Happy Mother’s day!

મા, તારી સ્મૃતિ 

દુનિયા માટે 

અહીં-ત્યાં પાડેલા ફોટા 

આ-તે પ્રસંગ ના ફોટા 

પણ મારા માટે 

હૈયામાં એક હુંફાળો ખૂણો 

માથા પર ફરતા હાથનો સુંવાળો સ્પર્શ 

આંખના ખૂણે કદી ના સૂકાતું 

ભીનું સરોવર

પીઠ પર ફરેલા નરમ હાથની રાહત 

ખોળાની, પાલવની 

ક્યાંય ન મળે એવી

મીઠી સુગંધ 

તારી વાત્સલ્યથી છલકાતી આંખો ના

ઝળહળતા દીવા 

તારી જીવન ને સતત 

ઘડતી વાતો

અને એવું બધું 

અનેક અગણિત 

કેમ કરી ફોટા માં સમાવું??

હેપ્પી મધર્સ ડે, મા!

મારામાં થોડી ખુદને

રોપી જવા માટે. 

– નેહલ

​મારી કવિતા ના વાચકને…

મારી કવિતા ના વાચકને…

હું વાવું

મારી ક્ષણ ક્ષણ

આ કવિતામાં

ફૂટે કૂંપળ

પળ પળ ની

શબ્દે  શબ્દે

આવ, તું

આ કવિતામાં

વાવી દે

તારી થોડી ક્ષણો પણ

બને ઘેઘૂર  વૄક્ષ સમયનું

શબ્દો ના ડાળ-પાંદડાની

છાયામાં

બેસીએ

હું અને તું.

નેહલ

silhouette-of-two-people-on-a-tree_1232-301

Do you hear it? – Kisan Sosa

Do you hear it?

In a drop, the rain sings in chorus, do you hear it?
In the seed, lush green crop waves, do you hear it?
On the open road ants have come out in a row
Listening to the footfall , the walls are fissured, do you hear it?
In a busy workshop in the night a new sun is shaped,
The blows of the hammer echo in all directions, do you hear it?
A tent of a new sky is being formed
In the land new nails are being hammered, do you hear it?
The wall of ice will turn into a puddle and will evaporate
With a spark of light, the sun blasts, do you hear it?
Look, on the back of the time the sweat erupts
The mountain of the sparks is ceaselessly being dug, do you hear it?
Now the real flowers will blossom in all directions
Every branch screams with pain, do you hear it?
Like the waves of the sea, the words of a poet,
Every moment strike with rocks of time, do you hear it?

Kisan Sosa
(From Anauras Surya)

The Poet
Kisan Sosa
Kisan Sosa, born 4 April, 1939, is a retired Municipal corporation employee. He is a leading Gujarati poet. His collections of poetry are Anast Surya (1985), Anauras Surya (1981) and Surya Jem Dubi Gayun Harmonium (1992).His ghazals are an important contribution to dalit poetry as he initiated dalit themes in them for the first time.
source : Gujarati Dalit Literature Blog by Ganpat Vankar

અહીંથી જવાય – કિસન સોસા

એવા વળાંક પર હવે ઊભો છે કાફલો
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ.

અહીંથી હું શ્વેત શ્વેત કૈં સ્વપ્ને લચી શકું
અહીંથી હું અંધકારની ખીણે ખરી શકું
અહીંથી હું ભવ તરી શકું – અહીંથી ડૂબી શકું
અહીંથી જવાય ક્ષણ તરફ, અહીંથી સદી તરફ
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ

અહીંથી ઉમંગ ઊડતા અવસરમાં જઈ વસું
કે કાળમીંઢ વેદનાના દરમાં જઈ વસું
અહીંથી હું કબ્રમાં કે પછી ઘરમાં જઈ વસું
અહીંથી જવાય હમણાં તરફ, અહીંથી કદી તરફ
અહીંથી જવાય રણ તરફ, અહીંથી નદી તરફ
કિસન સોસા ( 4 એપ્રિલ, 1939 born )
અમર ગઝલો
સંપાદક
ડૉ. એસ. એસ. રાહી
રાજેશ વ્યાસ મિસ્કીન

