ખલીલ ધનતેજવીસાહેબને ભાવભીની શ્રધ્ધાંજલી
ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું, હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો.
હું ખલીલ આજે મર્યો છું એ પ્રથમ ઘટના નથી, જિંદગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.
છે ખલીલ અજવાળું શબ્દોમાં હજી પણ એ જ છે, પણ તમારી આંખે છલકાતો ઉમળકો ક્યાં ગયો?
ટેરવાં દાઝી જશે, મારામાં કંઈ ફંફોસ ના, રાખ છું પણ કેમ જાણ્યું રાખમાં તણખો નથી.
તે દિ' આખો કાફલો સાથે થયો, ચાર કાંધે લાદી અલગારી સફર.
મારું હોવું પવન ઉપર નિર્ભર, ધૂળ ને પાંદડાની ઢગલી છે.
તૂટશે મંદિર કે મસ્જિદ તો તરત ઊભાં થશે, માનવી ભાંગી પડે તો કોઈ ના બેઠો કરે!
શબ્દનો સર્જક તો હું પોતે જ છું, શબ્દમાં નિર્માણ ના કરશો મને. હું અમૂલ્ય છું ખલીલ અણમોલ છું, ભેટ છું વેચાણ ના કરશો મને.
** ** ** **
ક્યાં પવન પર સવાર થાવું છે? મારે બસ સામે પાર થાવું છે. તું જ રસ્તો ને તું જ સેતુ બન, તારા પરથી પસાર થાવું છે. તું જ આવે ને પ્રેમથી ખોલે, એ મુજબ બંધ દ્વાર થાવું છું. કોઈના કાળજા સુધી પહોંચું, એટલું ધારદાર થાવું છે. તીર મારી કમાનમાં પણ છે, તોય મારે શિકાર થાવું છે. તોડે અથવા તિરાડ પાડી દે, એ ગજાનો પ્રહાર થાવું છે. એ જ તોડે રિવાજ જ્ઞાતિનો, જેમને નાતબા'ર થાવું છે. મોતથી દૂર ગમે ત્યાં ભાગો, રૂબરૂ એક વાર થાવું છે. તું ખલીલ આંખમાં અશ્રુ સાથે, પૂછ કોને ઉદાર થાવું છે. ~ખલીલ ધનતેજવી ('સોગાત' માંથી)