથી અનાથ એવી હું સુખીસંસાર અને બાળકોના સપનાં ગૂંથવા લાગી અને તેં ક્યારે ઘરની બહાર તારું આખું વિશ્વ રચી દીધું, મને ખબર જ ના પડી. અત્યારે તું કદાચ એ જ ધારણા અને અપેક્ષાએ આવ્યો હશે કે તારી સતત અવહેલના અને ઉપેક્ષાથી હારીને મેં કોઈ અંતિમ પગલું ભરી લીધું, હા એક નબળી ક્ષણે એ વિચાર મનમાં આવ્યો ય ખરો અને દૂધના ગ્લાસમાં સ્લીપીંગ પીલ્સની બોટલ ઊંધીયે વાળી હતી પણ હજુ હોઠે માંડું ત્યાં તો એકલતાની સંંગાથી મારી કૅટ બ્રાઉની મારા પર કૂદી, દૂધ ઢોળાઈ ગયું અને હું એ નબળી પળ વળોટી ગઈ, જાતને ટપારી, મનને બોજા રહીત કરીને મેં કંઈક નિર્ણય લઈ લીધો. વહેલી સવારમાં, જે મારા નવજીવનની પહેલી સવાર છે મારો સામાન લઈને ચૂપચાપ જઈ રહી છું , આ હું લખી રહી છું ત્યારે જ અહીં વીજળી જતી રહી છે પણ મારા જીવન માં આજ પછી અંધારું નહીં હોય ! તું જ્યારે આ વાંચી રહ્યો હશે ત્યારે હું ખૂબ દૂર નીકળી ચૂકી હોઈશ. મને ખબર છે કે તું મને શોધવાનો નથી; એ એક રીતે રાહત પણ છે, હું તને કોઈ દોષ પણ દેવા નથી માંગતી! મારા સુખનું સર્વસ્વ તને માન્યા પછી તેં મને આમ દૂર હડસેલી ના દીધી હોત તો મારી અંદરની અદ્ભુત સ્ત્રીને હું ક્યારેય મળવા પામી ન હોત. હા જતાં જતાં એક જ અફસોસ થયો હું મારી બ્રાઉનીને દૂધના ઝેરથી બચાવી ના શકી, ના તેની અંતિમક્રીયા સરખી રીતે કરી શકી”……
ની ચાલમાંનું ગુમાન ઓસરી ગયું અને ચહેરો સણસણતો તમાચો પડ્યો હોય એવો થઈ ગયો. ત્યાં હાજર એવા ઈન્સપેક્ટરના હાથમાં ધ્રુજતે હાથે પત્ર આપીને સાવ ખાલી થઈ ગયો હોય એમ ઊભો રહી ગયો કે પછી મને એવું લાગ્યું. થોડીવારમાં બે હવાલદાર ચાદરનું પોટલું ઉપાડીને ફ્લેટની બહાર નીકળીને નીચે ગયા, બધાં બિલાડી મરી ગયેલી જાણી હળવાશમાં હસતાં હસતાં ત્યાંથી વિદાય થવા માંડ્યા, એક ડ્રાઈવરને બોલતાં ય સાંભળ્યો,” યે ફિલ્મી લોગ અપને કુત્તે-બિલ્લી કો અપની બીવી સે ભી જ્યાદા પ્યાર કરતે હૈ, તભી તો યે સ્ટાર કા મુંહ દેખો બીવી કે જીન્દા હોને કી ખુશી કમ બિલ્લી કે મોત કા ગમ જ્યાદા લગ રહા હૈ”.
હું સાંભળીને શું બોલું! મારે ને ઘણી વાતો કહેવી હતી, તી ની પ્રતિક્ષાની, તેના કણ કણ તૂટેલા ઘરની, બિલાડીની તો લાશ મળી, મૃતપ્રાય સંબંધોની કોઈને વાસ પણ નથી આવતી તો લાશ તો ક્યાથી મળે, પણ સાક્ષીભાવે ઊભેલો હું શું બોલું મારે બસ જોયા કરવાનું, જોતા રહેવાનું.
નેહલ

images

Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે…(12)

સલોની અને બાકીના બધાં હજુ તો પમ્મીઆંટીની વાત પર કાંઈ વિચાર કરે એટલામાં ગાલાઆંટી ધીમેથી બોલ્યા ભગવાન તમારા દિકરાને સુખી કરે અને સો વરસનો કરે, તમને પોતાની સાથે રાખે એના જેવું સુખ નથી.ગાલાઆંટીએ ધીરે ધીરે કહેવા માંડ્યું , સલોનીબેટા તને તો ખબર જ છે તારા અંકલ ગયા વર્ષે ગુજરી ગયા તે પહેલાં એક મહીનો હૉસ્પિટલમાં હતા. એમના મગજની ગાંઠનું ઈમર્જન્સીમાં ઑપરેશન કરવું પડશે કહીને જાત જાતના કાગળો પર તારા અંકલની સહી લઈ લીધી હતી. ઑપરેશન પછી અંકલને આઈસીયુમાં મોકલી દીધા .અઠવાડિયા પછી માંડ બે દિવસ ભાનમાં આવ્યા અને પાછી તબિયત બગડતાં કૉમામાં જતા રહ્યા, અને એ જ અવસ્થામાં મને છોડીને ગયા.છ મહીના સુધી તો કાંઈ જ ખ્યાલ ન આવ્યો.દિકરાએ બધી ક્રિયા-વિધી, વ્યવહાર પૂરા કર્યા.ગયા અઠવાડિયે મારા પૌત્રએ મને કહ્યું દાદી અમે બધાં આવતા મહીને નવા ઘરમાં જઈશું, જ્યાં મારો અને મારા ભાઈનો જુદો રુમ છે પણ દાદી તું કેમ અમારી સાથે નથી આવવાની  ? મમ્મી-પપ્પા કહે છે કે તને દાદા વિના ગમતું નથી ,દેશમાં(ગામમાં) જઈને રહેવાની છે. હું તો આઘાતથી જડ થઈ ગઈ. બાળકોના સૂઈ ગયા પછી દિકરાને પાસે બોલાવીને પ્રેમથી પૂછ્યું કે બાળકો  તો નાદાન છે; બોલવામાં-સાંભળવામાં ભૂલ થઈ હશે, તું મને કહે સાચી વાત શું છે? પછી જે સાંભળ્યું એમાં મને મારા જીવતર પર તિરસ્કાર આવ્યો. આ મારો જ દિકરો!?  અમારી સાથે ચાલાકી કરી ગયો ! ઘર તો અંકલને નામે હતું. એમને કાંઈ થાય તો મારા નામે .પણ હું રહી અંગૂઠાછાપ, ઑપરેશનની મંજૂરી ને નામે એણે ઘર પોતાના નામે કરાવી લીધું, મને કહે તને હવે આ ઉંમરે આ પળોજણ કરવી ના પડે એટલે મેં બધી ઉપાધી મારા માથે લઈ લીધી, તું તારે દેશમાં જઈને ભગવાનનું નામ લે! સલોની, તેં જ્યારે ઑફિસમાં જ મને થેપલાં-ખાખરા કરાવીને વેચવા કહ્યું હતું અને મારો જુદો નવો બૅન્ક ઍકાઉન્ટ કરવા કહેલું ત્યારે મને નહોતું ગમ્યું પણ આજે એ જ નાનકડી મૂડી રહી ગઈ અને ગામમાં હું કોના ભરોસા રહીશ ?! જેનો સગો દિકરો પોતાનો ના થયો એ કયા પારકાના ભરોસે જીવી શકે! મને તો ” Once More” ના જનરલ વિભાગમાં દાખલ કરાવી દે. મારા જેવા બીજા દુઃખી ઘરડાંઓ સાથે વાતો કરીશ તો મારું પોતાનું દુઃખ હળવું થઈ જશે, બોલતાં બોલતાં એમની આંખો ભીની થઈ ગઈ.હાજર રહેલા સૌ આ વાત સાંભળીને આઘાત પામી ગયા.ગાલાઆંટીનો દિકરો રેડીમેડ ગારમેન્ટસની દુકાન સંભાળતો હતો,જેને નાનકડા પતરાંના ખોખામાંથી સારા વિસ્તારના બજાર વચ્ચે પાકી દુકાન કરવાનું કામ તો ગાલાઅંકલે જ કર્યું હતું, દિકરીને મલાવી પરણાવી હતી, એટલે દૂરથી બહુ આવી ન શકે અને એક જ દિકરો, જે બાપની આંગળી પકડીને ધંધાના પાઠ શીખ્યો એણે એ જ  આંગળી વાઢી લીધી.સલોનીએ અને બીજાં બધાએ એમને આશ્વાસન આપ્યું.વાતાવરણ હળવું કરવા સોમૂ કહે , અમે બધાં તમને ” Once More” માં મૂકવા આવશું, તમે પણ તમારા દિકરાને કહી દો કે હું પણ નવા ઘરે રહેવા જાઉં છું, અને હું તો ત્યાં પણ તમારા હાથનાં બનાવેલાં થેપલાં લેવા આવીશ. તમારે ત્યાં બનાવવા માટે વ્યવસ્થા કરવી પડશે, in fact; મારી હોસ્ટેલના બધા છોકરાઓ તમને મળવા આવશે,they all are addicted to your thepla!! ગાલાઆંટીને આટલા દુઃખમાં પણ હસવું આવી ગયું, આ છોકરો તેમનું મન હળવું કરવા માટે ઘરડાંઘરમાં જવાની વાત જાણે ઉત્સવની ઉજવણી હોય તેમ કરતો હતો.એ એમની પાસેથી હંમેશાં મોટભાગનાં થેપલાં લઈ જતો, બીજીવાર વધારે બનાવવા ઍડવાન્સ પણ આપતો અને એમના પૈસા બૅંકમાં જમા કરવાનું કામ પણ કરી આપતો.સોમૂના મમ્મી-પપ્પા જ્યારે પણ ચેન્નાઈથી અહીં મળવા આવતા ત્યારે ગાલાઆંટીને મજાકમાં કહેતા અમારા તમિળ છોકરાને ગુજરાતી બનાવી દીધો છે એને હવે ઈડલી-ડોસા નથી ભાવતા અને થેપલાં જ ખાય છે ને ખવડાવે છે. સલોનીના ગ્રુપ શરૂ કરતાં પહેલાં પણ ગાલાઆંટી ઘણા વખત સુધી ટીફિન પહોંચાડવાનું કામ કરતાં હતાં અને એ રીતે જ સોમૂના પરિવાર સાથે ઓળખાણ થઈ હતી .જ્યારે સોમૂના મમ્મી-પપ્પાની ચેન્નાઈ બદલી થઈ ત્યારે ગાલાઆંટીને સોમૂમાટે ટીફિન મોકલવા વિનંતી કરીને ગયા હતા, પણ વધતી ઉંમર અને ગાલાઅંકલનો બિઝનેસ ઠીક-ઠીક ચાલતો હોઈ , ગાલાઅંકલે જ ટીફિનનું કામ બંધ કરાવ્યું હતું , તોય સોમૂ માટે એમણે અપવાદ રાખ્યો હતો. જ્યારે અંકલની બિમારીને લીધે એ પણ શક્ય ન રહ્યું તો એમના એક ઓળખીતા બહેન પાસે ટીફિન ચાલુ કરાવી આપ્યું હતું.અંકલની માંદગી વખતે અને  આઘાતજનક મૃત્યુ પછી સોમૂ આંટીને  સમય કાઢીને મળી જતો.

