ગઝલ લખતાં તો હમણાં થોડા મહીનાથી જ થઈ છું, પણ એકલવ્યની જેમ જાતે શીખવાના, પુસ્તકો વાંચીને શીખવાના ત્રણ-ચાર વર્ષોથી પ્રયત્નો ચાલુ હતા. એક રચના, જે ગઝલ નથી જ, પણ ગઝલ સ્વરૂપે લખવાની બહુ જ ઈચ્છા હતી, એ ઈચ્છા આજે ચાર વર્ષે પૂરી કરવા સક્ષમ થઈ છું અને એનો આનંદ આપ સૌ સાથે વહેંચી રહી છું. જૂની પોસ્ટની Link અહીં મૂકી છે.

અમે – નેહલ

… …. …. ….

દીવો કર્યો જરા અને ઝળકી ગયા અમે
ઘર દ્વાર થઈને સાંકળ લટકી ગયા અમે 

અઢળક હતા આ શ્વાસ છતાં ખૂટવું પડ્યું
ફરતો રહ્યો સમય અને અટકી ગયા અમે 

સ્પર્ધા હતી નહીં તે છતાં હારવું પડ્યું
નકશાઓ હાથમાં હતા ભટકી ગયા અમે 

વહેતી રહી નદી ને  નસોમાં તરસ રહી
ઘેરાયા મેઘ આંખમાં ટપકી ગયા અમે 

પાસા પડ્યા સીધા તે છતાં દાવ ના ફળ્યો
પોતાની જીતથી ખુદ હબકી ગયા અમે 

લીલી વસંતોમાં અહીં તો પાનખર મળી
જો કાળને ફલક યદિ ઝબકી ગયા અમે 

~ નેહલ