અન્ય અંધારાં પણ જીવનમાં છે એક કેવળ વિરહની રાત નથી, મારું સારું બધું સહજ છે 'મરીઝ', મેળવેલી આ લાયકાત નથી. . હું જોઉં મને એ રીતે જોવાને આવી જા, તારા નહીં મારા બધા પડદા હટાવી જા. . આ એક ગુણ ખુદાનો અમારા જીવનમાં છે, વર્તન નથી સમાન અમારું બધાની સાથ. . થઈને હતાશ જોયું જો ઉપર અમે 'મરીઝ', ત્યારે ખબર પડી કે ગગન પણ ઉદાસ છે. . લાગે છે તેથી ભાર ને ધીમો પ્રવાસ છે, ઓ જિંદગાની તારા હજારો વિબાસ છે. . કંઈ પણ નથી લખાણ છતાં ભૂલ નીકળી, કેવી વિચિત્ર પ્રેમની કોરી કિતાબ છે. . તુજને ખબર ક્યાં તેજની વધઘટની વેદના, એ આફતાબ તું તો ફક્ત આફતાબ છે. . આ નાનાં નાનાં દર્દ તો થાતાં નથી સહન, દે એક મહાન દર્દ અને પારાવાર દે. . બસ એટલી સમજ મને પરવરદિગાર દે, સુખ જ્યારે જ્યાં મળે ત્યાં બધાના વિચાર દે. . ન ધર્મભેદ છે એમાં, ન એની જાત 'મરીઝ', આ અલ્લાહ અલ્લાહ ગઝલ છે કે રામ રામ ગઝલ! . દુનિયામાં એને શોધ ઈતિહાસમાં ન જો, ફરતા રહે છે કંઈક પયગંબર કહ્યા વિના. . આમ જ નિભાવે પ્રેમને એવાય હોય છે, એવું કશું નથી કે વચન હોવું જોઈએ. . ગયો ને જાય છે દુઃખનો સમય એક જ દિલાસા પર, કે વિતેલો સમય પાછો કદી આવી નથી શક્તો. . વાતાવરણ જગતનું તો આવું નહિ હતું, જાણે કે કંઈ ખબર નથી પરવરદિગારને. . ઈજ્જત એ શું કે જેનો સ્થિતિ પર મદાર હો, દુનિયાથી પર બને તે રહે છે સ્વમાનમાં. . છે મારી મુસીબતનું 'મરીઝ' એક આ કારણ, હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે? . એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે. . અલ્લાહની સામે છે-- એ સુલેહશાંતિનો ધ્વજ, તેથી અમે કફનમાં સફેદી લઈ લીધી. . અંતિમ દર્દ હોય તો આવે છે સ્તબ્ધતા, સાચો વિરહ છે એ જે રડાવી નહીં શકે. . એનો પ્રકાશ આગ નથી તેજ છે 'મરીઝ', આશના દીપક કોઈ બુઝાવી નહીં શકે. . હ્રદય મારું વ્યાપક, નજર મારી સુંદર કલા મારી મોહક વિચારે વિચારે, નથી આભને પણ કશી જાણ એની કે મેં ચાંદ જોયા સિતારે સિતારે. . જીવન આવું ટૂંકું ને લાંબી પ્રતીક્ષા, મેં તેથી પળેપળનાં વર્ષો બનાવ્યાં. . લાયક જગાને જોઈને આંસુનું વહેણ હો, જીવન તો એ નથી કે ગમે ત્યાં વહાવી જા. . હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું - હું તેથી અનંત છું. ~મરીઝ
2 thoughts on “ચૂંટેલા શેર (2) : મરીઝ”
Comments are closed.
Really amazing to read. 👍👍
LikeLiked by 2 people
Thanks!
LikeLiked by 1 person