ભીતર જુએ, બસ એને એ દેખાઈ રહ્યું છે,
નાટક તો સતત ભીતરે ભજવાઈ રહ્યું છે.

જીવાઈ રહ્યું છે ને એ જોવાઈ રહ્યું છે,
અસ્તિત્વ ત્યાં બે ભાગમાં વહેંચાઈ રહ્યું છે.

અજવાસની એ ઓથમાં સંતાઈ રહ્યું છે,
આંખોમાં છે અંધારું, એ ડોકાઈ રહ્યું છે.

અજવાસ કે અંધારનો એ ભેદ શું જાણે ?
જે પોતાના અજવાસથી અંજાઈ રહ્યું છે.

એવું નથી કે તારું સ્મરણ માત્ર સ્મરણ છે,
મોતી સમું એ મનમાં પરોવાઈ રહ્યું છે.

માણસ અહીં હોવાપણાના ઢોલ વગાડે,
ને ડાળ ઉપર પંખી તો બસ ગાઈ રહ્યું છે.

~મહેશ દાવડકર

2 thoughts on “ગઝલ : મહેશ દાવડકર

  1. કવિ મિત્ર શ્રી મહેશભાઇ – એક સરસ ચિત્રકાર પણ ખરા

    તેમની “ધીમેથી” ના રદીફ વાળી ગઝલના બે શેર.

    પળ છું નાજુક ઉઠાવ ધીમેથી
    આંખમાં તું સમાવ ધીમેથી

    એમ તારા વિચારમાં હું છું
    જેમ વહેતી હો નાવ ધીમેથી

    Liked by 1 person

Comments are closed.