સોમૂની વાત પૂરી થઈ એટલે નાયરઅંકલ ઊભા થઈને કહે મારે આ વાત નીકળી જ છે તો એક ઘણા વખતથી મારા મનમાં ચાલતો વિચાર જણાવી દઉં, આપણા ગ્રુપના સભ્યો અને કોલોનીના વૃધ્ધો માટે એક લિગલ એઈડની સંસ્થા તરફથી નાનકડી વર્કશૉપ , મીટિંગ ગોઠવી છે. આપણા સારા નસીબે સનાના મમ્મી શગુફ્તા કૂરેશી જ વકીલ છે અને એ પોતે જ આ એનજીઓ સાથે સક્રિયપણે સંકળાયેલા છે.એમણે આ ઘણા વખતથી સૂચન કર્યું હતું પણ તેમને સમય મળતો ન હતો.એ કહે છે દરેક વૃધ્ધોએ સહી કરતાં પહેલાં પેપર વાંચીને કરવી અને વાંચીના શક્તા હોય તો આ એનજીઓના વકિલ મિત્રો તમને વાંચીને સમજાવશે, તમારી પાસે કોઈ બળજબરીથી કાંઈ લખાવી લેવા માંગતું હોય તો એઓના હેલ્પ લાઈન નંબર્સ પર મદદ માંગી શકાશે.જો બધાંને ફાવે તો આવતા અઠવાડિયે નક્કી કરી દઉં છું, ઉપરાંત કોઈને પોતાનું વિલ કરવા અંગે પણ કાંઈ પૂછવું હશે તો તેનું પણ માર્ગદર્શન મળી શકશે. બધાંએ એકી અવાજે જેમ બને એમ જલ્દી આ મીટિંગ ગોઠવવા જણાવી દીધું અને છૂટાં પડ્યા. માત્ર સલોની, સોમૂ, નાયરઅંકલ અને ગાલાઆંટી મોડે સુધી વાતો કરતાં રહ્યાં.

Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે…(11)

સલોનીએ શનિવારની સાંજે બધા ગ્રુપ મૅમ્બર્સની  મિટીંગ બોલાવી, એને થયું ” Once More”થી આવ્યા પછી આમ પણ બધા સાથે નિરાંતે મળાયું ન હતું અને આકાશની ઑફર અંગે પણ એને થયું બધાનો અભિપ્રાય તો જાણું.બધા ધીરે ધીરે સાંજના ચાલવાનો રાઉન્ડ પૂરો કરી ઑફિસમાં ભેગા થવા માંડ્યા, દેસાઈઅંકલે કિશનસીંઘને બધા માટે સરસ આદુવાળી ચા મૂકવાનું કહી દીધું, ઘણા ચાલીને થાકીને આવ્યા પછી, ચા બની રહી છે એમ સાંભળીને જ ફ્રેશ થઈ ગયા! બધા બેસી ગયા એટલે સલોનીએ શરુ કર્યું, તમને બધાંને કેવું લાગ્યું ?ખરેખર આવી જગ્યાએ રહેવા જવાની ઈચ્છા થાય કે કોઈ ઉપાય જ ન હોય ત્યારે જવું પડે ? જવું પડે તો ગમે ખરું ? મને તમારા બધાંનો પ્રમાણિક અભિપ્રાય જોઈએ. અહીંના ઘણા સભ્યોને કદાચ ક્યારેય જવું પડવાનું નથી કે જવાનો વિચાર પણ કરવો પડવાનો નથી પણ તમારી જ ઉંમરના બીજા વડિલોને માટે કેવું લાગ્યું ? શું એ લોકો આ વ્યવસ્થા ને દિલથી સ્વીકારી શકશે કે બને ત્યાં સુધી પાછળ ઠેલવા માંગશે ? સૌથી પહેલા દેસાઈઅંકલ ઉભા થઈને કહે, જો બેટા હું નથી ઈચ્છતો કે મારે જવાનો વારો આવે, મારો દિકરો ઘણીવાર મારી પુત્રવધૂના સ્વભાવ સામે લાચાર બની જાય છે તો ઘણીવાર હું પોતે તારી કાકીના ઘરમાં વર્તનથી અકળાઈ જાઉં છું પણ બાળકોને લીધે બધાં બધું ભૂલીને સાથે ગાડું ગબડાવ્યે રાખે છે પણ ભવિષ્યમાં મારે ભગવાનને ત્યાં જવાનું તેડું વહેલું આવે તો હું જરૂર એવી વ્યવસ્થા કરીને જાઉં કે તારી કાકી આવી કોઈ જગ્યાએ પોતાની રીતે રહે, એનો સ્વભાવ એના દુઃખનું અને બીજાના દુઃખનું કારણ બને એનાં કરતાં એ આવી જગ્યાએ ખુશ રહેશે, હું તો ઍડવાન્સ્ડ જનરલનું ફૉર્મ સુધ્ધાં લઈ આવ્યો છું.હું જાણું છું કે મારા ઘરની પરિસ્થતી બધાને વત્તે-ઓછે અંશે ખબર જ છે એટલે મને બધાંને નિખાલસતાથી કહેવાની શરમ પણ નથી, મારા જેવા પરિવાર માટે ઈચ્છું કે બધાં આનંદથી સાથે મળીને રહીના શક્તા હોય પોતાની રીતે જીવે પણ શાંતીથી જીવે.પમ્મીઆંટી એમને આગળ બોલતા અટકાવી કહેવા માંડ્યા, મને પૂછો શાંતી કેવી લાગે અને એકલાં રહેવું કેવું લાગે ?! રાજવીર જ્યારે અમારી સાથે રહીને અહી ભણતો હતો ; સલોની, તારા અંકલે એક દિવસ એની સાથે પ્રેમથી, સમજથી વાત કરી નથી, એણે એની જાતે જ બધી તૈયારી કરી, સ્કોલરશીપ માટે પણ એણે જ બધી મહેનત કરી.જ્યારે પણ બાપ-દિકરા ભેગા થતા એકબીજાની ટીકા કરવા સિવાય વાત જ નહોતા કરતા,તારા અંકલે આખી જીંદગી નાના-મોટા અનેક બિઝનેસ કર્યા, પાર્ટનરના દગાનો ભોગ બન્યા, ભણતર એવું હતું નહીં કે સારી નોકરી તરત મળી જાય, બચત નહીં જેવી અને દિકરાને આગળ ભણાવવાની , પોતાના ઘડપણની કોઈ તૈયારી કર્યા વિના બધું છોડીને ઘરમાં બેસી ગયા !! ક્યા દિકરાને આ ગમે ? પણ રાજવીરને ખૂબ ભણવું હતું, પોતાના માટે સન્માનભરી અને સ્થિર જીંદગી જોઈતી હતી અને એના એ સંઘર્ષના સમયમાં એની હિંમત વધારવાને બદલે તારા અંકલ એના મહત્ત્વાકાંક્ષી સ્વભાવની ટીકા કરતા, આવા સપના જોવાની મૂર્ખામી ન કરવા ચેતવતા. જેવો એને સ્ટુડન્ટવિઝા મળ્યો અને સ્કોલરશીપનો લેટર આવ્યો એ પહેલો એના પપ્પાને પગે લાગ્યો અને તારા અંકલ તો તે દિવસથી જુદા જ માણસ બની ગયા છે ફોન પર વારંવાર એના રહેવા-ખાવાની ચિંતા વ્યક્ત કર્યા કરે છે, એને બહુ મહેનત પડે કે પાર્ટટાઈમ નોકરી કરીને ઘરે પૈસા મોકલે તો ગળગળા થઈ જાય છે અને બેઉ બાપ-દિકરો રાહ જુએ છે કે જેવું એનું ભણવાનું પૂરું કરી સારી નોકરી મળે કે તરત અમને એની પાસે રહેવા બોલાવી લેશે. આખો દિવસ એકલાં જરાય ગમતું નથી, સારું થયું કેઆપણા ગ્રુપને લીધે ભરત-ગૂંથણના ક્લાસ મારા ઘરમાં ચાલુ થઈ ગયા, અમારો બુઢ્ઢા-બુઢ્ઢીનો વાતોમાં, હળવા-મળવામાં સમય પણ પસાર થાય છે અને નાના-મોટા વધારાના ખર્ચાઓ માટે હાથ પર થોડી છૂટ રહે છે.ઘણીવાર તો મારી સ્ટુડન્ટ્સ મને સાંજના પોતાને ત્યાં બનાવેલી વાનગીઓ ચખાડવાના બહાને ટીફિન આપી જાય છે તો અમે કાંઈ એ બહાને ખાઈ લઈએ છીએ નહીં તો એકલાં એકલાં ભૂખ પણ લાગતી નથી.સલોની બેટા તમારા બધાને લીધે એકલાં હોવાનું દુઃખ ઓછું થઈ જાય છે, ઉપરાંત બાળકો, તારા અને રિશી, સના અને સોમૂ જેવા જુવાનિયાને મળીને , નવી નવી વાતો સાંભળીને બહુ સારું લાગે છે. આને બદલે હું ઘરડાં-ઘરમાં મારા જેવા દુઃખી ઘરડાંઓની વચ્ચે રહેતી હોત તો ક્યારનીય દુઃખથી ગાંડી થઈ ગઈ હોત.તું એ ” Once More” વાળાને કહે કે આપણા ગ્રુપ જેવું કાંઈ કરે. નહીં તો બધાં ઘરડાં આખો દિવસ પોતાનાં જેવાં જ લોકો અને પોતાના જેવી જ વાતો, ફરિયાદો સાંભળી સાંભળીને બિમાર થઈ જશે.

Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે…(10)

સમીર સલોનીના વક્તવ્ય અને એની પ્રશંસાથી બહુ જ ખુશી અનુભવી રહ્યો હતો. જે પ્રવૃત્તિને એ માત્ર ટાઈમપાસ સમજતો હતો એનું આટલું અદ્ભુત પરિણામ આવશે, આટલા બધા લોકોની જીંદગીમાં સુખદ વળાંક લાવશે , એની એને કલ્પના પણ ન હતી. ઉપરાંત એ પ્રવૃત્તિની આટલી નોંધ લેવાશે, ખાસ તો એની કંપનીના જે ઍક્ઝિક્યુિટવને આનું મૅનેજમેન્ટ અને એક્સપાન્શન, વિસ્તરણ સોંપવામાં આવ્યું આવ્યું હતું, એણે સલોનીને ખાસ મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી એ વાતની એને નવાઈ લાગી હતી.

સલોની થોડો સંકોચ અનુભવી રહી હતી, એને મનમાં થતું હતું કે પોતે વધારે પડતું બોલી ગઈ હતી.સમીરના ઑફિસના મિત્રો શું વિચારશે! પણ જ્યારે સમીર સાથે આકાશની ઑફિસમાં પ્રવેશી ત્યારે એણે સામેથી ઊભા થઈને આવકાર આપ્યો, તેની સાથે મૈત્રીપૂર્ણ હેન્ડશેક કરીને, એની સામે પ્રશંસા ભરેલી નજરે સ્મિત કર્યું…સલોનીનો બધો સંકોચ દૂર થઈ ગયો !આકાશે કહ્યું મેં જ્યારે સમીરની વાતોમાં તમારી પ્રવૃત્તિઓનો આછો-પાતળો ઉલ્લેખ સાંભળ્યો હતો ત્યારથી તમને મળવાની ઈચ્છા હતી, મારા જેવું કોઈક વિચારનાર છે એનો આનંદ તો છે જ પણ તમારી પાસે નવા નવા અનેક સૂચન છે જે મને આ, માફ કરજો, પણ બિઝનેસ વધારવામાં મદદરૂપ થશે. મારી ઑફિસમાં જ્યારે આ પદ સંભાળ્યું ત્યારે બધા મારી સામે દયાની નજરે જોતાં હતાં જાણે મારું સ્થાન નીચું ગયું હોય, ઘણાએ તો કહ્યું પણ ખરું કે આવા કામોમાં લાઈફ બગાડવા કરતાં નવી નોકરી શોધી લે, તને તો મળતાં વાર નહીં લાગે. પણ આ મારું ગમતું કામ છે, અને તમને આમાં રસ અને ઉત્સાહથી કામ કરતાં જોઈ મને મારો નિર્ણય સાચો લાગે છે.હું ભારતના દરેક મોટાં શહેરોથી શરૂ કરી, નાનાં-મિડીયમ સાઈઝના શહેરોમાં ” Once More ” ની શાખાઓ શરૂ કરવા માંગું છું.હું એવું માનું છું કે આપણા જેવા યુવાનો જ્યારે તાજગીભર્યા અભિગમ સાથે આ રીતની સામાજિક જવાબદારીનાં કામોમાં જોડાશે ત્યારે જ એના સમયને અનુરુપ ઉકેલ મળશે.ઉપરાંત એ પણ દ્રઢતાથી માનું છું કે સૉશિયલ વર્કના નામે ચાલતી પ્રવૃત્તિઓ એને ચલાવનારની નાની-મોટી નિર્બળતાઓ, મર્યાદાઓની શિકાર બની ક્યાં તો બાળમરણ પામે છે અથવા તો કોઈ વેસ્ટેડ ઈન્ટ્રેસ્ટનો હાથો બની જાય છે. અત્યારની સમયની જરૂરિયાત છે આ કામોને પ્રોફેશનલ રીતે સમજીને કરવામાં આવે, કોર્પોરેટ ભાગીદારીમાં કરવામાં આવે અને સાથે સમાજની ભાગીદારી પણ સ્વીકારવામાં આવે.આ એક-બે માણસની સમજ કે જવાબદારીનો પ્રશ્ન નથી, આખા સમાજનું એમાં ઈન્વોલ્વમેન્ટ, પૈસાથી, સમયથી , પ્રયાસથી જરૂરી બની જાય છે. એટલે જ હું એને મોટા પાયે શરૂ કરવા માંગું છું, એનો પ્રચાર અને પ્રસાર કરવા માંગું છું. લોકો આ સમસ્યા છે એ સ્વીકારે, એના તર્કપૂર્ણ ઉકેલ શોધવા મજબૂર થાય અને પોતાનું ઈન્વોલ્વમેન્ટ મહત્વનું છે એ સમજતા થાય તો જ પરિસ્થિતીમાં બદલાવ આવી શકે.દાનની રકમ પર થતાં કામો ને અનેક અવરોધ આવે છે. એટલે જ મને તમારા ગ્રુપની સ્વાવલંબનની વિચાર-પધ્ધતિ ગમી, જે કોઈ, જે કોઈ પણ રીતે પોતાનો ફાળો આપી શકે આપવા દો એનાથી આ ગ્રુપ મારું છે, મારા કામનું આ ગ્રુપના ટકવામાં અને આગળ વધારવામાં મહત્ત્વ છે એવી ભાવના સર્જાઈ છે અને એટલે જ કદાચ વધુને વધુ લોકો આમાં સ્વેચ્છાએ જોડાઈ રહ્યા છે, બીજાને પણ જોડી રહ્યા છે.જો તમને વાંધોના હોય તો હું તમને મારા સહાયક, સલાહકારનું પદ આપવા માંગું છું જે મને ” Once More” ને હજુ બહેતર બનાવવામાં, લોકોની નજરે વિશ્વાસપાત્ર બનાવવામાં મદદરુપ થાય. તમે તમારા  Senior Citizen@home.in  ગ્રુપની પ્રવૃત્તિ ચાલુ રાખી શકશો.સલોની વિચારમાં પડી ગઈ, એને વિચારમગ્ન જોઈ આકાશે તરત કહ્યું, “હું તમારો જૉબ પ્રોફાઈલ જાણું છું , take your time, think about it. મને ઉતાવળ નથી ,તમારી રીતે વિચારીને જવાબ આપજો.ત્યાર પછી બીજાં જ વિષયો પર વાતો થતી રહી.આકાશની વાતો પરથી અને ” Once More ” માં એના આપેલા સૂચન વિશે જાણીને સલોનીને એના આ ક્ષેત્રમાં કામ કરવાના પ્રમાણિક ઈરાદાઓ વિશેની શંકા તો નહીં રહી, પણ પોતે એની સાથે જોડાય કે નહીં, જોડાય તો શા માટે અને ના જોડાય તો પણ કયા કારણે એ અંગે કાંઈ નિર્ણયાત્મક રીતે કહી શકી નહીં. છૂટાં પડતી વખતે સમીરે આકાશને વીક-ઍન્ડમાં પોતાના ઘરે ડિનર પર આવવાનું આગ્રહભર્યું આમંત્રણ આપ્યું અને ઉમેર્યું કે સલોનીને જે ઈચ્છા હોય એ નિર્ણય લે પણ મિત્રતાભાવે આકાશ સાથે જ્યારે જરુર પડે ત્યારે સલાહ-સૂચનની આપ-લે કરશે.

–નેહલ

Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે…(9)

સલોની એકધારું બોલી રહી હતી અને બધાં એને ધ્યાનથી સાંભળી રહ્યાં હતાં.એણે વાત આગળ વધારી, આ મકાનની જ સગવડનો ઉપયોગ કરીને જુદા જુદા રૂમને જુદા જુદા વિભાગોમાં વહેંચી દો, એક માળ આખો શિક્ષણને લગતી પ્રવૃત્તિઓ માટે ફાળવો, નિવૃત્ત શિક્ષણ ક્ષેત્રના અનુભવી વડિલોને એની સાથે સાંકળો, સાવ નાનાં બાળકોને ભણાવવાની જવાબદારી આપો; એમને ગમશે, બાળકોને પણ ગમશે. દરેક ગામ, નાનાં-મોટાં શહેરોમાં પ્રિ-પ્રાયમરી અને પ્રાયમરી ઍજ્યુકેશન ફરજિયાત બનાવી ,એ સૅન્ટરને ઍક્ટિવીટી સૅન્ટર સાથે જોડી દો, વડિલોને મદદનીશ આપો, પ્રવૃત્તિનું સંચાલન એમને સોંપી દો, સો ટકા લિટરસી રેટ કેમ ન હાંસિલ કરી શકાય!

