આકાશની તરસ
એકવાર
મને લાગી આકાશની તરસ
હું જઈ ઊભી
આકાશની સન્મુખ
આંખોથી, શ્વાસોથી અને પછી તો
ખુલ્લા મોંથી
મેં આકાશને પીવા માંડ્યું
જેમ જેમ પીતી ગઈ
મારી તરસ વધતી જ ગઈ
આખરે
બેઉ હાથ ખુલ્લા પ્રસારી
મેં મારી સમગ્રતાથી આકાશ પીવા માંડ્યું
મારી નસે નસમાં આકાશ ઝરવા માંડ્યું,
સરવા માંડ્યું
પછી તો મારા કણે કણમાં આકાશ વ્યાપ્યું
હું હવે આકાશવત્
પારદર્શક
મારી આરપાર જોઈ
લોકો મને અવગણીને
આગળ વધી જાય
મારું સ્મિત એમનો દિવસ
થોડો વધુ ઊજળો કરે
અને મારાં આંસુ,
કદાચ હવામાં થોડી
ભીનાશ ઊમેરે એટલું જ.
પણ
હું હવે કોઈ નથી,
કાંઈ નથી.
આવા પારદર્શી અસ્તિત્વને
મેં કાળની નદીમાં તરતું મૂક્યું
તરતા દીવાની જેમ જ તો!
પણ
પારદર્શીને અંધારું શું અને અજવાળું શું?
હવે તો જો
મારી આસપાસ વહેતા દીવાઓનું તેજ
મારો પડછાયો
કાળની નદી પર પાડે
તો હું ફરીથી જન્મું,
કદાચ!
~નેહલ
my poems © Copyright 2021 Nehal