એક એક શ્વાસને ઊગી ગઈ ઝંખના કે
થઈ જઈએ આજ ગલગોટો

ટેરવામાં રેલાતું ગીત મને આપો
તો ભીનુંછમ નભ મારું ઢોળું

       *  *  *
હદ છે આ

હદ છે આ તૃણની લીલાશને
કે ઝાકળમાં ઝીલે છે તરતા આકાશને

ફોરમતા ફૂલની છાયામાં રજરજ
ફોરમ થઈથઈને ફોરે
વનનો ચળકાટ જોઈ, ધૂળિયા આ ગામનો
રસ્તોયે મન જેમ મ્હોરે
બાવરી નજર ત્યારે લઈ જાતી ક્યાંય રે
આંગળીએ ઝાલી આભાસને.

દૂરના ઓ... પ્હાડથી
વ્હેતી હરિયાળીની માયા ફરકે છે આ ભીંતે
મંજરીની જેમ આજ
અજંપો મ્હોરીને મ્હેકી રહે છે મારા ગીતે
તારાં સંભારણાંની ફૂલની પથારીએ
લોટવાની ઝંખના રે શ્વાસને.
~ મનોજ ખંડેરિયા (સમગ્ર કવિતા)

2 thoughts on “ગીત : મનોજ ખંડેરિયા

Comments are closed.