Senior Citizen@home.inની ઑફિસ અમને નાની પડે છે. અમારા ગ્રુપના વડિલો અાર્ટ ઍન્ડ ક્રાફ્ટ, ઉર્દુ ભાષા અને ગઝલ, ઈંગ્લીશ ભાષા અને સાહિત્ય, સુગમ સંગીત, ક્રિકેટ કોચિંગ, એકાઉન્ટન્સી, કેક્સ ઍન્ડ કુકીઝ, ભરત-ગૂંથણ, યોગ-પ્રાણાયમ, હિંદી વ્યાકરણ અને સાહિત્ય, ગણિત, કી-બોર્ડ અને પિયાનો, ક્લાસિકલ મ્યુિઝક ગાયન અને વાદન, ગુજરાતી કવિતા અને વાર્તા લેખન,ક્રિકેટ કોચિંગ, ટેનિસ ઍન્ડ બૅડમિન્ટન કોચિંગ, રોટલી-થેપલાં-ખાખરા સપ્લાય, વગેરે ક્લાસિસ સાથે સંકળાયેલા છે. એના પરથી તમે અંદાજ લગાવી શકો કે વડિલોને તક મળે તો માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓ જ નહીં ઘણું બધું કરવાનું ગમે છે.અમે બીજી ઑફિસ માટે કોશિષ કરી રહ્યાં છીએ, પણ આવી મોકળાશવાળી જગ્યા મળે તો બધાંનો ઉત્સાહ વધી જાય. અમને તમારા ઑડિટોરિયમ ગમી ગયાં, અમે અમારા ગ્રુપને લઈને આવા આઉટિંગ પ્લાન કરી રહ્યા છીએ, એ ઉપરાંત તમારા ચાલવા માટેના અને જૉગિંગના ટ્રેક્સ બહુ ગમ્યાં, વૃધ્ધોને સલામત રીતે હરીફરી શકે એવા રસ્તા બાગ-બગીચા બહુ જ ઓછા છે.અમારી કૉલોનીમાં બાળકો દોડાદોડ કરતાં હોય, સાયક્લિંગ કરતાં હોય, સ્કેિંટગ કરતાં હોય ત્યારે ઘણા વડિલો ડરીને ચાલવાનું બંધ કરી બેસી જાય છે.સલોની આગળ બોલવાનું અટકાવી કહે, માફ કરજો હું ઘણું બોલી ,પણ લગભગ એક વર્ષથી હું આ પ્રવૃત્તિમાં એટલી ડૂબી ગઈ છું કે મને જેવી તક મળે કે આ વિષય પર બોલવા માંડું છું. આપના ઉદ્દાત્ત પ્રયત્નોની ટીકા કરવાનો મારો ઈરાદો નથી, અને ઘણા નિરાધાર વૃધ્ધો અથવા તો વડિલો જેમનાં સંતાનોએ પોતાનાં મા-બાપથી મોં ફેરવી લીધું છે ,જેમને કોઈ જવાની ,સ્વમાનભેર જીવવાની જગ્યા નથી રહી એ લોકો માટે આ જગ્યા આશિર્વાદરૂપ બનશે.પણ બાકીના જે વૃધ્ધો કાંઈક કરવા માંગે છે અથવા કરવા શક્તિમાન છે એમને માટે જો આવાં સૅન્ટર આગળ આવે તો કદાચ એમની જીંદગીમાં ઉત્સાહ નો સંચાર થાય.કુટુંબમાં એમને પોતાનું ખોવાયેલું માન-સન્માન પાછું પ્રાપ્ત થાય.હું અહીંના સંચાલકશ્રીનો આભાર માનું છું કે અમને અહીં આવીને અમારી વાતો વહેંચવાની તક આપી.સલોનીને બીજા આમંત્રિત વૃધ્ધોએ પણ તાળીઓથી વધાવી લીધી.પછી મૅયરશ્રીના હાથે ” once more ” નું વિધીવત ઓપનિંગ કરવામાં આવ્યું.મૅયરે પોતાના વક્તવ્ય માં સલોનીની પ્રશંસા કરી, એના સૂચનો પર વિચાર કરવાનો અનુરોધ કર્યો.પછી આમંત્રિતોની સામે જોઈને કહે આપણા દેશમાં લોકો શરીર કરતાંય મનથી વહેલાં ઘરડાં થઈ જાય છે.અને ઘડપણનો સમય જાણે સજા કાપતાં હોય તેમ વિતાવે છે. “હવે આ ઉંમરે નવું જાણીને, શીખીને શું કરવું છે” એમ વિચારતાં ધીરે ધીરે દુનિયાથી, જીવન થી દૂર થતાં જાય છે.આપણે એ પણ જોયું છે સાવ શ્રમજીવી વર્ગનાં, કારીગર વર્ગના લોકો જેમને પેટ ભરવા માટે મોટી ઉંમર સુધી કામ કરતાં રહેવું પડે છે, એમને માટે નિવૃત્તિ શબ્દ કદાચ અસ્તિત્વમાં જ નથી, બીજી બાજુ મોટા મોટા ઉદ્યોગપતિઓ,મોટા નેતાઓને પોતાની મહેચ્છાઓ પૂરી કરવા માટે ઉંમરનો આંકડો આડે આવતો નથી, મારા કહેવાનો આશય એ જ છે ઉંમર એક શારિરીક કરતાં માનસિક ઘટના વધારે છે, આરોગ્યપ્રદ જીવનશૈલી, પ્રવૃત્તિમય જીવનચર્યા અને મિત્રોની સાથે હળતાં-મળતાં રહેવાથી ઘડપણ શ્રાપ નહીં વરદાન જેવું લાગશે,” once more ” ના સ્થાપકોને અને સંચાલકોને અભિનંદન આપું છું, આવી માનવતાભરી પ્રવૃત્તિ માટે યોગદાન આપવા.સમાજ જેમ જેમ પ્રગતિ કરતો જાય તેમ તેમ સમાજ-વ્યવસ્થામાં બદલાવ આવતો જાય, નવા નવા પ્રશ્નો ઊભા થતા જાય; આપણી જવાબદારી માનવતાની જાળવણી કરતાં રહેવાની છે,મેં ક્યાંક વાંચ્યું છે કે સમાજની પ્રગતિ, સિધ્ધીઓનો માપદંડ છે-સમાજમાં સ્ત્રીઓ,બાળકો અને વૃધ્ધોની સ્થિતી. જો આ ત્રણેમાંથી કોઈપણ અસુરક્ષિત, શોષિત હોય, તે સમાજ હજુ પણ પછાત અવસ્થામાં, અજ્ઞાનના અંધકારમાં જીવી રહ્યો છે. ” once more ” જેવી સંસ્થાઓ વૃધ્ધોને એ સુરક્ષા, સલામતી, હુંફનું વાતાવરણ આપવામાં સફળ થાય એ જ શુભેચ્છા.
મૅયરશ્રીના નાનકડાં પણ વિચારપ્રેરક ભાષણની ઘણી પ્રશંસા થઈ.આભારવિધી થયા બાદ સમારોહ સમાપ્ત થયો અને બધાં છૂટાં પડ્યાં. નાયરઅંકલ બધા ગ્રુપના સભ્યોને લઈ ગોઠવણ કર્યા મુજબ મીનિબસમાં રવાના થયા.સમીર સલોનીને લઈને ત્યાંના ચીફ એિક્ઝક્યુટીવને મળવા લઈ ગયો.
–નેહલ

Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે…(8)

બધાં જેવાં ઑડિટોરિયમમાં પહોંચ્યાં કે થોડી જ વારમાં કાર્યક્રમ શરૂ થયો.સલોનીના સૂચનથી મહેતાઅાંટીએ ” सर्वेत्र सुखिनः सन्तु….” તથા ” सहनाववतु सहनौ भुनक्तु….” જેવા શ્લોકથી શરૂ કરી ” ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ અબ રૈન કહાં જો સોવત હૈ….. ” મધુર કંઠે ગાઈને બધાને મંત્રમુગ્ધ કરી દીધાં.એના પછી અન્સારીઅંકલ ઊભા થયા,એ ઉર્દુના નિવૃત્ત પ્રોફેસર હતા, ગઝલના શોખિન અને અચ્છા જાણકાર હતા, “કહું છું જવાનીને પાછી વળી જા….. ” ગાઈને બધાની ખૂબ દાદ મેળવી.પછી સૂરજબાના હાથે દેશમુખઆંટી,ચિત્રેઆંટી,ડિસોઝાઆંટી,કિશનસિંઘ,પમ્મીઆંટી,ફળવાળા રામલોચનચાચા,ખાનઅંકલ,નાયરઅંકલ વગેરેનું સર્ટિફીકેટ અને શાલ ઓઢાડી સન્માન કર્યું
એના પછી કાર્યક્રમના સંચાલકોએ સલોનીને Senior Citizen@home.in ની સફર વિશે કહેવાનો અનુરોધ કર્યો.સલોનીને એની યુએસએમાં વિદ્યાર્થીકાળમાં કરેલી સમરજૉબ યાદ આવી,એના ગ્રુપના બધાએ સાથે મળીને ડીમેન્શિયાના દર્દીઓને મદદ કરવા મેમરીએઈડ બનાવી હતી,એકલાં રહેતાં વૃધ્ધોને કેવી રીતે વધુને વધુ સ્વાવલંબી બનાવી શકાય,પોતાનાં ઘરના જ વાતાવરણમાં કેવી રીતે સુરક્ષિત રાખી શકાય એ માટેના, ઘરને ” ડિમેન્શિયા પ્રુફ ” બનાવી આપે એવા ઈલેકટ્રોનિક ઉપકરણો બનાવતી કંપની હતી.અને જ્યારે ફિલ્ડમાં એ ઉપકરણનું કામ જોવા ગયા,સલોની પહેલીવાર પોતાના કુટુંબ સિવાયના આટલાં બધાં વૃધ્ધોને એક જ દિવસમાં મળી હતી.એનું મિત્રોનું ગ્રુપ આ આખા પ્રોજેકટને ફન ગણીને મઝાક-મસ્તી કરતાં હતાં પણ સલોનીએ ઘરે આવીને નેટ પરથી ડિમેન્શિયા વિષયનું ઘણું વાંચી લીધું.
સલોનીએ માનનિય મૅયરશ્રી ,વડિલ મિત્રો ,….કહીને બોલવું શરૂ કર્યું, ” આપણે દરેક જણ માથામાં એક-બે સફેદ વાળ ડોકાય કે ઘડપણની ચિંતા અને આયોજનમાં વ્યસ્ત થઈ જઈએ છીએ.વિચારવા મંડી પડીએ છીએ ,પોતાનું ઘર કરી દઈએ,વધારે સંપન્ન હોય તો; જેટલા દિકરા હોય, એના ય નામે ફલેટ લઈ રાખીએ,દિકરીઓમાટે સોનું ભેગું કરવામાંડીએ ,ઘણા પરદેશમાંથી પોતાના દેશમાં,  ઘણા દેશમાં મોટા શહેરોમાંથી પોતાના વતનમાં પાછા જવાની તૈયારી કરવા માંડે,આજકાલ થોડી જાગરૂકતા આવી છે તો વાર્ષિક કે દ્વિ- વાર્ષિક પોતાનું હેલ્થ ચૅકઅપ કરાવા માંડીએ છીએ .આ બધું થઈ ગયું તો માની લઈએ છીએ કે ઘડપણમાં નિરાંત.ઘણા વિલ કરી દેશે જેથી ભવિષ્યમાં વારસો વચ્ચે સંપત્તિમાટે ઝઘડા ન થાય ,આ બધું કરવું કાંઈ ખોટું નથી પણ આપણે સંબંધોમાં લાગણીઓનું ઈનવેસ્ટમેન્ટ કરવાનું ભૂલી જઈએ છીએ,જે દિકરા માટે ફલેટ બુક કરીએ, તે વખતે એ જણાવવું,એની સમજમા ઉતારવું જરૂરી છે તારી જિંદગી શરૂ કરી આપવી મને ગમે છે એટલે કરું છું,તને તારું જીવન પોતાની રીતે જીવવાનો હક છે પણ મારી મુશ્કેલીઓમાં,માંદગીમાં મને તારી જરૂર પડશે જ,તું મારી પડખે હોય તે જ મને ગમશે.આપણે પતંગને ઉડવા આખું આકાશ આપી દઈએ છીએ પણ દોર હાથમાંથી છોડી નથી દેતાં,પતંગ ગમે તેટલો ઊંચે હોય,દૂર હોય તેની હાથમાં અનુભવાતી હલચલ,એનું હાથમાં અનુભવાતું વજન જેમ આપણને એની સાથે જોડેલા રાખે છે તેમ જ પતંગને પણ દોરનું ખેંચાણ સ્થિરતા આપે છે, દિશા આપે છે

