જેટલું ભીતરથી ખાલી થાય છે
એટલું ઊંડાણ વધતું જાય છે!
...
આ સૂમસામ રસ્તા ને ભેંકાર ગલીઓ,
નગરને શું મારી ઉદાસી અડી છે?
...
એવા સમયની રાહમાં વિતે છે હર ઘડી,
ચાહું તને છતાં ન રહે તારી ઝંખના.
...
તમે મૌનનો મહિમા જાજો ગણો, પણ
આ સંવાદ સગપણની પોષણકડી છે.
...
ગોરી! તારી આંખો છે
કે છે પાંપણનું પનઘટ!
...
સૌને આખર ભીંજવશે,
સૌના કર્મોની વાછટ !
...
કહેશો ફકત જો સત્ય તો આંખે ચડી જશો
દુનિયાના લોક ઝંખે છે મિશ્રિત બયાનને.
...
ફરી એક જૂની વસાહત મળી છે
ફરી થોડાં ઇચ્છાના કંકાલ જડશે.
...
સહેલો ક્યાં છે સતરંગી દુનિયાનો ત્યાગ ?
કંઈક તો આકર્ષણ હોવાનું ભગવામાં.
...
લોકો વચ્ચે જલદી વહેતાં કરવા’તા,
તેથી સત્યો ફરતાં કીધાં અફવામાં.
...
ઇચ્છાઓએ માળો બાંધ્યો
તસ્બીહના બે પારા વચ્ચે!
...
જે રીતે ઘેરે તણખલાને અગન
એ રીતે ઘેરી રહી છે વાહ-વા!
...
પ્રેમમાં ઊંડા ઊતરો પછી ભય રહે
હો ગળાડૂબ ને શ્વાસ રૂંધાય તો?!
...
વાત સુધરી શકે, વાત જો થાય તો,
આટલી વાત બંનેને સમજાય તો!
...
પ્રતીક્ષામાં તારી થયા કાન આંખો
સતત લાગતું કે કમાડે છે કોઈ !
...
પરણાવી દેવી છે ઝટ
સમજણ થઈ ગઈ છે પાકટ !
...
પ્યાસ આપી અફાટ પરમેશ્વર,
દઈને તૂટેલી માટ પરમેશ્વર !
...
ઈશ્વર કશેય હો તો પુરાવો દે અબઘડી,
ધારીને કેટલો હું ટકાવું ઈમાનને ?
...
રામ-રહીમ કે ઈશુ-નાનક
એક જ રસ્તે walk કરે છે.
...
સમભાવે વહેંચી લીધાં છે સુખ-દુ઼ઃખના પોટલાં
જાણ્યું છે જ્યારથી અહીં મારું કશું નથી.
...
હું રંગમંચ આખું સાથે લઈ ફરું છું
કારણ કે હર ઘડી જગ નવલું જ પાત્ર માંગે.
...
શોધી રહી છું ખુદને હું પણ યુગો-યુગોથી
મારા સુધી મને તું લાવી શકે તો જલસો.
...
એ પછી મારે કશું કહેવાપણું રહેશે નહીં
અર્થ તું ચૂકી જશે તો મૌન ગાઈ લઈશ હું.
...
ચાહ્યું'તું કે કોઈ તાગે આંખના ઊંડાણ પણ
દોસ્ત છબછબીયા બધાંના રહી ગયા કાજળ સુધી.
...
મંઝિલ નહીં મળ્યાનો કોઈ રંજ ક્યાં રહ્યો?
ઈચ્છ્યું હતું એ પામી લીધું મેં પડાવમાં.
...
પોતીકું તેજ લઈને સતત ઝળહળ્યા કરો
સામે ભલે હો સૂર્ય ના આવો પ્રભાવમાં.
...
એના વિના કલમથી કશું ક્યાં ઝરી શકે?
સ્મરણો છે ધારદાર ઝખમ જોરદાર છે.
...
ઘડી બે ઘડીમાં ફરી જશે પાનું,
હો સુખ કે હો દુઃખ, બસ ઘડી બે ઘડી છે.
...
બાકી બધી પીડાઓ પછી જર્જરિત થશે,
ભેટી જશે અગર કોઈ અલગારી ઝંખના!
...
રણઝણ થયા કરે છે
ભીતર રબાબ જાણે!
...
અંધારના સફરમાં ઉદ્દીપ્ત જે રહી, એ
આકંઠ એષણાનો સરવાળો માંડવો છે.
~શબનમ ખોજા
Like this:
Like Loading...
Related
Published by
Nehal
I usually write in my mother tongue Gujarati and sometimes in Hindi and English.
Nehal’s world is at the crossroads of my inner and outer worlds, hope you like the journey…
View all posts by Nehal