
સૌ પ્રથમ હરીશ મીનાશ્રુના વિશ્વ કવિતાના અનુવાદનું પુસ્તક ‘દેશાટન’ વાંચવાનું થયું અને એ પુસ્તકમાં એઓશ્રીએ કરેલા ઓછા જાણિતા, દુનિયાના ખૂણે, ખૂણેથી શોધેલા કવિઓના કવનનું વાંચન મનને અહોભાવથી ભરી ગયું અને દ્રષ્ટિ સમક્ષ એક વિશાળ દુનિયા ઉઘડી ગઈ.
એમના પુસ્તક ‘શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’માં ટૂંકી બહેરની, ઊંડાણથી ભરેલી ઘણી રચનાઓ છે. એમનું પુસ્તક ‘બનારસ ડાયરી’ પણ ત્રિકાળને સાંકળીને સનાતન પ્રશ્નો આજના સંદર્ભમાં રજૂ કરે છે. એમની રચનાઓના ભાવક બનવું પૂરતું નથી, એને માટે અભ્યાસુ હોવું, ઊંડાણમાં ઊતરવા તૈયાર હોવું અનિવાર્ય છે.
કવિની રચનાઓમાં ગહનને, એ અગમ્યને પામવાની મથામણ અને શબ્દોનું એમાં ઊણાં ઊતરવું વારંવાર આવે છે. આ રચનામાં પણ એ ભાવ તો છે જ, પણ ટૂંકી બહેરમાં કવિએ જે સિધ્ધ કર્યું છે એ અદ્ભુત છે, આપણને નતમસ્તક કરી મૂકે છે. અહીં જીવનરૂપી શોધ યાત્રાનું મંથન વ્યક્ત થયું છે અને આ શોધ કેવી છે? જેનો કોઈ ઈશારો નથી મળતો કે કઇ દિશામાં પ્રયાણ કરવું? હજુ કેટલું દૂર છે? એનો કોઈ અણસાર મળતો નથી. અને શોધના માર્ગમાં મૃગજળ, ઝાંઝવા મળે છે, માત્ર છળ, જેનું હકીકતમાં અસ્તિત્વ જ નથી એવું જ સામે આવે છે.
“અવળમુખે…” વાળી પંક્તિ મને એ રીતે સમજાય છે કે સૃષ્ટિના ઉદગમ કાળથી ઉત્ક્રાંતિની સાથે સાથે એક એક કરીને જે ભગવાનના દશાવતાર આવ્યા તે હવે કવિથી મુખ ફેરવીને સર્વત્ર વ્યાપી ગયા છે. એ પરમ તત્ત્વ ના હોય એવી કોઈ જગ્યા છે? તો પછી એને શોધવું શી રીતે? જળથળમાં ઝળકનાર એ તત્ત્વને શોધવું વધારે દુર્લભ થઈ ગયું છે.
પછીની પંક્તિઓમાં ભાષાની અધૂરપ ‘વજન વિનાની ભાષા’ અને ‘શું શાં પૈસા ચાર’થી દર્શાવ્યું છે. વિચારોની ઉગ્રતામાં, ગરમીમાં, વાણી વરાળ થઈ જાય છે, વાણીમાં વ્યક્ત કરવું દુષ્કર થઈ પડે છે.
પછીની પંક્તિઓમાં મારી અલ્પ સમજ પ્રમાણે એવું લાગે છે કે કવિનું જીવન તો ખૂલ્લી કિતાબ જેવું છે, transparent છે અથવા વિચારોના આદાન-પ્રદાન માટે કોઈ અંતરાયરૂપ દિવાલો નથી પણ એ પૂર્વજોના જ્ઞાનના વારસાનો ભાર કેવી રીતે ઊઠાવી શકે?
‘ચણીબોર’ એટલે ‘desires’ ‘તૃષ્ણાઓ’, રાતીચટ, આકર્ષક, લલચાવનારી પણ ચાખો તો…અંગારની જેમ દઝાડે તેવી. ક્યારેય કોઈની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી અને એ અધૂરી ઈચ્છાઓ, તૃષ્ણાઓ માનવીને જીવનભર દઝાડે છે. અને આ જીવન કેવું છે, સાવ ટૂંકું એમાં ‘રાત થોડી ને વેશ ઝાઝા’ની જેમ પાર વિનાના પાત્રો ભજવવાના અને એમાં કેટલાંક તો ભજવવા પણ અઘરાં, કેવી વિટંબણા. આ સંસારને સાધકોએ સપનું કહ્યો છે પણ કવિ એ વાત જરા જુદી રીતે મૂકીને ચમત્કૃતિ સાધે છે. એમણે સપનું જાણીને જ પકડ્યો હતો પણ ગૃહસ્થ જીવન જીવતા પ્રત્યેક મનુષ્યને એક વાર તો સમજાય જ છે કે આપણે સંસારના બંદી બની જઈએ છીએ, ‘બાવાજીની લંગોટી’ની જેમ. પછી એ સપનું ન રહેતાં ન ત્યજી શકાય, ન છૂટી શકાય એવી ભીંસ બની જાય છે. એથી કવિને આસપાસ હઠીલી દુનિયાની ભીડ અકળાવે છે. એવી ભીડ ભરેલી દુનિયાની વચ્ચે ભીતરનો ખાલીપો અસહ્ય થઈ જાય છે. અને છેલ્લી બે લીટીમાં શબદનો મહીમા છે. ‘રામબાણ વાગ્યાં હોય એ જાણે’ એમ શબદ ભલે નાનો હોય પણ એક વાર એનો મર્મ હ્રદયમાં ચટક્યો પછી આખું અસ્તિત્વ એમાં વિલીન થઈ જાય છે. અસ્તુ. ~ નેહલ
image source: opinion magazine