જો એક પતંગમાટે આપણે આટલું ધ્યાન રાખીએ તો સંતાનોમાટે કેમ નહીં ? આપણી લાગણીઓને પણ કમ્યુનિકેશન ગૅપનો શિકાર બની જવા દઈએ છીએ, જેમ સંતાન નાનું હોય તો કેટલું સહજ છે કે માતા-પિતા પર સંપૂર્ણ આધારિત હોય, એમ મા-બાપ ઘરડાં, અશક્ત કે બિમાર હોય તો સંતાનો જ સાચવે એ કેમ સહજ ગણાતું નથી ??!! બીજી વાતો સાથે આપણે એ વાત કેમ ભાર દઈને શિખવાડવાનું ભૂલી જઈએ છીએ?!  કે પછી આપણે બધાં જ ક્યારેક વૃધ્ધ કે અશક્ત થઈશું એ વાસ્તવિક્તા સાથે આંખ મેળવવા તૈયાર નથી હોતા ! કે પછી આપણો અહમ વચ્ચે આવે છે ?સંતાનોને બીજા વ્યવહાર શીખવીએ તો આ કેમ નહીં ઘણા લોકોને બોલતાં સાંભળું છું ” ભણી-ગણીને પોત-પોતાને ઠેકાણે પડે એટલે બસ આપણે એમની કોઈ અપેક્ષા નથી ”  કેમ નથી ? આવું બોલનારને ઘડપણમાં જો ઘરડાંઘર જવાનો વારો આવે તો દોષ કોનો ગણવો !! અપેક્ષા હોય જ , રાખવાની અને એ પણ શીખવાડવું કે એ અપેક્ષા સહજતાથી ,એક પારદર્શક સમજણ અને સંવાદ થી કેવી રીતે પાર પાડવી,આ તો એક પક્ષની વાત થઈ પણ સંતાનો પોતાની જવાબદારી માંથી ભાગવા માંગતા હોય ત્યારે આવા ઑલ્ડ એજ હોમ એમને માટે મા-બાપથી છૂટકારો મેળવવા સગવડ કરી આપે છે. જે ભારતની સંયુક્ત કુટુંબ વ્યવસ્થા વર્ષોથી વખણાતી હતી એના પાયા હવે હચમચી ગયા છે પણ એનો અર્થ એવો નથી કે આપણે નવા ઉકેલની દિશામાં પ્રયત્ન જ ન કરીએ અને માનનિય સંચાલકશ્રી અને મેયરશ્રી મને માફ કરે, પણ ઑલ્ડએજ હોમ એનો ઉકેલ નથી, છેલ્લાં થોડાં વર્ષોમાં ઑલ્ડએજ હોમની સંખ્યા લગભગ બમણી થઈ છે પણ વેઈટીંગ લિસ્ટ વધતાં જ જાય છે અને આપણે બધાં જાણીએ છીએ જીવવા માટે અન્ન, પાણી કે મકાન ઉપરાંત માનવીય સહવાસ, લાગણીઓનું આદાન-પ્રદાન, પોતાની કોઈને જરૂર છે એ ભાવ બીજી કોઈ પણ ભૌતિક સગવડ કરતાં મહત્વનાં છે મારો વિનમ્ર અનુરોધ છે જે રીતે અમે ગ્રુપમાં બધાંને જુદી જુદી ગમતી પ્રવૃત્તિઓમાં સક્રિય રહેવાનો મોકો આપીએ છીએ તેવી આ ઑલ્ડએજ હોમને ઍક્ટિવીટી સૅન્ટરમાં ફેરવી દો. બેડરીડન વૃધ્ધો માટેના કૅર સૅન્ટર અને હૉસ્પિટલ સામે મને કોઈ વાંધો નથી પણ હરતાં-ફરતાં જીવંત વ્યકિતત્વોને નિરાશ, રસહીન,તરછોડાયેલાં માણસોમાં ફેરવતી આ વ્યવસ્થા સામે વાંધો છે.મારાં કેટલાંક સૂચન અમારા ગ્રુપ મૅમ્બર્સ દ્વારા પણ કરવામાં આવ્યા છે.જેમ બાળકો માટે ડેકેર હોય છે એ રીતે કામ કરતાં સંતાનોનાં એકલાં પડતાં વડિલો માટે અહીં સૅન્ટર શરૂ કરો, વાત કરીને સમજો કોને શું કરવું ગમે છે તે તે પ્રવૃત્તિમાં એમને વ્યસ્ત રહેવા દો, નાસ્તો, ભોજનની વ્યવસ્થા કરી શકાય, અર્થોપાર્જન કરી આપતી પ્રવૃત્તિ જે વૃધ્ધોને કરવી ગમે છે અને કરવા શક્તિમાન છે એમને માટે એવી ઓછા શારીરિક શ્રમની પ્રવૃત્તિ શરૂ કરો, અહીં હૅલ્પલાઈન, કૉલસેન્ટર શરૂ કરો વૃધ્ધો દ્વારા વૃધ્ધો માટે ચાલતું જે એકલાં લોકો સાથે વાતો કરે એમની સમસ્યાઓ સાંભળે અને એમને આ સૅન્ટર સાથે જોડે.જેને કુટુંબ છે એને સાંજે પોતાને ઘરે પાછા ફરવા દો, એક જાતના ઍચિવમેન્ટની ભાવના સાથે, પોતાના પરિચીત હુંફાળા વાતાવરણમાં પાછા જવા દો એ રીતનું રોજ સાંજે પાછા ફરવું એમને પોતાનું કોઈ ઘર છે પરિવાર છે અને એ પરિવારમાં મારી જરૂર છે જેવી લાગણીઓને દ્રઢ કરશે.ઉપરાંત આખો દિવસ સરખે સરખાની કંપનીમાં ક્યાં પસાર થઈ ગયો ખબર પણ નહીં પડે, ઘણા વિદ્વાન અને અનુભવી વૃધ્ધો નિવૃત્તિ પછી પણ એમના ડહાપણનો,જ્ઞાનનો લાભ કોઈ કંપની સાથે જોડાયેલા રહીને આપી શકે, માનદ વળતર પણ મેળવી શકે

સલોનીની વાતો હજુ બાકી છે, ફરી મળીએ?!

– નેહલ

Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે…(7)

