કિચુડ કિચુડ
કિચુડ કિચુડ બોલે કપાટ, અંદર ને બાર કશો મનનાં મિજાગરાંને વળગ્યો છે વીત્યાનો કાટ. ચકચકતા આયના ને બારી ને બારણાં ને આંખોના કાચ બધા આંધળા, ઠેશ પછી ઠેશ હળુ શ્વાસ પછી શ્વાસના ઝૂલે અવાજ, બધા પાંગળા. ઓળંગે કોણ હવે ઉંબર કે આંગણ કે ડેલીના દખણાદા ઘાટ? કિચુડ કિચુડ બોલે કપાટ. આસપાસ ગાઉ ગાઉ પથરાયું ઘેરીને આખાયે આયખાનું એકલું આકાશ, મીંચાયાં નેણ પછી દૂર દૂર હેરીને ખાલી ખંડેરોમાં ખડખડતો શ્વાસ. આવવાનું કોણ અહીં ઉજ્જડ મકાન, ગામ, શેરી, હિરદય ને હાટ! કિચુડ કિચુડ બોલે કપાટ. ~ રાજેન્દ્ર શુક્લ (કોમલ રિષભ)