મારા રૂમમાં
બે બારીઓ અને એક દરવાજો છે
એક પૂર્વની બારી
એક પશ્ચિમની બારી
મારો સૂરજ પૂર્વની બારીએ
ઊગે અને આથમે
ત્યાં સુધી હું સતત
લખતી રહું છું
જેવો પૂર્વનો સૂરજ ડૂબે
હું  પશ્ચિમની બારી ખોલી નાંખું છું
 પશ્ચિમનો સૂરજ ઊગીને આથમે
ત્યાં સુધી સતત લખતી રહું છું
મારા રૂમમાં ક્યારેય રાત
ઊગતી નથી
નિદ્રા આવતી નથી
અને હું બસ લખ્યા કરું છું
મારા રૂમની દિવાલો
પર શબ્દો પડઘાયા કરે છે
નહીં બોલાયેલા.
એક દરવાજો છે
જે મેં ક્યારેય ખોલ્યો નથી
કહે છે એની બહાર સૂરજ નથી
શબ્દ નથી, અંતહીન અંધારું છે
મારા પૂર્વજો
એ રસ્તે આગળ વધ્યા હતા
એમનું શું થયું
કોઈ જાણતું નથી
હું શબ્દ વિનાની, સૂરજ વિનાની
દિશામાં જતાં ડરું છું
મને બોલાયા વિના પડઘાયા કરતા શબ્દો
સતત લખવા ગમે છે.
હું એ બંધ દરવાજાને તાકતી રહું છું
એને ખોલવાની હિંમત નથી કરતી.
ક્યારેક બંને બારીઓ સાથે ખોલીને
બેઉ સૂરજના અજવાળે લખ્યા કરું છું
પણ કોણ જાણે કેમ દરવાજાને ખોલતાં
કયા ભયથી અટકી જાઉં છું!
મારો રૂમ એક કાળા, ખાલી અવકાશમાં તરતો હશે, તો ?
દરવાજાની બહાર એક ઊંડી, અંધારી ખીણ હશે, તો!?
જેની બહાર પગ મૂકતાં જ
હું ક્યાંય ન પહોંચે એવી યાત્રાએ નીકળી જાઉં તો?
ના, ના હું આ શબ્દ, રૂપ, આકારના વિશ્વમાં
ખૂબ સલામત છું, ખુશ છું.
~નેહલ
26/12/20

My Poems © COPYRIGHT NEHAL 2021

Wishing you all a very healthy, happy and peaceful New Year!

2 thoughts on “દરવાજાની પેલે પાર… : નેહલ

Comments are closed.