ચૂપ રહીને જોયા કરીએ સાવ અજાણ્યું અંત વગરનું ભર્યું-ભાદર્યું રણ માણસનું.
હોઠ બળે તો બળવા દઈએ, મૌજ વગરનું મોજું થઈએ, તણખો થઈએ, સળગી જઈએ.

                      *                      

છીછરા દરિયા, ચોરસ પાણી કાંઠા તોડી વહો રાયજી,
છપ્પન શ્વાસો તરતા મૂકી પરપોટામાં રહો રાયજી.

                *               

લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે,
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે.

             *          

શીદ એકલતા સંધાય કલમના બખીએ રે?
કૈં લખવા જેવું હોય તો કાગળ લખીએ રે!

             *           

ડૂબતા સૂરજની જેમ હવે દિવસો આથમતા,
અમે ફૂંકમાં દીધી ઉરાડી શ્વાસોની લગભગતા,
કરી નેજવું પોતાના પડછાયાને ઓળખીએ રે...

             *             

ઘર આખું ચલ્લીની ચીં... ચીં...થી છે વિહવળ,
પગરવના સરનામે લખતો પગરવ કાગળ,
છાતીને પાદર ઘૂઘરિયાળો કોઈ માફો,
એકલતા પડછાયાને બાંધે છે સાફો.

        *                

સૂના ઘરમાં ખાલી ખાલી માઢ- મેડિયું ફરશે;
તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે...

             *              

લોહીનો ધસમસતો રથ છે ઘૂઘરિયાળો કે સામળેક મોરચા!
બેઠું છે ભીતરમાં જાણે કોઈ નફકરું હાં રે હાં ભાઈ!

               *               

આ પ્રતિબિંબિત ગગનમાં પાદચિહ્નો તરવરે,
જળ પર ભીની સમયલિપિ લખાતી જાય છે.

             *             

એક ચકલી ચાંચમાં આકાશ લઈ ઊડી ગઈ,
ફર્શ પર એકાંતની જાજમ બિછાતી જાય છે.

            *           

સાંજ માટી માટી થઈ મહેકી ઊઠે એવી ક્ષણે,
બ્રહ્મ બ્રહ્માંડોના દરવાજા ઊઘડતા હોય છે.

            *           

જન્મ પૃથ્વી, મધ્ય પૃથ્વી અંત પૃથ્વી પૃથ્વી હે!
એક પથ્થર ને સિસિફસ કૈં નથી બીજું નવું. 

*
ઘેઘૂર સાંજે દિવસ ખરે ને છાતી પર આકાશનાં સૂકાં પાનનો ઢગલો;
ડૂબ્યાં સૂરજનાં અજવાળાં સૌ એક હાથ છેટે અંતરથી પાછાં આવે પાછા જાય...

*

એક મોજું પરિચયનું આવ્યું અને સ્હેજ ભીંજવી ગયું
મેં કુંવારા શબ્દ એકલતાના પડિયામાં વહાવ્યા.

*

હું નદીમય બની દૂર વહી જાઉં છું એક ક્ષણમાં અને
શબ્દમાંથી મંત્રમાંથી છંદમાંથી હું ઢળું છું.

*

ગઝલ વહેતી મૂકી લોહીની વચ્ચે શબ્દ સંગાથે;
દટાયો ધુંધળા સ્મરણે અને ઘર કૈં નહીં બોલ્યું.

~ નયન દેસાઈ ( 'નયનનાં મોતી' માંથી )