શું સમજાવું : સંજુ વાળા

બહુ બહુ તો એક કરું ઇશારો બીજું તો હું શું સમજાવું?
બની રહે જે ધોરણ-ધારો બીજું તો હું શું સમજાવું?

હું વણજારો - તું વણજારો બીજું તો હું શું સમજાવું?
વણજ વિના નહીં આરો-વારો બીજું તો હું શું સમજાવું?

ઘૂમરાતું ચગડોળ જગત આ તું 'ને હું સરખા સહેલાણી
ચડ-ઊતર છે નિયમ નઠારો બીજું તો હું શું સમજાવું?

પોત હશે પાણીનું તારું તો જ શક્યતા બરફ થવાની
નાહક ના વેડફ જન્મારો બીજું તો હું શું સમજાવું?

શબદબીજને શબદનું સિંચન શબદ નીપજ'ને સાળ શબદની
શબદ રંગ'ને ખુદ રંગારો બીજું તો હું શું સમજાવું?

ચતુર્મુખ ત્રિગુણા ભગવતી હે ભાષા! તું ભેરે રહેજે
ભીડ પડ્યે સાચો સધિયારો બીજું તો હું શું સમજાવું?

ઈચ્છાઓ આડી ઊભી છે વળગણથી બોઝિલ છે પાંખો
એમ નહીં સીઝે સંથારો બીજું તો હું શું સમજાવું?

 ~ સંજુ વાળા ('નવનીત સમર્પણ'માંથી) 

Image source : inditerrain India art and design