kisan

ગઝલ – લક્ષ્મી ડોબરિયા

લક્ષ્મી ડોબરિયા, ગઝલસર્જકો માં એક માનભેર લેવાતું નામ. મારે અહીં એમનો પરિચય આપવાનો ન હોય. એમની વર્ચ્યુઅલ મૈત્રીનું મારે મન અદકેરું મહત્ત્વ છે. એમની રચનાઓ માં સ્વયંસિધ્ધાની ખુમારી સાથે એક દ્રષ્ટાની દ્રઢતા છે. જીવન ની ગહન સમજણ અને ડહાપણ ના મજબૂત પાયા પર રચાયેલી ગઝલોની ભાષા સૌમ્ય છે. ગંગાસતીની જેમ વીજને ઝબકારે પરોવાયેલા મોતી છે, સૂઝ અને સમજણ ના ટાંકણે કંડારેલું જીવનશિલ્પ છે.

મારા મનગમતા અશઆરમાંથી થોડા અહીં મૂક્યા છે, ફરી ફરીને વાંચવી ગમે એવી અનેક રચનાઓ છે, જે ક્યારેક સંતવાણી લાગે તો ક્યારેક સહ્રદયી મિત્રની ગોષ્ઠિ લાગે. એમના શબ્દો પર વિચારી જોશો તો જીવનની ગૂંચોને સરળતાથી ઉકેલી નાંખતા મંત્ર અને મર્મ મળી આવશે.

પોતીકો છે અવાજ ને પોતીકું મૌન છે,
અજવાળું લૈ ઉછીનું ગુજારો નથી કર્યો.

હોવાનો અર્થ એમ જોયો મેં
ઓસ પણ આફતાબ હોઈ શકે.

આ સમયની શારડીથી,
કેટલી ક્ષણ વાંસળી થઈ.

આંસુ જો કોઈના તને ના ભીંજવી શકે,
તર્પણને માટે ઘાટનો કૈં અર્થ સરસે નહિ.
……….
આ ગઝલ એમના સંગ્રહ “તાસીર જુદી છે” માંથી લીધેલ છે.

વરસાદમાં કદાચ ન ભીંજાય શક્ય છે,
આષાઢ એની આંખમાં દેખાય શક્ય છે.

જાગી જવા ક્યાં સૂર્યનું ઊગવું જરૂરી છે?
પ્રશ્રો વડે ઉજાસ થઈ જાય, શક્ય છે.

તું તારું કદ વધારવા દોડ્યા કરે છે પણ,
અંતે તો ભીતરે તું સમેટાય, શક્ય છે.

ઓળખ મને જો મારી, મળી જાય તો પછી,
એના સુધી એ રીતથી પ્હોંચાય શક્ય છે.

ખાલીપણાંનું મૂલ્ય સવાયું કરી જવા,
ખાલીપો આ ગઝલમાં વલોવાય, શક્ય છે.
લક્ષ્મી ડોબરિયા
તાસીર જુદી છે (2015)

12670885_875540692557426_8553832505517998860_n

જે છે તે માણવાનું – ત્રિપાદ કુંડળ- જવાહર બક્ષી

જે છે તે માણવાનું
ત્રિપાદ કુંડળ- 3

જે છે તે માણવાનું
પૃથક્કરણ ન કરવું
વાદળ કે ઝાંઝવાનું.

વાદળ અજળ-સજળ છે
દળ દળ ખૂલ્યા કરે છે
આકાશ પણ કમળ છે.

આકાશ છે ભ્રમર પણ
જો સાંભળી શકો તો
ઝીણો મધુર સ્વર પણ.

ઝીણો ઉજાસ પ્રગટે
ઊઘડે સ્મરણના રંગો
ચહેરાઓ કૈંક ઊમટે.

ચહેરાનાં વાદળોમાં
જન્મોજન્મનો ફેરો
બસ એક-બે પળોમાં

બસ એક-બે પળોમાં
ખોઈ દીધો મને પણ
તારી જ અટકળોમાં.

તારી ઉપસ્થિતિ પણ
આ સત્ય છે કે મૃગજળ
શ્રધ્ધા છે ને ભીતિ પણ.

