રસમગ્ન થઈ જવા દે! રમમાણ થઈ જવા દે!
કાં પંડ્યને હવે તું નિષ્પ્રાણ થઈ જવા દે!

રગરગમાં છોળ જેની ઉછળ્યા કરે નિરંતર,
રસના ઉપર તું એવી રસલ્હાણ થઈ જવા દે!

આ જગ વિશે મને તું ઓળખ કરાવ કાં તો,
મારી જ જાતથી તું અણજાણ થઈ જવા દે!

આવી મળે ખલકનો જ્યાંથી ખરો ખજાનો,
એવી અખૂટ કોઈ બસ ખાણ થઈ જવા દે!

આખર વિશે કશીયે ચિંતા કર્યા વગર તું,
માંડી દે ડગલું ને બસ મંડાણ થઈ જવા દે !
~ હર્ષદ સોલંકી