સિનીયર સિટીઝન@ હોમ.ઇનના બધા મૅમ્મબર્સ આજે જાણે પીકનીક પર જવાના હોય એમ ઉત્સાહમાં હતા,સલોનીની ઈચ્છા પ્રશસ્તિપત્ર સૂરજબાના હાથે બીજાં ગ્રુપ મૅમ્મબર્સને અપાવવાની હતી, એ પોતાના કામને એક આંગળી ચિંધનારના કામ સાથે સરખાવતી,ખરો રસ્તો તો આ બધાંએ કાપ્યો હતો.ઓલ્ડએજ હોમનું નામ હતું “once more” .એના ઓપનિંગમાં સલોનીની સાથે ગ્રુપના ઘણા મૅમ્મબર્સ આવ્યા હતા.કાર્યક્રમના ભાગ રુપે આમંત્રિતો માટે એક ટૂરનું આયોજન કરવામાં આવ્યું હતું.એક હસમુખી,તરવરાટથી ભરેલી સૅલ્સગર્લ જેવી યુવતી બધાંને આ ઓલ્ડએજ હોમના ખાસ આકર્ષણોની એક નાની ઑડિઓવિઝ્યુલ કલીપ જોવા એક નાના ઑડિટોરિયમમાં લઈ ગઈ.સરસ પુશબૅક ચેર્સ સાથેનું વાતાનુકૂલિત ઑડિટોરિયમ જોઈ બધાં ખુશ થઈ ગયાં,પેલી યુવતી બધાંને કહે અહીં જુદા જુદા નાટક, સંગીતનાં કાર્યક્રમો ઓલ્ડએજ હોમના મૅમ્મબર્સ માટે યોજવામાં આવશે અને જેનાં જે કલાસનાં રુમ્સ હશે એ ક્લાસની સીટ્સ એમના માટે પહેલેથી રિઝર્વ્ડ હશે,જેમકે ડીલક્સ,સુપર ડીલક્સ,એકઝીક્યુટીવ,વગેરે 200-250ની ક્ષમતા વાળા આ ઑડિટોરિયમ ઉપરાંત એટલંુ જ મોટું એક થિયેટર પણ છે.જ્યાં સભ્યો પોતાની પસંદગીની ફિલ્મો શનિ-રવિ દરમ્યાન જોઈ શકશે,ઉપરાંત ત્યાં પણ પોતાના રુમના ક્લાસ મુજબ સીટ્સ રિઝર્વ્ડ રાખી શકાશે.બધાં ઑડિટોરિયમમાં ગોઠવાઈ ગયાં એટલે પ્રોજેક્ટરમાંથી સ્ક્રિન પર “Once More” ઓલ્ડએજ હોમનો દરવાજો દેખાયો,એક મોટા વર્તુળાકાર કેમ્પસમાં ફેલાયેલું હતું.જેમાં બહારની તરફ,એના પરિઘ પર પાકી સડક હતી જે દરેક વર્ગના રુમ્સના ત્રણ-ચાર માળના મકાનના દરવાજે પહોંચાડતી હતી,દરેક મકાનમાં લિફટ હતી.દરેક પગથિયાં પાસે મોટો રૅમ્પ બનાવેલો હતો જેથી વ્હીલચૅરની સરળતાથી અવર-જવર થઈ શકે.રુમ્સ બુક કરતી વખતે વ્હીલચૅરની જરુરિયાત મુજબ પસંદગી કરીને એ પણ બુક કરી શકાશે એમ જણાવવામાં આવ્યું.અંદરની તરફ વ્હીલચૅર સિવાય! દરેક પ્રકારના વાહનોને પ્રતિબંધ હતો.અનેક ઘટાદાર વૃક્ષોની બંને તરફ હારમાળા હોય એવા દરેક રસ્તા પર થોડા થોડા અંતરે બાંકડા અથવા હિંચકા મૂક્યા હતા.વચ્ચે એક મોટો બગીચો હતો જયાં ગ્રુપમાં બેસી શકાય અને હળવું સંગીત સાંભળી શકાય એવી ગોઠવણ હતી.બહુ જ સુંદર ફુલોથી સજાવેલ બગીચાને જોતાં જ હાશ થાય એવું રમણિય દ્રશ્ય હતું.મકાનો જનરલ ક્લાસથી શરુ કરી,અૅડવાન્સ્ડ જનરલ,ડિલકસ ,વગેરે એક પછી એક આવેલાં હતાં.કિચન અને જમવા માટેનું સ્થળ એક અલગ મકાનમાં હતું,સભ્યો પોતાની જરુર મુજબ ઈન્ટરકૉમથી રૂમમાં ભોજન મંગાવી શકશે હા એનો સર્વિસચાર્જ અલગથી આપવો પડશે.એની જ બાજુમાં એવા વૃધ્ધો માટેનું મકાન હતું જે મોટેભાગે પથારીવશ રહેતાં હોય એમના માટે કૅરટેકર દિવસ-રાત ખડેપગે હાજર હશે, જે નવડાવવા-ખવડાવવાથી માંડીને વ્હીલચૅરમાં સવાર-સાંજ ફરવા લઈ જશે ,છાપાં-પુસ્તકો વાંચી સંભળાવશે અને એમને એટલી ટ્રેનીંગ આપવામાં આવશે કે જો મૅમ્મબરની તબિયત બરાબર ન લાગે તો બાજુમાં જ આવેલી હૉસ્પિટલમાં ચોવિસ કલાક હાજર ડૉકટરને બોલાવશે અને જરૂર પડ્યે હૉસ્પિટલમાં દાખલ પણ કરી દેશે,હા હૉસ્પિટલનું બિલ અલગથી ભરવું પડશે,જેમને મેડિકલ ઈન્સ્યોરન્સ પૉલિસી હશે એમણે પહેલેથી જ જરૂરી દસ્તાવેજો જમા કરાવી દેવા પડશે.હોસ્પિટલનું મકાન પાંચ માળનું હતું,તેમાં એક માળ આખો ઈન્ટે ન્સિવ કૅર માટે હતો,લૅબોરેટરી ,દવાની દુકાન,બધી જ જાતની તપાસ કરવાની વ્યવસ્થા હતી, વધારે સિરીયસ દર્દીઓને નજીક આવેલી એક મોટી હૉસ્પિટલમાં લઈ જવા એક ઍમ્બ્યુલન્સ હંમેશા હાજર હશે.આ સિવાય આ સંકુલમાં એક નાનું જીમ ,મૅડિટેશન અને યોગ માટે હૉલ,એક લાયબ્રેરી,અહીં દરેક ભાષાનાં છાપાં ,મૅગેઝિન મંગાવી શકાશે.ડિલકસ અને એનાથી ઉપરના કલાસની રૂમ્સમાં તમને જેની આદત હોય એ છાપાં,મૅગેઝિનનું લિસ્ટ અહીં દાખલ થતી વખતે ભરવાના ફોર્મ માં લખી શકાશે ,તમને રોજ સવારે તમારા રૂમમાં એ છાપાં મળી જશે.એક નાનું સુપરમાર્કેટ પણ પ્લાન કરવામાં આવ્યું હતું જ્યાં રોજબરોજની જરૂરિયાતની વસ્તુઓ ઉપરાંત નાસ્તા,બિસ્કીટ્સ,ચોકલેટસ,કેક ,ફળો,આઈસક્રીમ મળશે,સામાન તમારા રૂમ સુધી પહોંચાડવાની જવાબદારી સ્ટોરની હતી,ઍડવાન્સ કૅટગરીનાં વૃધ્ધોની ખરીદેલી વસ્તુઓમાંથી એમના હેલ્થ રીપોર્ટ પ્રમાણે નુકશાન કરે એવી ચીજવસ્તુઓ કાઢી લેવામાં આવશે એ બાદ બિલ ચાર્જ કરવામાં આવશે.ઓલ્ડએજ હોમની પોતાની નાની બૅંકની બ્રાન્ચ હતી,જેમાં દરેક મૅમ્મબર માટે એક ફરિજયાત ઍકાઉન્ટ ખોલવામાં આવશે,અને દાખલ થતી વખતે અમુક રકમની ડિપોઝિટ ભરવી ફરજિયાત હશે,હા જનરલ કૅટેગરી માટે આ શરત નહતી.તમારા એકાઉન્ટમાં જમા રકમ મુજબ તમને ડૅબિટ કાર્ડ આપવામાં આવશે જે સંકુલની અંદર ખરીદી માટે વાપરી શકાશે,જેમકે તમારા મિત્રને ફલાવર્સ મોકલવા છે, કાર્ડ કે ગિફટ મોકલવી છે,તમારે નાની પાર્ટી આપવી છે તો કાફૅમાં એ મુજબ પ્લાન કરી આપી શકો.
પછી કૅટેગરી પ્રમાણે રૂમ બતાવ્યા,જનરલ નો રૂમ નાનો,સ્વચ્છ,સુઘડ એક પલંગ,એક ટેબલ અને ચૅર,એક કબાટ અને અટૅચ્ડ બાથરૂમ, હા દરેક માળ પર એક ફોન જયાંથી ઑપરેટરની મદદથી કોઈપણ લોકલ,બહારગામ કે ઈન્ટરનેશનલ કૉલ કરી શકાય,દરેક માળ પર એક ટીવી,છાપાં માટે કોમન હૉલ હતો,ગરમ પાણી દિવસમાં બે વાર મળી શકશે.ઍડવાન્સ્ડ જનરલમાં રૂમની અંદર ફોન અને ટીવી હતાં. ઍક્ઝિક્યુટિવ અને સુપર ડિલક્સ માટે ઍરકન્ડિશન્ડ રૂમ હતો,ટીવી, ફોન,ડિવીડી પ્લેયર ,પર્સનલ કમ્પ્યુટર જેવી સુવિધા હતી,પર્સનલ ડાયેટિશ્યનની સુવિધા હતી એના પ્લાન મુજબ તમે તમારું મૅનુ નક્કી કરી શકો.ઈન્ટરનેટ અનલિમીટેડ હતું બાકીના રૂમ્સમાં ઈન્ટરનેટ માટે કૉમન હૉલમાં કમ્પ્યુટર્સ હતાં.ઑડિઓવીડીઓ ક્લીપ પૂરી થઈ એટલે પેલી યુવતી હસતાં હસતાં કહે હજુ ઘણી સુવિધાઓ ઉમેરવામાં આવી છે,તમને થોડી જ વારમાં બ્રોશર મળી જશે જેમાં કૅટેગરી પ્રમાણે સુવિધાઓ અને એના ચાર્જીસ લખેલાં હશે.અમારી કંપની સૌ વૃધ્ધોને આવકારવા ઉત્સુક છે,અમને વિશ્વાસ છે કે એકવાર અમારું મૉડેલ સફળ થશે એટલે દેશમાં બીજે પણ આવાં અનેક હોમ્સ બાંધવાની ઈચ્છા છે.આગામી આકર્ષણોમાં કપલ્સમાટેના નાની પૅન્ટ્રી સાથેના કૉટેજીસ,બેડરિડન વૃધ્ધોનું સીસીટીવી દ્વારા એમના દિકરાઓમાટે લાઈવ ટ્રાન્સમિશન અને ચૅટની સગવડ,વીલ બનાવવા માટે વકીલની સગવડ,તિર્થયાત્રાઓ અને દેશવિદેશના પ્રવાસોનું આયોજન વગેરે
હવે આપ સૌ માટે અહીંના કાફૅટેરિયામાં ચા-કૉફી-નાસ્તાની ગોઠવણ કરવામાં આવી છે ત્યાર બાદ આપ સૌને જે કાંઈ જાતે ફરીને જોવું હોય અમારા સ્વયંસેવકો તૈયાર જ છે, તમારી સાથે આવવા.અડધા કલાક પછી ફરી અહીં જ ભેગાં થઈશું,ઉદ્ઘાટન સમારોહ માટે.
જેવાં બધાં કાફૅટેરિયામાં ચા-નાસ્તો કરવા બેઠા એટલે શર્માઅંકલ એમના મોટા દિકરા સામે જોઈને કહે આવું સરસ બનાવ્યું છે કે કોઈને પણ અહીં આવવાનું મન થાય,શર્માઆંટી કહે મને તો ટીવી અને ઍસી વિના ના ચાલે પણ સુપર ડિલકસના દિવાલ અને પડદા ,સૉફા વગેરેના કલર્સ મને ન ગમ્યાં,એ આપણી પસંદગીના આપે તો સારું લાગે.દેશમુખઆંટી અને ડિસોઝાઆંટીને પથારીવશ વૃધ્ધોના વિભાગના ચાર્જીસ જાણવા હતાં,એમને હતું જ્યારે આપણી આવી હાલત થશે તો કોણ આવશે ?! દેસાઈઅંકલ કહે મેં તપાસ કરી જનરલ વિભાગનું સંચાલન આ જે એનજીઓ છે એ લોકો કરવાના છે જેથી એની ફીઝ નહીંવત્ છે અને સાવ ગરીબ નિરાધાર વૃધ્ધો માટે મફત છે,ડિલકસ ્અને એની ઉપરનાં ક્લાસ માટે સમીરની કંપનીએ એક ફાઈવસ્ટાર હૉટલ મૅનેજમેન્ટ કંપનીને રોકી છે એટલે એનાં ચાર્જીસ બહુ જ વધારે છે,પણ અમુક હિસ્સો એ લોકો જનરલ વિભાગનાં સંચાલન માટે નિયમિત રીતે આપશે.
એ સાંભળી શર્માઅંકલ બોલ્યા જનરલ વિભાગ સગવડને નામે સાવ મિંડું છે ત્યાં આમેય નિરાધારો સિવાય કોણ આવશે,બધાંની ચર્ચા સાંભળી રહેલાં અને અત્યાર સુધી ચૂપ રહેલાં સૂરજબા બોલ્યાં,આ મારા પોતરા વસનજીએ મને ચાર ધામને બારે ય જ્યોતિર્લિંગના દર્શન કરાવ્યાં,ગાડીના સેકન્ડ કલાસમાં ફેરવી અને ધર્મશાળામાં રાખી પણ જરાવાર મને રેઢી મૂકી નથી,મારો હાથ છોડીને ક્યાંય આગળ ગયાે નથી,ક્યારેય ભૂખી રાખી નથી, મારે મા તરીકે એટલું તો સમજવું પડે કે એની સાથે મને રાખે છે તો એનાં સુખ-દુઃખ એ મારા સુખ-દુઃખ.જે દિવસે મને એવું થશે કે એણે મારું સુખ સાચવવાનું,એનું પોતાનું જે થવાનું હોય એ થાય એ દિવસે મારા ઘરમાં નરક આવશે.ભાઈ, આ ડિલકસ શું કે જનરલ શું?! તમારા દિકરાને તમે ભારે પડ્યા કે તમારા સ્વાર્થે તમને ભારરૂપ કર્યા,…..તો અહીં ઘરડાંઘર માં આવવું પડે એટલે એ ડિલકસમાં ય મને તો ઉંઘ ના આવે.
સલોનીને આ જ સાંભળવું હતું,એને પોતાની તૈયાર કરેલી સ્પીચ યાદ આવી,એના વિચારો ખોટા નથી કોઈ તો સમજશે.સૂરજબાની વાત કડવી હતી પણ સાવ સાચી હતી .પળવારમાં સગવડભર્યા વાતાવરણે રચેલો ભ્રમ ખસી ગયો ,એટલામાં એક સ્વયંસેવકે આવીને કહ્યું માનનિય મૅયર આવી ગયા છે કાર્યક્રમ થોડીવારમાં જ શરૂ થશે ઑડિટોરીયમમાં આવો.
આગળની વાત આવતીકાલે…
-નેહલ

Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે……(6)

રવિવારની સવાર સલોનીને માટે રોજ કરતા વધારે વ્યસ્ત હતી.એને બેનર્જીઆંટીને ત્યાં જવાનું હતું,પછી આજે સમીર સાથે સન્ડે બ્રન્ચનો પ્રોગ્રામ હતો.એને સમીરને કાંઈક સરપ્રાઈઝ આપવી હતી.આ તરફ સમીરે પણ સલોની ને કાંઈક સરપ્રાઈઝ આપવાનું વિચારી રાખ્યું હતું.બેનર્જીઆંટી એની રાહ જ જોતાં હતાં,રાજવીર સાથે થોડી વાત કર્યા પછી ઓજસ સ્ક્રીન પર આવ્યો,બેનર્જીઆંટી જેવો જ નાકનકશો અને લાગણી ભરેલો અવાજ.થોડીવાર પછી સલોનીને થયું કે મા-દિકરાને હવે એકબીજા સાથે પોતાના ભૂત-ભવિષ્ય-વર્તમાનની ક્ષણો વહેંચવા એકલાં મૂકી દેવાં જોઈએ, ફરી મળીશું કહીને એ ત્યાંથી નીકળી ગઈ.
શહેરની જાણીતી ફઈવસ્ટારમાં બંને ઘણા વખતથી આવવાનું વિચારતા હતા પણ સમીરની વ્યસ્તતામાં એ પાછળ ઠેલાયા કરતું હતું.જ્યારે શેમ્પેઈનની બૉટલ આવી ત્યારે સલોનીએ સમીરને “હૅપ્પી ઍનિવર્સરી” વીશ કર્યું,સમીરે પોતાના પૉકેટમાંથી સૉલીટેર પેન્ડન્ટ કાઢીને એને સામે વીશ કર્યું,પછી બંને હસી પડ્યાં,બંનેને એકબીજાને સરપ્રાઈઝ આપવી હતી,કે માત્ર પોતે જ યાદ રાખ્યું છે.લગ્નના પાંચ વર્ષ પૂરા કર્યા હતા,અહીં ભારતમાં આવ્યાને પહેલું જ વર્ષ પૂરું થવાની તૈયારી હતી.સમીરે એની સામે થોડા ગર્વભર્યા સ્નેહથી જોઈને કહ્યું,તું અહીંના વાતાવરણ અને કોલોનીના લોકો સાથે મારા ધારવા કરતાં વધારે ઝડપથી ઓતપ્રોત થઈ ગઈ,મને તારા વ્યક્તિત્વના નવાં જ પરિમાણનો પરિચય થયો,તું તારી યુએસની જૉબ, તારી લાઈફ મિસ નથી કરતી ?! અને સાવ અણધારી પ્રવૃત્તિઓમાં તારી જાતને ડૂબાડી દીધી છે.I think you are missing our parents,I have a good news for you,guess what!તારાં મમ્મી-પપ્પા આપણી સાથે મહીનો રહેવા આવી રહ્યાં છે .છેલ્લા અઠવાડિએ મારા પપ્પા એમને જોડાશે પછી ત્રણે જણાં બીજા એક મહીના સુધી હિમાલયનાં વિવિધ સ્થળોની મુલાકાત લેશે.આપણે એમની સાથે થોડા દિવસ જઈ શકીએ,જો તને મન હોય તો.સલોની કહે કદાચ તું સાચું કહે છે મારી અત્યાર સુધીની જિંદગી તમારા બધાને કારણે સુખ-સગવડ અને એક જાતનાં પ્રોટેક્શનમાં વિતી છે એટલે અહીં પહેલીવાર જ મને મારી જાતે કાંઈ વિચારીને અનોખું અને મને ગમતું કરવાની તક મળી.
સમીર,તને તો ખબર જ છે મારા બંને મામા, બંને કાકા- ફોઈ અને દાદા-દાદી યુએસમાં ધીરે ધીરે આવીને ગોઠવાઈ ગયાં, એક નહોતાં આવી શક્યાં મારા નાના-નાની બંને મામાઓથી મમ્મી ઉંમરમાં ઘણી નાની,એથી જ નાના મોટીઉંમરે ત્યાં આવવાનું સ્વીકારી ના શક્યાં અને એમના કારણે નાની પણ ક્યારેય અમેરિકા આવ્યાં નહીં.અને એટલે જ મને મારા ચાર-પાંચ વૅકેશન એમને મળવા,અહીં આવવા ,એમની સાથે ભારતમાં ગાળવા મળ્યા.હા, મમ્મીએ મને નાનપણથી સમજાવ્યું હતું કે ભારતમાં પોતાને ગમતું ભણવું,પોતાને ગમતી નૉકરી મળવી બહું અઘરું છે,બહુ જ ભ્રષ્ટાચાર છે અને જે જીવનશૈલીમાં તમને અમે ઉછેર્યા છે એ ભારતમાં આવતાં સો વર્ષ લાગી જશે.પણ મને અહીં આવીને એ બધું અતિશયોકતીભર્યું લાગતું.નાનાનું મોટું ઘર હતું પાછળ મોટી આંબાવાડી,અનેક જાતનાં ઝાડ,અમે આખો દિવસ દોડાદોડ કરતાં,આસપાસનાં બધાં બાળકો અમારે ત્યાં રમવા આવતાં,નાની બધાંને નાસ્તો, ફળ બધું એકસરખું આપતી,કોઈ ભેદભાવ મેં એના વર્તનમાં ક્યારેય જોયો નથી.એ મારી મમ્મીની નાનપણની ઘણી વાતો કરતી,જે સાંભળવું મને બહુ ગમતું.નાનાનું વાંચન વિશાળ,ઘરમાં એક નાની લાયબ્રેરી હતી,અમને ઘણી વાર્તાઓ કહેતાં. જે મા-બાપ આપણા પગલે પગલે હાથ પકડી ચાલ્યાં હોય,એમની અને આપણી મહત્વાકાંક્ષાઓની વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે મા-બાપના પલડાં માંથી આપણું બાળપણ અને બાળપણનાં સ્મરણો કેમ વજનવિહીન થઈ ઊડી જતાં હશે?! એક દિકરી માટે મા-બાપની સેવા કરતી વખતે વારે વારે શા માટે એપોલોજેટિક બની જવું પડતું હશે?? બાળપણમાં જે સંબંધ વિના જીવવું શક્ય ન લાગતું હોય એ જ સંબંધ બોજારુપ કેમ બની જતાં હશે?? હું મારી નાનીને હંમેશા ” મારી સાથે રહેવા ચાલો, અહીં એકલાં કેમ રહો છો ” અેમ કહ્યા કરતી એ હસીને વ્હાલથી કહેતી તારી મમ્મીની પાંખો બહુ મોટી થઈ ગઈ અને મારું આંગણું વધતું અટકી ગયું! હું તારી સાથે તારે ઘરે આવું પણ કાલે તને પાંખો આવશે તો તને ય આ બધું નાનું,ધૂળિયું,બોરીંગ લાગશે શું મા-બાપ બાળકોને પાંખો આપે ત્યારે સ્પીડ કંટ્રોલ શીખવાડવાનું ભૂલી જતાં હશે!!પોતાનાં જ આંગણામાં લૅન્ડિન્ગ કરવાનું વિસરી જવાતું હશે!! તને યાદ છે આપણી સાથે યુએસથી ભારતની ફલાઈટમાં પેલાં ઘરડાં બા એકલાં જ આવ્યાં હતાં અને એમની પાસેનો પાસપોર્ટ જૂનો હતો,એક્સપાઈરી ડેટ વિતી ગયેલો કદાચ એમના બાળકો સાથેના સંબંધોની પણ એક્સપાઈરી ડેટ આવી ગઈ હતી એ જોવાનું બા ચૂકી ગયાં હતાં કે પછી એમને ઉતાવળમાં ડિપોર્ટ કરનારાં બાળકો એમની સાથે સાચો પાસપોર્ટ મૂકવાનું ભૂલી ગયાં હશે
સમીર સલોનીને એકધારું બોલતી જોઈ રહ્યો એને ખ્યાલ હતો કે નાનપણમાં જયારે ઈન્ડિયાથી સલોની એના નાના-નાની પાસે રહીને પાછી આવતી થોડા દિવસ ઉદાસ રહેતી,એનાં નાની ગુજરી ગયાં ત્યારે એનાં મમ્મી-પપ્પા સલોનીને સમીરનાં મમ્મી-પપ્પા પાસે જ મૂકીને ઈન્ડિયા ગયાં હતાં અને સલોનીએ એક દિવસ કાંઈ જ મોંમા મૂક્યું ન હતું.સમીર એને જૂની વાતોમાંથી બહાર કાઢી ચિઅર-અપ કરવાના ઈરાદે બોલ્યો તને એક ખુશી થાય એવી વાત કહું,અમારી કંપની અને એક એનજીઓ જે સિનીયર સિટીઝન માટે કામ કરે છે ભેગાં મળીને એક અત્યાધુનિક ઑલ્ડએજ હોમ બનાવ્યું છે એનું ઓપનિંગ મૅયર કરવાના છે એમાં તમારા ગ્રુપ વિશે તારે બોલવાનું છે એ લોકો તને પ્રશસ્તિપત્ર પણ આપવા માંગે છે.સલોનીના મોં પર ખુશીને બદલે ઉદાસી છવાઈ ગઈ,બોલી ” સિનીયર સિટીઝન@ હોમ .ઇન” આ ગ્રુપનો હેતુ જ એ છે કે સિનીયર સિટીઝન ઘરમાં જ રહે,ઘરડાંઘર આનો ઈલાજ નથી,
કેમ ? સલોની પાસેથી સાંભળીશું,ફરી મળીશું?!
-નેહલ

Senior Citizen@home.in અરે એટલે ઘરડાં વાળે……( 5 )

