પચાસમા વર્ષની પહેલી સવારે

સાંજુકી વેળાએ ઊઘલે બજાર, લોક ઘરભેળા થાય પરભારા
રે બાઈ... તું પાથરતી જાય કાં પથારા!

એક તો ઉછીનું પાથરણું તારું ને માથે ઉછીનો અસબાબ
ગાંઠમાં કાણીય કોડી નથી ને તોય શેનો છે આટલો રુઆબ!
નક્કામી ચીજોના વેપલા કરવાના શીદને જાગ્યા છે ધખારા!
રે બાઈ... તું પાથરતી જાય કાં પથારા!

કાટી ગ્યાં અણિયાળાં ખંજર-કટારી ને બુઠ્ઠાં થ્યાં ભાલા-તલવાર
બાર-બાર વર્ષોથી ઝાડવે ટાંગેલાં કામ નહીં આવે હથિયાર
બોદાં રે બોલશે પાણીમાં બેઠેલાં રણશિંગા-ઢોલક-નગારાં
રે બાઈ... તું પાથરતી જાય કાં પથારા!

ઠાકરની દીધેલી બે ખોબા માટીમાં ખંતેથી કીધેલી ખેડ
પાણીડાં સીંચ્યાં ને નિંદામણ કાઢ્યાં તો મોલ થયો રાજીનો રેડ
આથમણી કોરના ઝાંખા અજવાસમાં ખેતર મારે છે ઝગારા
રે બાઈ... તું પાથરતી જાય કાં પથારા!
~ પારુલ ખખ્ખર