ઉદ્ગારથી અસર સુધીના વિસ્તરણ વિના,
કેવી રીતે ગઝલ કહું, વાતાવરણ વિના?

કેવાં મજાનાં જિંદગીનાં આભરણ હતાં!
કેવી મજાની જિંદગી છે, આભરણ વિના!

નજરો ચુકાવી બાળકી, આ જાય, ઓલી જાય...
નાચી રહી છે ઝાંઝરી, જાણે ચરણ વિના!

ઓચિંતો મધ્યરાત્રિએ ટહુકો થયો કશે,
બીજું તો કોણ હોય આ ટાણે, સ્મરણ વિના?

ચિહ્નો કોઈ વિરામનાં એમાં મળ્યાં નહીં
કોણે લખી આ જિંદગીને વ્યાકરણ વિના

~ ઉદયન ઠક્કર ('ચૂંટેલાં કાવ્યો'માં થી)