જિંદગીના સરિયામ રસ્તાના માર્ગ

જિંદગીના સરિયામ રસ્તાના માર્ગ જ્યારે ફંટાયા
એક હતો સપાટ હરિયાળો રસ્તો તળેટીનો
એક વાંકોચૂંકો રસ્તો પહાડીનો
જેના શિખરે પહોંચી આકાશે હાથ દેવાય

કેટલાએ લીધો રસ્તો હરિયાળીનો
મારા જેવાએ લીધો રસ્તો વળાંકોનો
કોઈએ રોક્યો, કોઈએ ટોક્યો આ તારો માર્ગ નથી
આકાશે હાથ દેવાનું તારું ગજું નથી

સૂર્યના કિરણોથી શિખર ઝળાંહળાં હતું
નભ ઝૂકી ઝૂકી શિખરો સાથે વાત કરતું
ત્યારે મન કેવું આતુર હતું એ વાત સાંભળવા
દિલની બે ચાર વાતો આકાશને કહેવા

ટોચે ગરૂડ પાંખો ફેલાવી આકાશને આંબી રહ્યું
કેવી ઊંચી નજર હતી, કેવું સૌંદર્યસભર દ્રશ્ય હતું
પછી કેમ કરી મન મારું ઝાલ્યું રહે
કેમ કરી કોઈની વાત કાને ધરે

અરે આ કેવા કપરા ચઢાણ આવ્યા
ન શિખરે પહોંચાયું, ન આકાશે હાથ દેવાયા
છતાં સર્વત્ર હવામાં પડઘા લહેરાયા
આ જ તારો સાચો માર્ગ છે એ શબ્દ ફેલાયા
~ ફેહમીદા પાચા (જૂન ૧૯૯૨)
('સો કવિતાનું સરવૈયું': ફેહમીદા પાચા માંથી)


ફેહમીદા પાચાનો જન્મ કપડવંજ, ગુજરાતમાં થયો હતો પરંતુ એમનું આખું જીવન મુંબઈમાં વીત્યું. નાનપણથી ઇંગ્લિશ અને ગુજરાતી સાહિત્યના એ તીવ્ર વાચક હતા અને એમના આ શોખને લીધે પાછલી જિંદગીમાં, એટલે કે લગભગ ૬૦ વર્ષની ઉંમરે, એમણે કલમ ઉપાડી અને કાવ્યો લખાતા ગયા. જે જીવ્યાં અને જે જોયું એ એમના કાવ્યોમાં શબ્દોના સ્વરૂપે ઊતરતું ગયું. પરંતુ એમને જીવન પર્યંત પોતાના કાવ્યો ઉત્તમ છે એનો વિશ્વાસ ન બેઠો એટલે એમણે કોઈ પણ પ્રકાશનને બતાવવાની હિંમત જ ન કરી. 
   આ પુસ્તક એમની પુત્રીએ એમને આપેલી સુંદર અંજલિ છે.
સૌજન્ય : મીના છેડા