અસ્મિતા બેનર્જી નામની નેમપ્લેટ લાકડામાંથી કોતરીને કલાત્મક રીતે દરવાજાની બાજુમાં લગાવી હતી અને એને અજવાળતો એક ટેરાકોટાનો એવો જ કલાત્મક લૅમ્પ ઝૂલી રહ્યો હતો.ડોરબેલ પર આંગળી મૂકતા પહેલાં સલોનીની આંખ આગળ એક ગંભીર દેહાકૃતિ આવી , એના હાથ થોડા ખચકાયા.એમને સવાર-સાંજ સ્ફૂર્તીથી નીચે વૉક લેતાં જોયાં છે. બધા જ ધોળા વાળ જોઈને એમની ઉંમરનો અંદાજ લગાવવા બેસો એટલે જ એમનો ચમકતો ચહેરો અને ટટ્ટાર,સપ્રમાણ દેહયષ્ટિ તમને ભોંઠા પાડે.સરસ મઝાની હેન્ડલૂમ્સની સાડી સાથે આધુનિક સ્પોર્ટસ શૂઝ પહેરીને ઝડપથી વૉક લેતાં બધાએ એમને જોયાં છે અને એટલો જ બધાને પરિચય છે.એ ક્યારેય કોઈને કોઈ પ્રકારનું અભિવાદન  કરતાં નહીં અને કોઈ કરે તો ઉત્તર વાળતાં નહીં , સ્મિત કરતાં તો કોઈએ જોયાં જ ન હતાં.એ એકલાં જ રહેતાં હતાં પણ કુટુંબ જેવું કાંઈક, કયાંક છે કે નહીં એના વિશે સૌ અજાણ હતાં.એમનું ઘર પણ દરવાજાથી આગળ કોઈએ જોયું ન હતું.હા એક વૉચમેનને એકવાર તક મળી હતી જયારે એ લાંબો સમય બહારગામ રહીને પાછાં આાવ્યાં હતાં ત્યારે એમના બાલ્કનીના પ્લાન્ટસ સૂકાઈ ગયેલા; એ બધા કૂંડા નીચે ગાર્ડનમાં ઊતરાવ્યા હતા, ફરીથી નવા છોડ રોપવા.થોડા દિવસ બધા વૉચમેનને સીધી-આડતરી રીતે એમના વિશે પૂછતા રહેલા, પણ “બહોત બહોત સારા કિતાબ હૈ “થી વધારે કાંઈ જાણવા મળ્યું નહીં.

સલોનીએ મોકલેલા બાળકોને પણ “હું હમણા બિઝી છું” કહીને વિદાય કરી દીધા હતા.આખરે એણે બેલ મારી દીધી,બેનર્જીઆંટીએ દરવાજો ખોલ્યો અને પકડીને ઊભા રહીને પ્રશ્નાર્થની નજરે એ સલોનીને જોઈ રહ્યા.સલોનીએ બહુ જ મૃદુતાથી પૂછયું ;”હું અંદર આવી શકું? થોડી અંગત વાત કરવી છે…”થોડીવાર વિચારમગ્ન ઊભા રહયા પછી એમણે માથું હલાવી એને અંદર આવવાનો ઈશારો કર્યો.સલોનીને ઘરમાં પ્રવેશતાંની સાથે અરોમા કેન્ડલની સુવાસ આવી, વૉચમેન બિચારો સાચો હતો આખો લિવીંગ રુમ લાયબ્રેરી જેવો લાગતો હતો,એક રૉકિંગ ચેર ,એની આસપાસ પુસ્તકો,એક નીચી બેઠકની બાજુમાં તાનપુરો અને એક નાનકડો હિંચકો,એેક-બે કલાત્મક લૅમ્પ, થોડા ઈન્ડોર પ્લાન્ટસ સિવાય ખાસ રાચરચિલું કાંઈ ન હતું,હા બાલ્કની પાસે સરસ સીસમનું ડેસ્ક અને બાલ્કનીમાં પણ રીડીંગ લેમ્પ,પ્લાન્ટસ ,પુસ્તકો અને એક આર્મચેર.સલોની હજુ કાંઈ બોલે એ પહેલાં જ એ કહેવા માંડયાં,”look ,I don’t interfere in someone’s matter;same way I guard my privacy.I don’t know what exactly you’re doing,nor I want to know,એમનાં સ્પષ્ટ અંગ્રજી ઉચ્ચારો,સત્તાવાહી સ્વર અને વિદ્વત્તાપૂર્ણ ઘરને જોઈને સલોની વાત કેવી શરુ કરવી એમાં થોડી મૂંઝાઈ,એટલે તરત અધીરાઈથી કહે મારે દસ મિનીટમાં વૉક લેવા જવું છે, જે પણ હોય ઝડપથી કહે.સલનીએ કહવા માંડયુ, તમે પમ્મીઆંટીને ઓળખો છો ? D વીંગમાં રહે છે બહુ જ વાતોડિયા અને રમુજી સ્વભાવના છે. બેનર્જીઆંટીને વૉક લેતાં સિનીયર સિટીઝન…ગ્રુપની ઑફિસ બહારનું બોર્ડ જોયાનું યાદ આવ્યું,જેમાં પમ્મીઆંટી બધાને ભરત-ગૂંથણ પોતાના ઘરમાં જ શીખવાડશે,જેને જયારે મન થાય ત્યારે આવવાની છૂટ છે, હા નીચે કોઈએ પાછળથી નોંધ ઉમેરી હતી કદાચ તેજીન્દરસિંહ અંકલે જ, કે ફીમાં એક ચિલ્ડ બિયરનું કૅન લેવામાં આવશે.
બેનર્જીઆંટીનો ચહેરા પરનો અણગમો બોલકો બને એના પહેલાં સલોની બોલી ગઈ એમનો દિકરો રાજવીર શિકાગો ભણવા ગયો છે એના જ ક્લાસમાં તમારો દિકરો ઓજસ ભણે છે ,જયારે એણે ઓજસની FB વૉલ પર હેપ્પી મધર્સ ડેના મેસેજની નીચે તમારો ફોટો જોયો તો વિસ્મીત થઈ ગયો,પછી જયારે એ બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ ત્યારે એણે ઓજસને” તારા મમ્મી જેવાં જ દેખાતાં એક આંટી અમારી કોલોનીમાં રહે છે , કદાચ તારા માસી પણ હોય,”એમ કહ્યું ત્યારે ઓજસે જ કહયું; એ મારાં મમ્મી જ છે,I miss her so much;I tried to find her but she never tried to contact me , તું મને તેમનો કોન્ટેક કરાવી આપ.સલોની જેમ જેમ બોલતી ગઈ તેમ તેમ બેનર્જીઆંટીની આંખમાંથી આંસુની ધાર ચાલી.બેનર્જીઆંટીના વીસ વર્ષ પહેલાં એમના પતિ સાથે ડિવૉર્સ થયા હતા,એટલે એ યુએસએ છોડી થોડો સમય પોતાના માતા-પિતા સાથે કલકત્તા રહ્યાં પણ તેઓના નિધન થયા બાદ કલકત્તાનું પરિચીતોનું જગત એમને રુંધવા માંડયું એટલે બધું વેચીને ,કલકત્તા છોડીને અહીં આવીને વસ્યા હતા,અહીં એમને કોઈ ઓળખતું ન હતું,અને એ જ એમને જોઈતું હતું.ડિવૉર્સ વખતની દિકરાની કસ્ટડી માટેની લાંબી લડાઈથી તે માનસિક રીતે ભાંગી ગયાં હતાં, જયારે અહીંની યુનિવર્સીટીમાં હીસ્ટ્રી અને ફિલોસૉફીની આસી. પ્રોફેસરની નોકરી વિશે ખબર પડી એટલે કલકત્તામાં બહુ જૂજ મિત્રો સિવાય કોઈને પણ જણાવ્યા વિના અહીં આવી ગયાં હતાં.પતિના ખરાબ વર્તનની,પોતાની સાથેના તિરસ્કાર ભર્યા વલણની દિકરાના ભવિષ્ય પર ખરાબ અસર ન પડે એટલે ક્યારેય દિકરાનો સંપર્ક કરવાનો પ્રયત્ન ના કર્યો,એમાંને એમાં કયારે એ અતડાં અને રુક્ષ થઈ ગયાં એમને જ ખબર ના પડી.સલોની બોલી તમારો ડાર્ક પિરીયડ હવે પુરો થયો છે,તમારા પતિએ બીજાં લગ્ન કર્યા છે અને એમનો પરિવાર પણ છે,એમણે તમારા દિકરાને તમારાથી દૂર કરવાનો બહુ પ્રયત્ન કર્યો પણ એ તમને કયારેય ભૂલી શકયો નથી.થોડાં વર્ષ પહેલાં તમે જયારે અહીંથી યુએસએ માત્ર એને દૂરથી જોવા ગયાં હતાં ત્યારે એને થોડા દિવસો પછી ખબર પડી હતી અને ઈન્ડિયા ફરવાના બહાને કલકત્તામાં આવીને તમને બધે શોધી વળ્યો હતો.આ બધી વાતો મને રાજવીરે જણાવી છે.એનો સંદેશ જ તમને આપવા આવી હતી આ રવીવારના જો તમને વાંધો ન હોય તો તમારા ઘરે હું મારી મૅકબુક લઈને આવીશ,રાજવીરના ઍપાર્ટમેન્ટ પર આ વિકએન્ડ ઓજસ આવવાનો છે ,મારી અને રાજવીરની ઈચ્છા એને સરપ્રાઈઝ આપવાની છે,તમે એની સાથે ફેસટાઈમ પર વાત કરશો તો એને સારું લાગશે.સલોની પળવાર એમનો પ્રતિભાવ જોવા રોકાઈ,એ હજુ સપનામાં હોય એમ ચિત્રવત બેઠાં હતાં.સલોની કહેવા માંડી તમને જોઈએ તો હું રાજવીરનો નંબર આપું,એ તમને ઓજસનો નંબર આપશે,હું અને રાજવીર સારાં મિત્રો છીએ પણ ઓજસનો મને ખાસ પરિચય નથી.બેનર્જીઆંટી સલોનીના ખભે સ્પર્શ કરીને બોલ્યાં બેટા ,you have been so thoughtful; તેં મારા માટે આટલું કર્યું તારી હાજરીનો મને શો વાંધો હોય,it will help to break the ice, તું જરુરથી આવજે,હા તારા ગ્રુપની મને મૅમ્બર તો બનાવીશને? મારે કેટલી ફીઝ આપવાની છે ? સલોની બોલી ગ્રુપ મારું નહીં તમારા બધાનું છે ફીઝ કાંઈ જ નથી હા તમને મન થાય એ પ્રવૃત્તિ માટે તમે અમારા માટે , તમને અનુકૂળ સમય આપી શકો એની ફીઝ અમે તમને આપીશું.
આવી નવાઈની વાત સાંભળીને બેનર્જીઆંટીને રસ પડયો કહે ,તું રવિવારે આવે ત્યારે સમય લઈને આવજે,ઘણી વાતો કરીશું.
-નેહલ