શ્રધ્ધાના છાંયડાનું
સુખ એ કે બેસવાનું
જે છે તે માણવાનું.
જવાહર બક્ષી

River-HD-Wallpapers-8

ગઝલ – ચિનુ મોદી ‘ઈર્શાદ’

ક્ષર દેહ છોડી અ-ક્ષર દેહસ્વરુપ થયેલા હ્રદયસ્થ શ્રી ચિનુ મોદીને
હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલિ!🌸

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.

કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

જેમ જળમાં અન્નનો દાણો ફૂલે,
વૃત્તિનું આવું હતું વૃત્તાંત, હોં.

માપસરની વેદના ખપતી નથી,
એ વધે અનહદ તો છે વેદાંત, હોં.

કેટલાં કીધાં જતન ‘ઈર્શાદ’ તેં ?
છેક છેલ્લે તોય છે, દેહાંત, હોં.

– ચિનુ મોદી ( 1939-2017)

Gujarati_author_Chinu_Modi

વૃક્ષ અને કવિતા

વૃક્ષ અને કવિતા

આ એક વૃક્ષ ઊભું છે:
હવા ગાય છે શબ્દહીન ગીતો
તેની ડાળીઓમાં.

હું જાણું છું
કે ઝાડની નિયતિ કાગળ બનવામાં છે:
એક કાગળ શબ્દનો પિપાસુ
હું જાણું છું
એક શબ્દ કાગળ પર અંકિત થવા તલસે છે
એક શબ્દ કાવ્ય-ગીત બનવા માટે બેચેન
હું જાણું છું
એક એક અલિખિત કવિતા પોતાના પ્રથમ
શબ્દ માટે તરસી છે
એક કવિતા પોતાના કવિની શોધમાં
પરંતુ હું એ પણ જાણું છું
કે કવિ ઉદાસ બને છે
જ્યારે કાગળ બનાવવા માટે
વૃક્ષને તોડી પાડવામાં આવે છે.
મારિઆ વિન ( સ્વિડન )
અનુવાદ કૃષ્ણવદન જેટલી

સૉનેટ આપું

સૉનેટ આપું

તું મને આપે ન આપે હું તને સૉનેટ આપું,
ચૌદ પંક્તિના પિંડમાં બ્રહ્માંડની હું ભેટ આપું.

બરફના ચોસલા જેવા શબ્દો ગોઠવાયા છંદમાં
ફૂલનો આકાર કદીયે હોય નહીં સુગંધમાં.
સૉનેટની સરહદમાં રહીને અનહદની હું તો મ્હેક આપું,
ચૌદ પંક્તિના પિંડમાં બ્રહ્માંડની હું ભેટ આપું.

ઊગતા સૂરજ સમો પ્રારંભ કેવો ઊઘડે
છંદના પંખી ઊડે છે ગીતના આ મુખડે.
પીંજરું તોડી દઈ આકાશનો હું બેટ આપું,
ચૌદ પંક્તિના પિંડમાં બ્રહ્માંડની હું ભેટ આપું.

કોઈ વળાંકે આવીને ઊભી રહી છે ચોટ આ
ને ધ્વનિના ચિત્રને ગુંજી રહ્યા છે હોઠ આ.
તું મને આપે ન આપે હું તને સૉનેટ આપું,
ચૌદ પંક્તિના પિંડમાં બ્રહ્માંડની હું ભેટ આપું.

– . – . – . – . –

pannanaik_profile2

ખૂબ સાચવ્યું
તોય પગલું પડ્યું
પરપોટામાં.
– પન્ના નાયક

આભાર હોય છે – મરીઝ

આભાર હોય છે

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું!
તારો જે દૂર દૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દીવાનગી ઉપર,
દુનિયાના લોક કેવા મિલનસાર હોય છે.

દાવો અલગ છે પ્રેમનો, દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેનો અધિકાર હોય છે.

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈવાર હોય છે.

હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી,
આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.

નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નહીં શકે,
તારા ભણી જે મમતા લગાતાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

નાદાન એને કોઈના પગરવ ન માનજે,
કે કાનમાં અમસ્તાય ભણકાર હોય છે.

દીવાનગીથી કંઈક વધુ છે સમજનું દુઃખ,
રાહત છે કે સમજ ન લગાતાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી મરીઝ
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

મરીઝ ( આગમન )

mareez