હા, એકાંત કણસે છે છાતીમાં ઊંડે,
આ હોઠો આ હસવું ને મૂંગો બરાડો.

નયમ દેસાઈને વાંચું છું ને ર.પા. નું સ્મરણ થયા કરે છે. એ જ ઊર્જા, એ જ  ' expect the unexpected ' શબ્દ ગૂંથણી, વિષય વૈવિધ્ય,... એક જાતનો ગીરાનો ધોધ! એમની અનેક રચનાઓમાંથી એકનું ચયન કરવું, અઘરું જ નહીં, અસંભવ છે.

અમે નયનભાઈ ફાટી ગયેલા પાના પરનું સાંધણ જો ને;
હવે આંખ પર નીંદરને બદલે સળગાવ્યો લાવા જોને!
                                    ...

-નહીં મળે આ સાંજ સવારોની બીમારીનું ઑસડિયું, 

                                  ...
બખ્તરના લીરેલીરા થૈ ગયા, ઢાલ ફાટીને ને ભાલાની તૂટી અણી;
પોતાની સાથે જ લડવામાં ડૂબ્યા કૈં લોહીમાં ઘૂંટણ સમાણા અમે.
............................................................................................

માણસ, ઉર્ફ રેતી, ઉર્ફ દરિયો, ઉર્ફ ડૂબી જવાની ઘટના ઉર્ફ
ઘટના એટલે લોહી એટલે વહેવું એટલે ખૂટી જવાની ઘટના ઉર્ફ...

ખુલ્લી બારી જેવી આંખોને આંખોમાં દિવસો ઊગે ને આથમતા
દિવસો મતલબ વેઢા, મતલબ પંખી, મતલબ ઊડી જવાની ઘટના ઉર્ફ...

વજ્જરની છાતીના પીગળે આંસુ જેવું પાંપણને કૈં અડકે તો પણ
આંસુ, એમાં શૈશવ, એમાં કૂવો, એમાં કૂદી જવાની ઘટના ઉર્ફ...

પગમાંથી પગલું ફૂટેને પગલામાંથી રસ્તાના કૈં રસ્તા ફૂટે,
રસ્તા અથવા પૂલો અથવા પથ્થર અથવા ઊગી જવાની ઘટના ઉર્ફ...

ચાલો સૌ આ સંબંધોની વણજારોને બીજે રસ્તે વાળી દઈએ,
સંબંધો શમણાંના ઝુમ્મર, ઝુમ્મર યાને ફૂટી જવાની ઘટના ઉર્ફ...

છાતીમાં સૂરજ ઊગ્યાનો દવ સળગે ને સૂરજ તો એક પીળું ગૂમડું,
ગૂમડું પાકે, છાતી પાકે, મહેફિલમાંથી ઊઠી જવાની ઘટના ઉર્ફ...

મૂઠી ભરીને પડછાયાનાં ગામ વસેલાંને પડછાયા હાલે ચાલે
પડછાયા તો જાણે ચહેરા, ચહેરા જાણે ભૂલી જવાની ઘટના ઉર્ફ...
 નયન દેસાઈ

2 thoughts on “માણસ ઉર્ફ : નયન દેસાઈ

Comments are closed.