…
બનારસ ડાયરી ૪
એ દિવસે મારો જનમ દિન હતો એટલે મારા ચહેરા પર વિષાદની વ્યંજનામાં પરિપક્વ બનેલો આનંદ હતો મને એટલી તો ખબર હતી કે એમનું જનમવર્ષ ઈસવી સન તેરસો નવ્વાણુ એટલે સમજો ને, લગભગ છસો પ્રકાશવર્ષનું અંતર કાપીને કબીર ખાસ મને વધામણી ખાવા આવ્યા. આ જાણીને હું તો ઠીક, યાયાવર પક્ષીઓ પણ અચંબામાં પડી ગયાં. મેં બધી જ તૈયારી કરી રાખેલી મીણબત્તી, કેક ને મૅલડી મ્યુઝિકની એમનાં સાખી, શબદ ને કવિત્ત વાંચેલા એટલે આછી આછી ઘંટડીઓ રણઝણતી રહે તો એમને ગમશે એ મને ખબર હતી વળી હવામાં દોલાયમાન હતું ગંધર્વગાન સુકુમાર, સુંદર સુરાવલી... મેં કેક પર મીણબત્તી મૂકી, સળગાવી ને ફૂંક મારી હોલવી નાખી. ચાકુથી કેક કાપી, તાળીઓ પણ મેં જ પાડી. હરખના માર્યા મેં કબીરની સામું જોયું તો એમના ચહેરા પર આનંદની વ્યંજનામાં પરિપક્વ બનેલો વિષાદ હતો : તું તો તિમિરની ભલામણ કરે છે, ક્ષુધા અને આયુષનો સરવાળો કરે છે ને કાપાકાપી અને ઓગળવાનો અર્થ રચે છે. હજી મરઘી ને ઈંડાની પ્રહેલિકા તો પૂરેપૂરી ઊકલતી નથી ને આમ મોટે ઉપાડે ઉજવણી કરવા મંડી પડ્યો, જનમદિનની ? હોલવાવું કપાવું ને ખવાવું - એ બધું તારી જાતને લાગુ પાડે તો ખરો. હું ભોંઠો પડી ગયો : તો આટલું લાંબુ અંતર કાપીને શા કારણે આવેલા, સાહેબ, ખાસ મારા જનમ દિને...? તારી દૂંટીની નાળ કાપવા : કબીરે કહ્યું : ગળથૂથી ચટાડવા ને સત્વરે શ્રીફળ બાંધવા, બાલાવરની પાલખીએ. જો આ દોણી, આજે તારાથી કરવાની છે બોણી. એ ક્ષણે મેં જોયું તો છસો પ્રકાશવર્ષો મારા પગના અંગૂઠેથી ઉપર ચઢી રહ્યાં હતાં ને પગનાં હાડકામાં કબરની સનાતન ગંધ બેસી ગઈ'તી ને હું બની ગયો હતો યાયાવરીની વ્યંજનામાં પરિપક્વ વિષાદ અને આનંદની આંખોવાળો એકાકી માણસ. ને સ્થળમાત્ર હવે બનારસ. ~હરીશ મીનાશ્રુ (બનારસ ડાયરી 2016)
image source : pixels.com [ painting by Mrutyunjaya Dash ‘Dusky at Banaras’ ]