ગઝલ : હર્ષવી પટેલ

ઘર વિશે  વાત કરો બહાર વિશે વાત કરો 
સાંકળે  બેઉને  એ  દ્વાર  વિશે  વાત કરો

યુગ વિશે છોડોને! પળવાર વિશે વાત કરો 
રોકી  લો કાળને, અત્યાર  વિશે  વાત કરો

ન કહો પહોંચી ગયાબાદ, છે મંઝિલ કેવી?
પણ સફરના સહુ પડકાર  વિશે વાત કરો 

તો કહો- ગીત વિશે, પ્રીત વિશે, મિત વિશે 
હરવખત આમ શું ચકચાર વિશે વાત કરો! 

તારી-મારી જો  કરી એમાં સમજદારી શી?
જો કરો આખા આ સંસાર વિશે વાત કરો!

સૂર્યની માત્ર કથા કરશો તો રાત જ રહેશે
શોધ  છે તેજની? અંધાર  વિશે  વાત કરો

જે પરોવ્યાં છે તમે મોતી એ  રાખોને  તમે
પણ  મને  વીજના ચમકાર વિશે વાત કરો

~હર્ષવી પટેલ

2 thoughts on “ગઝલ : હર્ષવી પટેલ

Comments are closed.