કવિતાની શોધમાં… : નેહલ

કવિતાની શોધમાં…

કવિતાને શોધવા

આપણે શું શું નથી કરતા…!?

ક્યારેક પ્રેમના મેઘધનુષમાં પગ ઝબોળીએ,

આશાની હવા સાથે હળવા પીંછાની જેમ ઉડીએ,

સપનાંના ફૂલો પર ઝાકળની છાલક મારી, પતંગિયાઓની સવારી કરીએ,

ટહુકાઓમાં, ભમરાઓનાં ગુંજનમાં સૂર પુરાવીએ,

ક્યારેક જંગલો અને પહાડોની નીરવતામાં ખોવાઈએ,

તો ક્યારેક અનુકંપાના ઝરણાં-નદીઓની સાથે વહી નીકળીએ.

તો ક્યારેક;

એક ઊંડી, અંધારી, ડરામણી, કાળી ગુફાની

યાત્રાએ નીકળી પડીએ છીએ.

ખોદી ખોદીને બહાર કાઢવા મથીએ છીએ;

કોઈએ ન જાણ્યા હોય એવા,

અફસોસ, દગા, હતાશા, નિરાશા

ઘૃણા, તિરસ્કાર, નફરત, આક્રોશ

મારા, તમારા, કોઈના પણ

ભૂતકાળની દફનાવેલી રાખ નીચેના

અંગારા ફંફોળીએ છીએ, દાઝીએ છીએ.

ક્યારેક તો;

રોજ-રોજની યાંત્રિક, કંટાળાજનક જિંદગીની ભાગ-દોડમાં,

ટિફીનના ડબ્બામાં, લોકલ ટ્રેનની ભીડમાં,

ટ્રાફિક સિગ્નલ પર તમારી સામે હાથ લંબાવતી

મેલી-ઘેલી ભિખારણે તેડેલા માસૂમના આંસૂમાં,

રસ્તાની ધારે ખિલેલા અજાણ્યા ફૂલોમાં,

કે પછી ધૂળ ભર્યા રસ્તા પર આંકેલી અજાણી લિપીમાં,

અખબારની ગરમા-ગરમ હેડલાઈનની પાછળ છૂપાઈને ઊભેલી

વ્યર્થ વેદનામાં,

કે પછી વર્ષો-વર્ષ છેતરાતી જતી પ્રમાણિક

વફાદારીમાં, કર્તવ્યપરાયણતામાં, માનવતામાં,

કે પછી ઠઠારા અને ચળકાટભર્યા પ્રદર્શનમાં

સજી-ધજીને ઊભેલી ઘરડી વેશ્યા જેવી સભ્યતામાં,

ક્યાં ક્યાં નથી ભટકતા આપણે… એક કવિતાની શોધમાં!!

અને એક એવી પળે,…

તમે યાદ કરવા મથો એવું અજાણ્યું દુઃખ

જેની ઉપર આંગળી ના મૂકી શકો

તમે યાદ કરવા ચાહો એવું અનામી સુખ

જેનો ચહેરો દર્પણમાં ના જોઈ શકો

તમને જાણ ના હોય એમ

તમારી પાછળથી આવીને

તમારી આંખ દાબીને પૂછી બેસે;

ઓળખ મને, હું કોણ?

એ જ પળે,…

કવિતા તમને શોધી કાઢે છે.

~ નેહલ